પ્રાચીન સમયનું ચોરશાસ્ત્ર

લેખકઃ નરેશ અંતાણી | 

સાંપ્રત સમયમાં ચોરી એ એક સજાપાત્ર ગુનો છે અને ચોરીને આપણે એક અશિષ્ટાચાર તરીકે જાેઈએ છીએ અને ચોરીને પ્રોત્સાહન આપવું કે તેમાં મદદગારી કરવી એ પણ એક અપરાધ છે, પરંતુ એક હેરત પમાડે એવી વાત એ છે કે, પ્રાચીન સમયમાં ચોરીનું પણ એક શાસ્ત્ર હતું અને તસ્કરવું કે ચોરી કરવી એ એક કળા તરીકે જાેવામાં આવતી હતી. એટલું જ નહીં, પણ ચોરી કઈ રીતે કરવી, કેવાં સાધનો રાખવાં, ખાતર પાડવાના પ્રકારો તેના આકારોમાં કલાત્મકતા કઈ રીતે લાવવી કે જેથી ચોરની કલાની પ્રસંશા થાય વગેરેનો આ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવતો હતો. ભલે તેના કોઈ લેખિત ગ્રંથો ઉપલબ્ધ નથી પરંતુ પ્રાચીન ગુજરાતી સાહિત્ય તથા સંસ્કૃત નાટકોમાં તેના ઉલ્લેખ અવશ્ય જાેવા મળે છે. આ ચોરશાસ્ત્ર શું હતું અને કેવું હતું તેનું શિક્ષણ કેવી રીતે આપવામાં આવતું એ વિગતો એક પ્રાચીનશાસ્ત્રને જાણવા તથા માહિતગાર થવાના હેતુસર જાણવી રસપ્રદ રહેશે.

 તરવું, તાંતરવું અને તસ્કરવું એ ત્રણેય આપકળા માનવામાં આવે છે. એના માટે કોઈ અભ્યાસની આવશ્યકતા નથી હોતી. આમ છતાં પ્રાચીન સમયમાં ચોરી માટેય એક વણલખ્યું શાસ્ત્ર હતું. આ શાસ્ત્રમાં ચોરીના સિદ્ધાંતો અને પદ્ધતિની વાતો કહેવામાં આવી છે.

 ચોરી કરવાની વૃત્તિ એ માણસજાતના ઉદ્‌ગમ જેટલી જ જુની મનાય છે. પણ પછી આગળ જતાં કેટલાક સંજાેગોવસાત કેટલીક જાતિઓ અને માનવસમુહોએ ચોરીનો આજીવિકાના સાધન તરીકે સ્વીકાર કર્યો અને એ પછી તસ્કરકલાનો એક ધંધાના સાધન તરીકે વિકાસ થયો, એની કાર્યપદ્ધતિ અને તાલિમ નકકી થઈ, આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો ચોરીના પણ એક શાસ્ત્રનો ઉદભવ થયો અને નવાઈ એ વાતની પણ છે કે, એ શાસ્ત્રનું શિક્ષણ આપનારા ‘આચાર્યો’ પણ એ સમયે થઈ ગયા હતા.

 પ્રાચીન ભારતના એ ચોરશાસ્ત્રના કર્તા મૂલદેવ હતાં. તેને કયાંક મૂલશ્રી તરીકે પણ વર્ણવવામાં આવ્યાં છે. તેમની માતાનું નામ કર્ણી હોવાથી તેને કર્ણીસુત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય પણ મૂલભદ્ર, કરટર, કલાંકૂર તથા ખરપટ એવાં નામો પણ સંસ્કૃત સાહિત્યમાં મળી આવ્યાં હોવાનું વિદ્વાન ઈતિહાસકાર ભોગીલાલ સાંડેસરા જણાવે છે. આ માટે તેઓ આધાર આપતાં જણાવે છે, એ પ્રમાણે ઈસવીસનના સાતમા સૈકાના આરંભના સમયમાં રચાયેલા એક સંસ્કૃત નાટક ‘મતવિલાસ પ્રહસન’માં ચોરશાસ્ત્રના કર્તા તરીકે ખરપટની પ્રશસ્તિ કરવામાં આવી છે અને તેમને નમસ્કાર પણ કરવામાં અસ્તિં છે.

 ચોરશાસ્ત્રના હોવા અંગેના બીજા પણ મળેલા એક આધારમાં દંડીના ‘દશકુમાર ચરિત’માં કર્ણીસુતે ચોરીનો ધંધો સ્વીકાર્યો હોવાનું તથા તેણે ચીંધેલા માર્ગે ચાલવાની વાત નાટકનું એક પાત્ર કરતું હોવાની વાત કરવામાં આવી છે. તો કાદંબરીના વિવેચક ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્રે પણ કર્ણીસુતનો ચોરશાસ્ત્રના પ્રવર્તક તરીકે ઉલ્લેખ કર્યો છે. આમ, મુલદેવ રચિત ચોરશાસ્ત્રની પરંપરા બહુ જુના સમયથી ભારતના સાહિત્યમાં ચાલી આવતી હોવાનું જાેઈ શકાય છે. જાે કે, ચોરશાસ્ત્રનો કોઈ ગ્રંથ કે લિખિત સ્વરૂપમાં તે આજ સુધી મળી આવ્યો નથી. તે એક ગોપનીય શાસ્ત્ર મનાય છે. આથી તે કર્ણોપકર્ણ રહ્યું જેને કારણે વરસો પછી ઘસાતું ચાલ્યું અને અંતે નાશ પામ્યું હોય તેવું બની શકે છે. જાે કે, ભોગીલાલ સાંડેસરા ‘ષણ્મુખકલ્પ’ અને ‘ચૌરચર્યા’ નામની બે હસ્તપ્રતો મળી આવી હોવાનું નોંધે છે. તથા મૂલદેવનું વૃતાંત અનેક સંસ્કૃત સાહિત્યમાં હોવાનું પણ તેઓ જણાવે છે.

 ચોરીકલાની ખાસ તાલીમ અપાતી. તાલીમ તાલીમ આપનારને આ શાસ્ત્રમાં આચાર્ય કહેવાતા, ખાતર કયાં અને કેમ પાડવું એ વિષે ‘મૃચ્છકટિક’માં રસપ્રદ વાત કરવામાં આવી છે, પાણી પડવાથી ભીની થઈ ગયેલી દીવાલમાં ખાતર પાડવાથી અવાજ થવાની સંભાવના રહેતી નથી. હવેલીનો ક્યો ભાગ ક્ષાર લાગવાથી જીર્ણ થયો હશે, કઈ જગ્યાએ ખાતર પાડવાથી દ્રવ્ય હાથ લાગશે તે શોધવાની રીતસરની તાલીમ આ શાસ્ત્રમાં હતી તો ખાતર પાડતાં પહેલાં સ્ત્રીના શયનસ્થાનની શોધ કરાતી અને તેવા સ્થાને ખાતર નહીં પાડવાની શીખ પણ આપવામાં આવતી.

મુલદેવ પાટલીપુત્રનો રાજકુમાર હતો પરંતુ પિતાથી રિસાઈને ભટકતો દક્ષિણના વેણાતટ નગરમાં એક ઘરમાં ખાતર પાડતાં પકડાઈ ગયો હતો. પરંતુ એ જ દિવસે આ નગરના રાજાનું અવસાન થયું હતું અને તેને કોઈ પુત્ર ન હોઈ રાજાની શોધમાં મંત્રીઓએ તેના પર કળશ ઢોળાતાં તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આમ, ચોરશાસ્ત્રનો પ્રવર્તક મૂલદેવ વેણાતટનો રાજા બન્યો અને ઉજ્જયિનીની ગણિકા દેવદત્તાને પરણ્યો હતો. તો આચાર્ય હરિભદ્રસૂરિના ‘ધૂર્તાખ્યાન’માં મૂલદેવને ધૂર્તોનો સરદાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ સિવાય પણ અનેક સંસ્કૃત સાહિત્યમાં મૂલદેવની ધૂર્તતા અને તેની ચોરીની ચાતુરીની વાતો કહેવામાં આવી છે.

 ચોરીનું શાસ્ત્ર હોય એટલે તેના અધિષ્ટાતા દેવ પણ હોવાના જ! ‘મૃચ્છકટિક’ નાટકમાં જણાવાયું છે એ પ્રમાણે ચોરોના અધિષ્ટાતા દેવ સ્કન્દ અથવા તો કાર્તિકેય છે. આ નાટકના ત્રીજા અંકમાં ચોરોને સ્કન્દપુત્ર કહ્યા છે. પ્રાચીન સમયમાં ચોર એટલે માત્ર ઘરમાં ખાતર પાડીને લૂંટી જનાર જ નહીં, પણ રીતસરની ટોળીઓ બનાવી લૂંટફાટનો ધંધો કરનાર લૂંટારાઓ પણ ચોર તરીકે જ ઓળખાતા. ચોરપલ્લીઓ અને ચોર સેનાપતિઓના ચોરી, લૂંટફાટના અનેક વર્ણનો સાહિત્યમાં વર્ણવાયા છે. આથી ચોરીના વ્યવસાયને આક્રમણ અને યુદ્ધ સાથે સંબંધ હોવાને કારણે પણ યુદ્ધદેવ સ્કન્દને ચોરોના અધિષ્ટાતા દેવ કહેવાયા હશે.

સંસ્કૃતમાં સ્કન્દ એ ચતુરાઈનો પર્યાય છે અને ચોરીમાં ચતુરાઈની વધારે જરૂર પડતી એ રીતે પણ સ્કંન્દનો સંબંધ ચોરી અને તેના શાસ્ત્ર સાથે જાેડાયો હોઈ શકે. પ્રાચીન ચોરશાસ્ત્રમાં ચોરોને બે પ્રકારે ઘરની અંદર પ્રવેશતા બતાવવામાં આવ્યા છે. એક તો ખાતર પાડીને અને બીજું સુરંગ દ્વારા. એ સમયે ચોરી કરવામાં પણ બહાદુરી અને તાકાતની જરૂર પડતી.એ કાળમાં આજની જેમ ચોરી કરવામાં ન આવતી. પણ ચોરી માટે ચોકકસ મહેલ, હવેલી કે શાહુકારનું ઘર પસંદ કરી તેના ઘરમાં દીવાલમાં બાકોરું કરી દીવાલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવતી. જેને ખાતર પાડવું કહેવામાં આવતું. ખાતરને સંસ્કૃતમાં ખાત્ર અથવા તો ખત કહેવામાં આવે છે ગુજરાતીમાં ખાત એટલે બાકોરું કહેવામાં આવે છે.

 ચોરીનો બીજાે પ્રકાર સુરંગ એ ખાતરને મુકાબલે વધારે મુશ્કેલ હોવાથી પ્રમાણમાં તેનો પ્રયોગ ઓછો કરાતો એવું જાેવામાં આવ્યું છે. આપણી વાર્તાઓમાં પણ ખાતર પાડીને ચોરી કરવાની વાતો જ વધારે પ્રમાણમાં જાેવામાં આવે છે. જાે કે ‘કથાસરિત્સાગર’માં ખાતર અને સુરંગ એ પ્રકારે ચોરી કરવાની વાત જાેવામાં આવે છે. ચોરીકલાની તાલીમ આપી સ્કન્દના અનુયાયી વર્ગમાં વૃદ્ધિ કરતા તેને આ શાસ્ત્રમાં આચાર્ય કહેવાતા અને ખાતર કયાં અને કેમ પાડવું એ વિષે પણ ‘મૃચ્છકટિક’માં વિગતે રસપ્રદ વાત કરવામાં આવી છે. ખાતર પાડતાં પહેલાં સ્ત્રીના શયનસ્થાનની શોધ કરાતી અને તેવા સ્થાને ખાતર નહીં પાડવાની શીખ પણ આપવામાં આવતી. એ સમયે સ્ત્રીદાક્ષિણ્યની ભાવના કેટલી વધારે હતી તે દર્શાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution