ગુજરાતનું આ શહેર ભગવાન ભરોસે!: રસી તો નથી હવે ટેસ્ટ કીટની પણ અછત

સુરત-

સુરત શહેરમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત માંગે છે તો બીજી તરફ રેપિડ ટેસ્ટ કીટ ન હોવાથી માર્કેટમાં ટેસ્ટિંગ વેપારી કરાવી શક્યા નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો ર્નિણય લીધો છે.

સુરતમાં સવારથી જ કોર્પોરેશનના અધિકારી દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને રેપિડ ટેસ્ટ કાર્યના રિપોર્ટ વગર પ્રવેશવા દેવાયા ન હતા. સવારેથી સુરતની શ્રી મહાવીર માર્કેટ તેમજ અન્ય માર્કેટમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારી માર્કેટના ગેટ ઉપર ઉભા રહી ગયા હતા. ટેક્સટાઇલ માર્કેટ સુપર સ્પ્રેડર ઝોન હોવાથી ખૂબ જ સખ્તાઈપૂર્વક અધિકારીઓએ કામગીરી કરી હતી. અધિકારીઓએ શ્રી મહાવીર ટેકસટાઇલ માર્કેટ નજીક જે.જે. માર્કેટમાં રેપિડ ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી હતી.

વેપારીઓ જ્યારે જે.જે. માર્કેટમાં ટેસ્ટિંગ માટે પહોંચ્યાં ત્યારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને રેપિડ ટેસ્ટ કરવા માટે કહ્યું તો તેમને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી. જેટલી કીટ લાવ્યા હતા તે પૂરી થઈ ગઈ છે. તેમને પૂછવામાં આવ્યું કે કેટલી કીટ લઈને આવ્યા હતા. ત્યારે માલુમ પડ્યું કે માત્ર ૩૦૦ કીટ લઈને માર્કેટમાં આવ્યા હતા. કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. માર્કેટમાં રેપિડ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત છે ત્યારે તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. કીટ ન હોવાને કારણે પોતાનો ધંધો બંધ કરીને વેપારીઓએ પરત ફરવું પડયું છે .જે.જે.માર્કેટ સિવાય પણ અન્ય માર્કેટમાં આજ સ્થિતિ જાેવા મળી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution