ગુજરાતનું ગરમ વાતાવરણ, પ્રદૂષણ અને સુષ્ક હવામાનના કારણે અનેક મહિલાઓને વાઢિયાની સમસ્યા થાય છે. ધણીવાર તો વાઢિયા એટલા વધી જાય છે કે પગ પણ મુકવો મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપીશું જેનાથી આ સમસ્યા આટલી મુશ્કેલ થાય તે પહેલા જ તમે તેનું નિરાકરણ કરી શકો. પગમાં વાઢિયાના પડે તે માટે સૌથી પહેલા તો પગની સફાઇને ગંભીરતાથી લેવાની જરૂરી છે.
રોજ પગને સ્ક્રબર અને સાબુના પાણીથી સાફ કરો. અને તે પછી તેને માલિશ અને મોશ્ચુરાઇજ કરવું જરૂરી છે. આમ કરવાથી આ સમસ્યાને તમે લાંબા સમય સુધી દૂર રાખી શકો છો. તેમ છતાં નીચેની કેટલીક વસ્તુઓ તમારા વાઢિયાની આ સમસ્યામાં રાહત આપવામાં અસરદાર સાબિત થઇ શકે છે.
એરડિયાનું તેલ વાઢિયાના દુખાવા પર ખાસ કારગર સાબિત થાય છે. તે માટે પગને બરાબર સ્ક્રબ કરીને સાફ કરો અને પછી રાતે એરડિયાનું તેલ પગમાં લગાવીને પગમાં મોજા પહેરો. સવાર પણ ઉઠીને પગની એડીને બરાબરથી સાફ કરો આમ એક સપ્તાહ સતત કરવાથી લાભ મળશે.
કેટલીક વાર વાઢિયા ખૂબ જ પીડાદાયક બની જાય છે. અને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. ત્યારે આવા સમયે પગને બરાબર સાફ કરીને તે જગ્યાએ સોફરોમાઇસીન ક્રીમ લગાવો. અને આવું એક સપ્તાહ કરવાથી પગના દુખાવામાં રાહત રહેશે.
વેસેલાઇન અને એલોવેરા જેલને મિક્સ કરીને તમે વાઢિયા પર લગાવી શકો છો. આ ઉપરાંત લીમડાનું તેલના 1 ટીપાને વેસેલાઇનમાં મિક્સ કરીને પણ તમે વાઢિયા પર લગાવી શકો છો. વધુમાં હળદર,એલોવેરા અને ધીની પેસ્ટ બનાવીને પણ વાઢિયા પર લગાવાથી લાભ થાય છે.