વડોદરા, તા.૩૦
વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-૨૦૨૨નુ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આજે લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા બીએસઈની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગરો, શહેરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જાેડવાની ગુજરાતની મહાનગરપાલિકાઓએ સફળતા મેળવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-‘‘અમૃત’’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત ૨૪ માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ ૪.૫૨ ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહીં, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. ૧૦૦ કરોડના આ બોન્ડ સામે ૩૩ રોકાણકારો દ્વારા ૧૦.૦૭ ગણુ વધારે એટલે કે રૂ. ૧૦૦૭ કરોડની બિડ થઇ હતી. વડોદરા કોર્પોરેશનનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે ૭.૧૫ ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.
મુખ્યમંત્રીએ વડોદરા કોર્પોરેશનના આ સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવા માટે મહાનગર સેવા સદનની સમગ્ર ટીમ અને મેયર કેયુર રોકડિયા તથા કમિશનર શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. ૧૦૦ કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમિતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંધરોટ ખાતેના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે જ્યારે અમીતનગર એ.પી.એસ પ્રોજેક્ટ થકી સુવેઝ પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મદદરૂપ થશે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા ત્રીજી મહાનગરપાલિકા છે જેણે આવા બોન્ડથી શહેરી સુખાકારીના કામોને નવી દિશા આપી છે. અર્બનાઇઝેશન હવે ચેલેન્જ નહીં, એોર્પોચ્યુનિટી બની ગયું છે અને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શહેરો લવેબલ, લિવેબલ બનવા લાગ્યા છે.
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગપાલિકાએ પ્રથમ બોન્ડનું લિસ્ટિંગ કર્યું છે. રૂ. ૧૦૦ કરોડનું ફંડ ખૂબ જ ઓછા દરે બોન્ડ થકી મળ્યું છે, જે વડોદરાના શહેરીજનોના પીવાના પાણી સહિતના વિકાસ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે.
મ્જીઈના એમ.ડી. અને સી.ઈ.ઓ. આશિષકુમારે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી, વડોદરાના વિકાસ માટે આ ભંડોળ આશિર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. અર્બન લોકલ બોડી આવા ફંડ દ્વારા હકારાત્મક અભિગમ સાથે નાગરિકોની સુવિધામાં ઉમેરો કરી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સ્માર્ટ સિટી મિશન ડાયરેક્ટર અને ભારત સરકારના સંયુક્ત સચિવ કૂણાલકુમારે જણાવ્યું કે, ગુજરાત સરકારનો શહેરી વિકાસનો આ અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે.