બોડી પોલિશિંગ અને સ્ક્રબિંગ માટે શ્રેષ્ઠ છે આ 1 વસ્તુની પેસ્ટ

લોકસત્તા ડેસ્ક

દહીં સ્કિન અને વાળ માટે જબરદસ્ત ફાયદાકારી છે. જો પાર્લરના પૈસા બચાવવા હોય તો આ ઉપાયો તરત જ નોંધી લો. વાળ અને સ્કિનની અનેક સમસ્યા થઈ જશે દૂર.

મોળું દહીં લો અને તેમાં થોડું મધ ભેળવીને હળવે હાથે બોડી પર સ્ક્રબ કરો. આનાથી ત્વચા સુંવાળી તો થશે જ, સાથે ત્વચા પરનો મેલ દૂર થશે.

સુખડના પાઉડરમાં દહીં ઉમેરીને તેમાં લીંબુના રસનાં બે-ત્રણ ટીપાં અને ગુલાબજળ ભેળવો. એનો લેપ બનાવીને બોડી પર લગાવો. લેપ લગાવીને આંગળીના ટેરવા વડે ત્વચા પર મસાજ કરો. વીસ મિનિટ સુધી મસાજ કરીને કોટન બોલ કે સ્પંજથી બોડીને લૂછી નાખો. હવે બરફના ટુકડાને શરીર પર ઘસો. પછી ઠંડા પાણી વડે સ્નાન કરી લો. આનાથી ત્વચાનું સારી રીતે સ્ક્રબિંગ થશે અને સાથે શરીરને ઠંડક પણ મળશે.

ઘટ્ટ દહીંમાં થોડું ગુલાબજળ અને થોડીક હળદર મેળવો. આને બોડી પર લેપની જેમ લગાવો અને આંગળીના ટેરવાં વડે ગોળાકાર મસાજ કરો. પંદર મિનિટ સુધી મસાજ કર્યા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. ત્વચા સુંવાળી બનશે અને રંગ ખીલશે.

જો તમારી ડોક અને ગળાનો ભાગ વધારે કાળો થઇ ગયો હોય તો સ્નાન કરતી વખતે ખાટા દહીંની માલશિ કરો અને પછી પાણીથી ધોઇ લો.

જો ખીલની તકલીફ હોય તો પણ દહીંનો ઉપયોગ કરવો જોઇએ. ચહેરાના જે ભાગ પર ખીલ થયા હોય ત્યાં ખાટા દહીંનો લેપ લગાવો અને તે સૂકાઇ ગયા બાદ ધોઇ નાખો. થોડા દિવસ આ રીતે કરવાથી તમને પરિણામ જોવા મળશે.

જો ચહેરા પરના બ્લેક હેડ્સ દૂર કરવા હોય તો ઘઉંના જાડા લોટમાં દહીં ઉમેરી તેને ચહેરા પર લગાવવાથી બ્લેક હેડ્સ દૂર થઇ જશે.

દહીંમાં લીંબુનો રસ ભેળવીને તેને હાથ-પગ અને ગળાના ભાગ પર લગાવો. વીસ મીનિટ સુધી રહેવા દો અને પછી ધોઇ નાખો. ત્વચા કોમળ બની જશે.

વાળ ધોયા પહેલા જો વાળમાં દહીં લગાવવામાં આવે તો શેમ્પૂ કર્યા પછી કંડશિનર કરવાની જરૂર પડતી નથી.

ખોડાની તકલીફ વધારે હોય તો દહીંમાં મરીનો પાઉડર ભેળવીને માથું ધોવું જોઇએ. અઠવાડિયામાં બે વખત આવું જરૂર કરો. આનાથી વાળમાંથી ખોડો દૂર થશે. વાળ મુલાયમ અને કાળા થશે અને વાળનો જથ્થો પણ વધશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution