પરિવર્તન માટે પ્રયાસ થાય તેનો મહિમા છે

આપણે જ્યારે આપણી આસપાસ નજર કરીએ તો ઘણું બધું બદલાયેલું લાગશે અથવા તો બદલાઈ રહ્યું હોવાની પણ લાગણી થશે. આપણી પોતાની જાત ઉપર નજર કરીએ તો તેમાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું. આપણે અત્યાર છીએ તેના કરતાં પાંચ વર્ષ પહેલાં બીજા કોઈક હોઈશું અને તેનાથી દસ વર્ષ પહેલાં આપણું વ્યક્તિત્વ હશે તે આપણે જાણી અને સમજી શકીએ છીએ. પરિવર્તન એ દુનિયાનો ક્રમ છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તે ક્રમ જળવાશે. કુદરત પોતાની રીતે પરિવર્તન કરવાની જ છે. વાત છે માણસ દ્વારા પરિવર્તન કેવી રીતે આવે છે.

દેશની આઝાદીની વાત કરીએ તો આપણે માની છીએ કે ગાંધીજી દ્વારા મોટાપાયે આંદોલન અને સત્યાગ્રહો કરવામાં આવ્યા તેના કારણે આપણને આઝાદી મળી. આ વાત સાચી છે પણ સંપૂર્ણ નહીં. ગાંધીજી ઉપરાંત તેમના પહેલાં ઘણા લોકોએ દેશની આઝાદી માટે પ્રયાસ કર્યા હતા. તેમણે તેમના સ્તરે પ્રયાસ કર્યા અને ગાંધીજીએ તેમના સ્તરે પ્રયાસ કર્યા. પરિણામ મહત્ત્વનું છે કે આપણને આઝાદી મળી. ગાંધીજીને જ્યારે રંગભેદનો અનુભવ થયો અને ભારત પરત આવ્યા પછી તેમણે દેશવાસીઓની દુર્દશા જાેઈ ત્યારે તેમને પરિવર્તન લાવવાની ઈચ્છા થઈ. તે સમયે લાખો પાઉન્ડની કમાણી કરનારા બેરિસ્ટર માત્ર એક પોતડી પહેરીને દેશને આઝાદી અપાવવા રસ્તા ઉપર ઉતરી આવે તેને પરિવર્તનની ઈચ્છા, પરિવર્તનની ક્રિયા ગણી શકાય. આ પરિવર્તન ત્યારે જ થાય અને અસરકારક રહે જ્યારે તેની નોંધ લેવાય અને બીજા તેનું અનુસરણ અને અનુકરણ કરવા માટે પ્રેરાય.

ઘણા સમય પહેલાં એક ફિલ્મ આવી હતી જેમાં એક હિરો લોકોની મદદ કરતો અને કામ પૂરું થયા પછી એ લોકોને સમજાવતો કે તમે ત્રણ લોકોની મદદ કરો. એ ત્રણ લોકોને સમજાવજાે કે તમે ત્રણેય અનુક્રમે ત્રણ-ત્રણ લોકોની મદદ કરજાે. આ મદદની જે સાંકળ છે તેને વિસ્તૃત કરતા રહેજાે. આ રીતે સમાજમાં પરિવર્તન આવશે અને લોકો એકબીજાને મદદ કરવા માટે આગળ આવશે. સમાજમાં આ રીતે જ સુધારો ફેલાશે. અહીંયા ફિલ્મની વાત નથી પણ ફિલ્મના સંદેશની વાત છે. ફિલ્મ દ્વારા સમાજમાં ર્પરિવતન માટે કેવી રીતે એકલા હાથે પ્રયાસ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું છે.

પરિવર્તનના સંકલ્પની વાત કરીએ તો એક ગામ હતું. ગામમાં એક સરસ તળાવ હતું. આ તળાવમાં દરરોજ લોકો કપડાં ધોવા આવે, નહાવા આવે, પીવાનું પાણી ભરવા આવે, પોતાના ઢોરઢાંખરને પાણી પીવડાવવા અને સ્વચ્છ કરવા લઈને આવે. બાળકો પણ તળાવની પાસે રમવા માટે આવે. અહીંયા એક દિવસ એક છોકરાના નજર ગામના તળાવના એક કિનારા ઉપર ગઈ. અન્ય ગામની સીમા તરફ જતા રસ્તે તળાવનો જે ભાગ હતો ત્યાં એક વૃદ્ધ મહિલા આવતી અને તળાવમાંથી એક કાચબો કાઢીને તેને સાફ કરતી અને પાણીમાં પાછો છોડી દેતી. આ છોકરાએ ઘણી વખત આ મહિલાને આવું કામ કરતા જાેઈ હતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં અને તે પેલી કિનારે પહોંચી ગયો. તેણે મહિલાને પૂછ્યું કે, આવું કરવાથી ફાયદો શું થવાનો. તમે કેમ આમ કરો છો.

પેલી સ્ત્રીએ કહ્યું કે, કાચબાના કવચ ઉપર માટી, લીલ અને કચરો બાઝી જાય છે. સમય જતાં તે કવચને નુકસાન કરે છે અને નબળું પાડે છે. આ ઉપરાંત કવચ દ્વારા કાચબાને અંદર જે ગરમી મળે છે તેનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ કચરાનું પ્રમાણ વધે તો કાચબાને તરવામાં પણ મુશ્કેલી સર્જાય છે. તેના કારણે જ હું અઠવાડિયે દસ દિવસે આવીને કાચબાની પીઠ સાફ કરું છું. તેનાથી કાચબાનું સરેરાશ જીવન સારું જાય છે. પેલા છોકરાએ કહ્યું કે, તમારું કામ સારું છે પણ તેનાથી તળાવના બધા કાચબાને લાભ થવાનો નથી. તળાવમાં ઘણા કાચબા છે અને દર વખતે એક જ કાચબો તમને મળે કે સાફ કરી શકો તેવું શક્ય નથી.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, તારી વાત સાચી છે. દર વખતે અલગ અલગ કાચબો હાથમાં આવશે અને તેની સફાઈ થશે. જેની સફાઈ થઈ છે તેનું જીવન તો સુધરી જશે. આપણે ભલે એક પ્રયાસ દ્વારા દુનિયાને સુધારી ન શકીએ પણ આપણા એક પ્રયાસ થકી કોઈ એક વ્યક્તિ કે પ્રાણી કે જીવજંતુની દુનિયામાં તો સુધારો લાવી જ શકીએ છીએ. હું એ જ પ્રયાસ કરી રહી છું.

દુનિયામાં પણ આવું જ છે. તમે જે કરી રહ્યા છો તે ખોટું છે અથવા તો અસરકારક નથી તે જણાવવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે પણ તમે જે કરો છો તો ખરેખર સારું છે અને તેનાથી પરિવર્તન આવી શકે છે તેવું જણાવનારો વર્ગ નહીંવત છે. આપણો પ્રયાસ ક્યારે અને કઈ દિશામાં સારી અને સાચી અસર જન્માવી શકશે તેની આપણને ખબર નથી પણ અસર જન્માવી શકે છે તેવો વિશ્વાસ હોય તો પરિવર્તન આણી જ શકાય છે. ભગવાન રામને વિશ્વાસ હતો કે, જંગલમાં રહેતા વાનરો અને ભાલુઓ જ તેમને લંકા સુધી લઈ જશે અને તેમના આ વિશ્વાસે સમગ્ર વાનરજાતિમાં ઉત્સાહનો સંચાર કર્યો. રામ લખેલો એક પથ્થર પાણીમાં તર્યો અને વાનરસેનામાં અદ્વિતિય પરિવર્તન આવ્યું. તેનું પરિણામ એ આવ્યું કે, લંકા સુધી પુલ બની ગયો.

એકંદરે એવું કહી શકાય કે, તમારો એક પ્રયાસ દુનિયા બદલી કાઢશે તે નક્કી નથી પણ કોઈ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલો નાનામાં નાનો પ્રયાસ પણ કોઈના માટે ફળદાયી સાબિત થાય તો તેના થકી પરિવર્તન આવે છે. આવા પરિવર્તનો સમયજતાં વિશાળ સ્વરૂપ ધારણ કરીને સમાજને પણ બદલી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution