ફાયર છે, ફાયર... એ કાલે ફરી ઊઠશે

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક - જેને સ્ટાર્સ (એટલે કે તારાઓ)માં ઇન્ટરેસ્ટ હોય છે. સ્ટાર્સ વિશે જાણવા માગતાં હોય છે. સ્ટાર્સ વિશે વાંચે છે, લખે છે, નજીકથી નિહાળે છે. બીજા પ્રકારના લોકો - રોજ દૂઆ કરે છે કે સ્ટાર્સ આકાશમાંથી તૂટી પડે, આ લોકોને સ્ટાર કેવી રીતે ચમકે છે એમાં કોઈ ઈન્ટરેસ્ટ હોતો નથી. સ્ટાર્સની સંઘર્ષની કહાની તેમને ટચ નથી કરતી, તેઓ બસ, એવું ઈચ્છતા હોય છે કે ખરતાં તારાને જાેઈને પોતાની વિશ પૂરી કરી લઈએ. બટ, તમે જાણો છો બધાની વિશ ક્યારેય પૂરી નથી થતી. આપણી પણ ન થઈ, વિનેશ ફોગટને ગોલ્ડ મેડલ મળે એ.

છઠ્ઠી ઓગસ્ટ રાત્રે ખુબ ઉત્સાહમાં આપણે સૂવા માટે ગયા હતા, એવું વિચારતા હતા કે સાત ઓગસ્ટ સવારે ઊઠશું ત્યારે એક ગોલ્ડ મેડલ ભારતના પક્ષમાં હશે, પણ ૧૪૦ કરોડ ભારતીયોની એ વિશ પૂરી ન થઈ. સવારે ગોલ્ડની જગ્યાએ માનવામાં ન આવે તેવા સમાચાર આવ્યા! જેનાં પર વિશ્વાસ થતો જ નોહતો. વિશ્વાસ તો મોત પર પણ નથી કરી શકાતો! તો શું મોત નથી આવતું? આવે જ છે, દબાતા પગે આવે છે અને એવી વ્યક્તિને લઈને જતું રહે છે જે એનાં મનમાં આવે! મન, જેના પર આપણો ખુદનો કન્ટ્રોલ નથી. જે ગમે ત્યારે કન્ટ્રોલ બહાર જતું રહે છે અને કંઈ પણ કરી બેસે છે! ગુસ્સો, જેનાં પર પણ કન્ટ્રોલ ઘણી વખત ગજ્જા બહાર થઈ જાય છે. અને પછી આપણે ખુદ પોતાનું સારું - ખરાબ બધું ભૂલી જઈએ છીએ.

મહિનાઓ પહેલા ભારતમાં અમુક પહેલવાનો પોતાના ગુસ્સા પરથી કાબૂ ગુમાવી બેઠાં હતા. તેઓ લડાઈ પર ઊતરી આવ્યા હતા, ન તો દાવ જાેયો, ન સમય જાેયો. બસ, લડવા આવી ગયા! ખુબ લડ્યા, ખુબ લડ્યા, રડ્યાં, બુમાબૂમો કરી, માથા ફોડ્યાં, માત્ર એક સિસ્ટમને બદલવા માટે. પણ પહેલવાનો અનેક શક્તિ લગાડ્યા પછી પણ સિસ્ટમને બદલી ના શક્યાં! જે દેખાતું નથી એ બદલી શકવું સંભવ નથી, સિસ્ટમનું આવું જ છે. જાે કે, એવું નથી પહેલવાનોને આ ખબર ન હતી, એ જાણતા હતા, ફરી વ્યવસાયિક મેદાનમાં આવતા પહેલા રોડ પરની લડાઈનું પરિણામ પણ જાણતાં હતા. આમ છતાં દેશ માટે તેઓ ફરી મેટ પર આવ્યા. પીઠ ના દેખાડી. કારણ કે પીઠ તો કાયર દેખાડે. કાયર, કોઈ પણ હોય શકે. ઘણા મામલાઓમાં હું પણ કાયર બન્યો હોઈશ, તમે પણ બન્યા હશો. કાયર બનવું ખરાબ નથી.

