હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના નથીઃ આ તારીખ બાદ પુનઃએન્ટ્રી થશે

ગાંધીનગર-

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદ નહીં થતાં ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને આધારે પાણી કાઢીને ખેતરમાં ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. ત્યારે હવે અંશતઃ રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. ૧૭ ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જાેકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ૧૭ ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરીવાર શરૂઆત થશે. ત્યાર બાદ તબક્કાવાર મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીવાર વેટ સ્પેલ પણ આવશે. આગામી સમયમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. રાજ્યમાં અત્યારસુધીમાં ૪૬ ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષે ઓગસ્ટ ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં ૭૮ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વખતે માત્ર ૬ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ ૨૦૧૯ના પ્રથમ સપ્તાહમાં ૧૮૬ મિમી તથા ઓગસ્ટ ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં ૪.૧૩ મિમી વરસાદ નોંધાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોએ વાવેલો ઊભો પાક સડી જવા અથવા તો સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution