ભાજપના ઉમેદવારની ફેરણી વખતે ડે.મેયર અને કાર્યકર્તા વચ્ચે તું, તું... મૈં, મૈં... થયું!

વડોદરા, તા.૯

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જાેશીની ફેરણી દરમિયાન ભાજપના એક પદાધિકારી અને કાર્યકર્તા વચ્ચે ઉમેદવારની જીપમાં સાઈડમાં ઊભા રહેવા બાબતે તું, તું... મૈં, મૈં... થયું હતું. વડોદરા શહેરમાં ભાજપમાં આંતરિક જૂથબંધી દિવસે દિવસે વધુને વધુ વકરતી જાય છે. હાલ ભાજપમાં અનેક મોટા નેતાઓના વિવિધ ગ્રુપ સક્રિય છે. અને જુથબંધીના કારણે હવે જાહેરમાં ભાજપામાં વિવાદ જાેવા મળે છે. લોકસભાના ઉમેદવારના ચૂંટણી પ્રચાર ફેરણી દરમિયાન અનેક વખત પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે તુતુ... મેમે...ના બનાવો બનવા પામ્યા છે. વોર્ડ નં-૧૩માં વોર્ડના મહિલા પ્રભારીને જીપમાં બેસવા નહી દેવાતા તેઓ ફેરણી અધવચ્ચે છોડીને જતા રહેવાના બનાવ બાદ ગઈકાલેજ વોર્ડ-૬ માં ફેરણી દરમિયાન મેયર અને વોર્ડના મહિલા કાઉન્સિલર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે આજે ઉમેદવારના પ્રચાર માટેની ફેરણી વોર્ડ નં.૨માં અભિલાષા ખાતે શરૂ થઈ હતી. દરમિયાન મળતી વિગત મુજબ પક્ષના કાર્યકર્તા અંબુ ઉમેદવારની જીપની સાઈડના ભાગમાં લટકીનેે ઊભા હતા ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે તું ગાડી પર આવી રીતે લટકીશ નહીં તેમ કહ્યુ હતુ.જેથી કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, હું અહીં જ ઉભો રહીશ. જાેકે, ત્યારબાદ ડે.મેયર ચિરાગ બારોટ અકળાયા હતા અને કહ્યું હતું કે, તું નીચે ઉતરી જા. અને બંને વચ્ચે રીતસરની ચડભડ થઈ હોવાનું જાણવા મળે છે.જાેકે, પક્ષના પ્રચાર દરમિયાન આ મામલો વધુ ઉગ્ર બને તે પૂર્વે જવાબદાર પદાધિકારી તરીકે શહેર ભાજપાના મહામંત્રી સત્યેન કુલાબકરે મધ્યસ્થી શરૂ કરી હતી અને બંને વચ્ચે મામલો વધુ પેચીદો બને તે પહેલા બંનેને સમજાવી વિવાદ થાળે પાડ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રચારના કાફલામાં ટેમ્પો બંધ પડતાં કાર્યકરોનું જાેર લગા કે હઇસા..!

વડોદરા, તા.૯

ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જાેષીનો લોકસંપર્ક કાર્યક્રમ આજે સવારે ૯ કલાકે અભિલાષા ચાર રસ્તા, ન્યુ સમા રોડથી થયો હતો. લોકસંપર્ક કાર્યક્રમના કાફલામાં હોર્ડિંગ્સો સાથે ટેમ્પો સહિતના વાહનો અને સ્થાનિક ભાજપા કાર્યકરો જાેડાયા હતા. ફેરણીમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલરો સહિત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારનો લોકસંપર્ક દરમિયાન ઉમેદવારની પાછળનો ટેમ્પો બંધ પડી જતાં કાર્યકરોને ધક્કો મારવો પડ્યો હતો. કાર્યકરો દ્વારા ટેમ્પોને ધક્કો માર્યા બાદ ટેમ્પો ચાલુ થઇ ગયો હતો. જાેકે, બંધ પડી ગયેલા ટેમ્પાને ધક્કા મારીને ચાલુ કરવાની ફરજ પડતાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને વિવિધ કોમેન્ટ શરૂ થઈ ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution