૨૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ કેન્દ્રના નાણાંમંત્રી ર્નિમલા સીતારામને ૨૦૨૩-૨૪નું આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજુ કર્યું. આ સર્વેક્ષણમાં દેશના શિક્ષિત યુવાવર્ગ માટે બહુ ગંભીર ચિત્ર રજુ થયું છે. ભારતની કુલ વસ્તીના ૬૫ ટકા ૩૫ વર્ષથી ઓછી વયની છે. આ ૬૫ ટકા યુવાનોમાંના અડધાથી વધારે યુવાનો પાસે આધુનિક અર્થતંત્ર માટે જરૂરી કૌશલ્યોનો અભાવ છે. અંદાજ દર્શાવે છે કે લગભગ ૫૧.૨૫ ટકા યુવાનોને રોજગાર-લાયક ગણવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો લગભગ દર બે શિક્ષિત યુવાનમાંથી એક સહેલાઈથી નોકરીને યોગ્ય લાયકાત ધરાવતા નથી. દર વર્ષે લાખો યુવાનો અલગ અલગ શાખાઓમાં ગ્રેજ્યુએટ થઈને નીકળે છે પરંતુ એમાંથી માત્ર ૨૫ ટકા જ રોજગારીને પાત્ર હોય છે. શિક્ષિત હોવા છતાં જે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટેનું યોગ્ય અને અનિવાર્ય કૌશલ્ય ધરાવતા હોતા નથી. આ ઘણી ગંભીર બાબત છે. જાે કે છેલ્લા દાયકામાં આ ટકાવારી લગભગ ૩૪ ટકાથી વધીને ૫૧.૩ ટકા થઈ છે એ આશા જન્માવે છે કે આવનારા દશકમાં દેશનો શિક્ષિત યુવાન કોલેજમાંથી બહાર આવે ત્યારે જ રોજગાર-લાયક કૌશલ્ય ધરાવતો હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયનો ૨૦૨૨-૨૩નો વાર્ષિક અહેવાલ દર્શાવે છે કે નેશનલ સેમ્પલ સર્વે (દ્ગજીર્જીં)ના ૬૮મા રાઉન્ડના ભારતમાં શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમની સ્થિતિ અંગેના અહેવાલમાં ૧૫-૫૯ વર્ષની વયની વ્યક્તિઓમાંથી માત્ર ૦૨.૨ ટકાએ ઔપચારિક વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરી હોવાનું અને માત્ર ૦૮.૬ ટકાએ બિન-ઔપચારિક વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરી હોવાનું નોંધાયું છે. આ જ અહેવાલમાં દેશમાં કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાના લેન્ડસ્કેપમાં કયા કયા પડકારો રહેલા છે તેની વિગતે ચર્ચા કરી છે.
આપણા દેશમાં એવી માન્યતા વ્યાપક પ્રમાણમાં પ્રવર્તે છે કે જે યુવાનો પ્રગતિ કરી શક્યા નથી કે પછી ઓપચારિક શૈક્ષણિક પ્રણાલીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી શક્યા નથી તેવા માટે પણ કૌશલ્યને તો છેલ્લા વિકલ્પ તરીકે જ ગણતરીમાં લેવામાં આવે છે અને તેને કારણે યુવાનો આધુનિક જરૂરિયાતો પ્રમાણેનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. ઉદાહરણ તરીકે ધોરણ દસ પછી મિકેનિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા કરીને બહાર આવનાર યુવાન પાસે ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું કૌશલ્ય ન હોવા છતાં એ જ યુવાન એ માટેનું “વેલ્યુ એડેડ” કૌશલ્ય મેળવવાનો પ્રયાસ કરતો જાેવામાં આવતો નથી. ઘણી વખત એવું પણ જાેવા મળ્યું છે કે આવી રીતે શિક્ષિત થઈને બહાર આવનાર યુવાનને ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે કયું કૌશલ્ય અનિવાર્ય છે એનું જ્ઞાન કે માહિતી એની પાસે હોતી નથી. તેને જે શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હોય તે શૈક્ષણિક સંસ્થા પણ તે અંગેની માહિતી કે જ્ઞાન આપતી જાેવા મળતી નથી.
૨૦૧૪માં મોદી સરકાર આવ્યા પછી ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને તેઓ માટે અનિવાર્ય એવા કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ૨૦થી વધુ મંત્રાલયો/વિભાગો દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આ તમામ મંત્રાલયો અને વિભાગો વચ્ચે મજબૂત સંકલન અને મોનિટરિંગ મિકેનિઝમનો અભાવ જાેવા મળી રહ્યો છે અને તેના કારણે આ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોનો જેટલો પ્રભાવ ઉભો થવો જાેઈએ અને તેનું જે પરિણામ પ્રાપ્ત થવું જાેઈએ તે મળી રહ્યું નથી. દેશના ૭૦ ટકા યુવાઓને કૌશલ્ય વિકાસના કયા કાર્યક્રમો છે તેની માહિતી નથી. આના કારણે કૌશલ્ય વિકાસનો જાેઈએ તેવો પ્રચાર-પ્રસાર થઇ રહ્યો નથી.
એસેસમેન્ટ અને સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની પ્રણાલીઓમાં બહુ જ વ્યાપક વિસંગતતાઓ જાેવા મળી રહી છે. તેને કારણે ઉદ્યોગપતિઓ અને રોજગારદાતાઓમાં મૂંઝવણ પ્રર્વર્તી રહી છે. આથી યુવાનો સાચી રીતે કૌશલ્ય પ્રાપ્ત કરીને યોગ્ય રોજગાર પ્રાપ્ત કરી શકતા નથી. તદઉપરાંત કૌશલ્ય વિકાસની તાલીમ આપવા માટે કુશળ ટ્રેઇનર્સની અછત જાેવા મળી રહી છે. તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવા માટે ઉદ્યોગોમાંથી કુશળ ટ્રેઇનર્સને આકર્ષવામાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો નિષ્ફ્ળ ગયા છે. કૌશલ્ય વિકાસની તાલીમ આપતી શૈક્ષણિક સંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે કોઈ જ પ્રકારનું સંકલન નથી. તેવી જ રીતે વ્યવસાયિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો વચ્ચે પણ ગતિશીલતા તો નથી પણ મનમેળ પણ નથી. આના કારણે માંગ અને પુરવઠા વચ્ચે સતત ખાઈ જાેવા મળી રહી છે. ઉદ્યોગોને તેમને જાેઈએ એ રીતના રોજગાર કુશળ કર્મચારીઓ મળતા નથી અને બીજી બાજુ શિક્ષિત યુવાઓ બેરોજગાર ભટકી રહયા છે.
આપણા દેશમાં એપ્રેન્ટિસશિપ અને વોકેશનલ ટ્રેઇનિંગનો ઓન-જાેબ તાલીમનો અભાવ જાેવા મળી રહ્યો છે. માત્ર વર્ગખંડોમાં મેળવેલ જ્ઞાનથી રોજગાર-પાત્ર બની શકાતું નથી. કૌશલ્યવર્ધન માટે “વેલ્યુ એડેડ” કોર્સીસ કરવા અનિવાર્ય છે પરંતુ તેની માહિતીનો અભાવ છે. નથી સરકાર તે અંગેની માહિતી પુરી પાડતી કે નથી શૈક્ષણિક સંસ્થાઓ. એક ઉદાહરણથી સમજીએ. એક યુવા સામાન્ય શૈક્ષણિક સંસ્થામાંથી મિકેનિકલ એન્જીનીયર થયો પરંતુ તેને તેના ચાર વર્ષના સ્નાતકના અભ્યાસ દરમિયાન તેને છ આંતરરાષ્ટ્રીય લેવલના સોફ્ટવેર શીખ્યા (ઓટોકેડ, થ્રિ-ડી મેક્સ, રેવિટ વગેરે વગેરે). તેનો જ એક મિત્ર કે જેને સારી શૈક્ષણિક સંસ્થામાંથી મિકેનિકલ એન્જીનીયરીંગ કર્યું પરંતુ તેને કોઈ જ સોફ્ટવેર શીખ્યા નહીં. બંને મિત્રો હતા. સામાન્ય શૈક્ષણિક સંસ્થામાંથી એન્જીનીયર થનાર મિત્ર કે જેને છ સોફ્ટવેર શીખ્યા હતા તેને ૧૫ લાખનું પેકેજ મળ્યું અને જેને સારી શૈક્ષણિક સંસ્થામાંથી એન્જીનીયરીંગ કર્યું હતું પરંતુ કોઈ સોફ્ટવેર શીખ્યા ન હતા એને ૦૧.૫ લાખ પેકેજ મેળવતા મેળવતા મોંમાંથી ફીણ આવી ગયા. આ છે કૌશલ્ય-વર્ધનની તાકાત અને ક્ષમતા.
આપણા દેશમાં એન્જીનીયરીંગ હોય કે કોમર્સ, મેનેજમેન્ટ હોય કે હ્યુમેનિટીઝ - અભ્યાસક્રમો દાયકાઓ સુધી બદલાતા નથી. ઉદ્યોગોમાં દર ત્રણ વર્ષે નવી ટેક્નૉલોજી આવતી હોય છે. આના કારણે શિક્ષિત થઈને બહાર આવનાર “અનએમ્પ્લોઈડ યુથ”ના ટોળાં થઇ જાય છે. શૈક્ષણિક અભ્યાસક્રમ અને ઉદ્યોગો - એ બે વચ્ચે સતત સંકલન અને સંગતતા અનિવાર્ય છે. જ્યા સુધી એ ઉભી નહીં થાય ત્યાં સુધી શિક્ષિત પરંતુ “અનએમ્પ્લોઈડ યુથ”ના ટોળાં વિખેરી શકાશે નહીં. આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ઉદ્યોગ સાહસિકતાનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી તથા સ્ટાર્ટ-અપ્સ માટે મેન્ટરશિપનો અભાવ જાેવા મળી રહ્યો છે. ઇનોવેશન આધારિત સાહસિકતા માટે યોગ્ય પ્રોત્સાહન નથી તથા એ માટેનું યોગ્ય વાતાવરણ પણ નથી. બાકી આજના યુવાન પાસે જ્ઞાનનું એટલું બધું એક્સપોઝર છે કે એ ધારે તો દર વર્ષે લાખો સ્ટાર્ટ-અપ્સ અને દર વર્ષે લાખો પેટન્ટ આપી શકે એવી તાકાત ધરાવે છે. જરૂર છે આવા યુવાન માટે એક મેન્ટરની અને શૈક્ષણિક ક્ષેત્રે એક સબળ નેતૃત્વની કે જે ઉદ્યોગો અને શિક્ષણ વચ્ચેનું અંતર ઘટાડે અને વિસંગતાઓ દૂર કરે.
Loading ...