બધા જ વીર બની જઈશું તો કામ નહીં ચાલે. એટલે જ કાયરોની પણ આ સમાજમાં જરૂર છે. કાયર, જે સમયની રાહ જાેતાં હોય છે. ગીધની જેમ, શરીરમાંથી આત્મા ક્યારે બહાર નીકળે. આત્મા, જે શરીરમાંથી બહાર નીકળી જાય પછી શરીર ફક્ત આ ગીધોના કામનું બચે છે. આત્મા તો અજરઅમર છે. જેને ના કોઈ કાપી શકે છે કે ના કોઈ જલાવી શકે છે. જે ક્યારેય મરતો પણ નથી. મરે છે સપના, જેને જાેવાની હિંમત બધાનામાં નથી હોતી. અને હિંમત, જેની જરૂર છે એ લડાઈ લડવા માટે, જેમાં જીતની સંભાવના ખુબ ઓછી હોય છે.

ઓછી સંભાવના હોવા છતાં પોતાનું બધું દાવ પર લગાવનારાઓમાં સામેલ હતી વિનેશ ફોગાટ. જેને એક બાબા પોતાનો પરિવાર ગણાવતા હતા. પરિવાર, જ્યાં મતભેદ થતા રહે છે, પણ ભારતીય સંસ્કૃતિમાં પરિવારની પરિભાષા એવી છે કે, આ મતભેદ, મનભેદમાં નથી બદલતાં. મનભેદ, જે એકવાર થઈ જાય તો માણસને અંધ બનાવી દે છે. પછી માણસને કંઈ દેખાતું કે સંભળાતું નથી. તેના દિમાગમાં બસ એક જ વાત રહે છે - બદલો. અને તેનાં માટે એ પોતાનું ઘર પણ ફૂંકી મારવા તૈયાર થઈ જાય છે. તે પોતાના જ ઘરને લાક્ષાગૃહમાં બદલી શકે છે! અને માચીસ લગાવી દે છે.

એને ખબર છે કે ઘર સળગશે તો નુકસાન તેને પણ થશે. પણ તેને તેની પરવાહ હોતી નથી. તેને બસ બદલો લેવો હોય છે. અને આ બદલામાંથી તે ખુશી મેળવે છે. ખુશી, જે જે વિનેશને મળવાની હતી, ૧૪૦ કરોડ ભારતીયોને મળવાની હતી. તેનાં જીવનની આ સૌથી મોટી મેચ હતી. તે લડવા માટે એકદમ તૈયાર હતી. પણ લડી ન શકી. કારણ કે તે મહિનાઓ પહેલાં બીજે ક્યાંય લડી પડી હતી. અને એ લડાઈ તેને હવે ભારે પડી. તૈયારી, કેટેગરી બંને પર અસર પડી. અને એ અસરની અસર હવે કાયમ રહેશે. મોકાનો ફાયદો ઉઠાવવા ગીધોને હવે તક મળી હતી, આત્મા શરીર છોડી ચૂક્યો હતો. હવે એ શરીર ડિફેન્ડ કરી શકે એવું રહ્યું નોહતું.

એ શરીર હવે ડિફેન્ડ કરવા પણ માગતું નોહતું. કારણ કે આ ગીધોની ઔકાત તેને ખબર હતી. આ ગીધો પ્રાણહીન શરીરો પર જ તૂટી પડે છે. કારણ કે જીવતા, આત્મા ધરાવતા શરીરથી તેઓ કાંપે છે. લાશોને ખોદીને ખાવાના આદિ ગીધોને શું જવાબ આપવાનો. જવાબ જ્યાં આપવાનો છે તેને આપી દેવાયો છે. આખી દુનિયાએ જાેયું. આખું જગત તારીફ કરી રહ્યું છે. મેડલ આવે કે ન આવે. શાનથી ફાયનલ સુધી પહોંચી અને દેખાડી દીધું કે હું ખતમ નથી થઈ. મારી અંદર ફાયર છે. બધાના બધા દાવાઓને મેટ પર ચીત કરી દેખાડ્યાં. સંદેશ આપ્યો - આજે ભલે પડી ગઈ, કાલે ફરી ઊઠીશ, ફાયર છું ફાયર... એ જ જજબા સાથે, જે જજબાએ એક દિવસ સડક પરથી ઉઠાવીને આ જગ્યાએ આજે પહોંચાડી હતી. જ્યાં બસ વિનેશને વિનેશ જ હરાવી શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution