‘મા’ બનતાં જ સ્ત્રીમાં આમુલ પરિવર્તન આવે છે

લેખકઃ હેમા થાનકી


ઈશ્વરે માનું સર્જન કરતા જ જાણે બધું જ બનાવી નાખ્યું છે.એક સ્ત્રી માતા બનતાની સાથે જ પોતાના કરતા વધારે પોતાના સંતાન વિશે વિચારતી થઇ જતી હોય છે.આપણે સૌ જાણીએ છીએ કે માતા બન્યા પહેલાની એ સ્ત્રી અને માતા બન્યા પછીની સ્ત્રીમાં જમીન આસમાનનો ફર્ક પડી જતો હોય છે. પ્રેગ્નેન્સીનો રીપોર્ટ હાથમાં આવતા જ તેની દુનિયા બદલાઈ જતી હોય છે.શરુઆતના મહિનાઓમાં ઉબકા,ઉલટી થવી,પેટમાં કઈ ન ટકે,થાક લાગે,શરીર ભારે થવા માંડે તેમજ મૂડ સ્વીંગ થયા કરે.આ ઉપરાંત આ મહિનાઓમાં ડોક્ટર પણ પાબંદી ઉપર પાબંદી લગાવી દેતા હોય છે.લોંગ-ટ્રાવેલિંગ કરવાની મનાઈ,ગર્ભને ગરમ પડે એવા ખોરાક આરોગવાની મનાઈ તેમજ બહારનું ખાવાની પણ મનાઈ આવી જતી હોઈ છે.


આ ઉપરાંત દરેક સ્ત્રીને અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે એ અલગ.જેમકે કોઈને સતત કમરનો દુખાવો રહે તો કોઈને પગમાં સોજા આવે તેમજ કોઈને સ્તનમાં દૂધ ભરવાને લીધે સ્તનમાં દુખાવો રહ્યા કરે. અને એ પછીના મહિનાઓમાં પણ કંઈક ને કંઈક વ્યાધી-ઉપાધી આવતી જ રહે છે.કંઈ-કેટલાય ઇન્જેકશનો અને કેટલાય ટેસ્ટના દર્દ સહન કર્યે જ છુટકો.આ ઉપરાંત ત્રણ-સાડા ત્રણ કિલોના વજન સાથે સતત નવ મહિનાઓ સુધી હલનચલન કરવાનું અને એ પછી અંદરથી મજબુત બનવાનુ પ્રસૂતિની અસહ્ય વેદનાને પાર પાડવા માટે.આ દર્દની વેદના એ જ સમજી શકે જેના પર એ વીતી હોય.તેમ છતાં એક સ્ત્રી આ બધું ભૂલી તમામ વેદનાઓનો હસતા મોઢે સ્વીકાર કરે છે તો એનુ એક જ કારણ હોય છે,તેનું આવનારુ બાળક.તેનો અંશ.


જાે આ પીડા સહન કરીને બધુ સરળતાથી પાર ઉતરી જતું હોત તો’તો માનો મહિમા પણ આટલો ના ગવાતો હોત...પણ ખરેખરની જિંદગી તો બાળક આવ્યા પછી જ શરુ થતી હોય છે.ફિલ્મોમાં બતાવે એમ બાળક મોટું થઈ જતું હોત તો’તો,માની જિંદગી પણ સરળતાથી પસાર થતી હોત.બાળક કેમ અને કેવી રીતે મોટુ થાય એ તો એક મા જ જાણતી હોય છે.બાળક હાથમાં આવતાની સાથે જ મોટી અને અઘરી લાગતી સમસ્યાઓ પણ એક માના ખોળામાં આવી જતી હોય છે.અને ઘણીવાર નવી બનેલી મા આ સમસ્યાઓ વિશે જાણતી પણ ના હોય એવું પણ બને,તો’ય એ એમાંથી રસ્તો કાઢવા મથતી રહે છે.સુવાવડમાંથી માંડ એ ઉભી થઇ હોઈ અને જે માતાઓને ઓપરેશનથી બાળક થયેલ હોય તે માતાઓ તો ના પડખું ફેરવી શકતી હોય કે ના તો બહુ વાર સુધી બેસી શકતી હોય.એ વધારે વાર બેસે તો કમર દુખવા માંડે.માતા આટલી કઠોર પરિસ્થિતિમાં પણ બાળકને દૂધ પીતા શીખવાડે છે કારણકે એને પોતાના કરતા પોતના વ્હાલસોયાની ચિંતા વધારે હોય છે.તેનું બાળક ભૂખ્યું તો નથી રહ્યું એ ટેન્શન તેને રાત-દિવસ કોરી ખાતું હોય છે.


એ પછી પણ માતાની જર્ની અટકતી જ નથી.એના માટે દિવસ-રાત જેવું કઈ રહેતું જ નથી.બીજા બધા કામો પડતા મૂકી એ સૌથી પહેલા એના સંતાનને સાચવે છે.વિભક્ત કુટુંબમાં રહેતી સ્ત્રી સુવાવડમાંથી ઉભા થતા જ ઘરની તમામ જવાબદારીની સાથે-સાથે સંતાનની જવાબદારી ઉપાડવાથી પણ પાછી પડતી નથી.ઘણી બધી એવી સ્ત્રીઓ હોય છે કે જેઓ સંતાન અને તેના ઉછેર માટે પોતાના સારા પગારવાળી નોકરીને પણ તિલાંજલી આપતા નથી ખચકાતી અને ઘણી માતાઓ એવી પણ હોય છે કે બાળક મોટું કરવાની સાથે-સાથે પોતાની નોકરી કે પોતાના વ્યવસાયને પણ સારી રીતે હેન્ડલ કરી લે છે.નોકરી કરતી સ્ત્રીની માફક ઘરમાં રહીને ઘર અને બાળક સાચવતી માતા પણ એટલું જ મહત્વ ધરાવે છે.તેની માથે પણ જવાબદારીના પહાડ ઉભા જ હોય છે. તેમ છતાં તે બધે જ પહોંચી વળે છે.એમાય જાે બે બાળકોની જવાબદારી માતાની માથે હોય તો’તો માતાને પોતાના માટે તો કોઈ જિંદગી જ નથી રહેતી..બાળકોના ઉછેરમાં માતા પોતાના માટે નહીવત સમય કાઢી શકે છે.એને બે ઘડી અરીસામાં ઊભીને માથું ઓળવા જેટલો સમય પણ નથી રહેતો.

 હા,ક્યારેક-ક્યારેક એ પણ થાકી જાય છે,કંટાળી જાય છે અને સ્ટ્રેસમાં આવી જાય છે અને ગુસ્સે થઇ જાય છે.હું તો એમ માનું છું કે દરેક માતાને પુરેપુરો હક છે ગુસ્સો કરવાનો,કંટાળી જવાનો કે પિત્તો ગુમાવી દેવાનો એટલે જ્યારે-જ્યારે કોઈ એવી અપેક્ષા રાખે કે માતાએ તો હંમેશા મોં હસતું જ રાખવું જાેઈએ,ક્યારેય મગજ ગરમ ન કરવો જાેઈએ તો એ તદન વાહિયાત વાત છે.એટલે વ્હાલી મમ્મીઓ, તમારે કોઈ ગિલ્ટી ફિલ કરવાની કોઈ જરૂર નથી.કારણ કે તે પોતાની પહેલાની જિંદગીને તો એ ભૂલી જ ગઈ હોય છે.બ્યુટી-પાર્લરમાં જવાનો,સ્કીનકેર કરવાનો(ઇવન વાળ ધોવાનો અન હેર-ઓઈલ નાખવાનો પણ માંડ સમય મળતો હોય છે તેમને) કે નવા કપડા,જ્વેલરી,સૂઝ ખરીદવા કે નિરાંતે બેસી જમવા જેટલો પણ સમય નથી મળતો તેમને.

 

આમ છતાં દરેક વખતે એ પ્રાથમિકતા પોતાનાં સંતાનને જ આપે છે.એમ વિચારીને કે એક દિવસ તેનું બાળક મોટું થઇ જશે ત્યારે તે આ બધું કરી લેશે.આપણે સૌએ પણ એ ક્યારેય ના ભૂલવું જાેઈએ કે માતા પણ અંતે માણસ જ છે. આટ-આટલી જવાબદારીઓ નિભાવતા-નિભાવતા એ દરેકની ખુશીનો તો ખ્યાલ રાખતી જ હોય છે. બાળકને તેના જન્મ સમયથી ઓળખતી માતા તેના ગમા-અણગમા તેમજ તે કેવી પ્રકારની સ્થતિમાં કેવા પ્રકારનું વર્તન કરશે એ એક મા જ જાણતી હોય છે.અને સંતાનો મોટા થતા જ “મમ્મી તું રહેવા દે..તને સમજ નહીં પડે..”વાળો ડાયલોગ બોલે ત્યારે એ જ સંતાનને કહેવું જાેઈએ કે બેટા જ્યારે તને બોલતા નહોતું આવડતું ને ત્યારે પણ આ જ મા તારા કીધા વગર તારી વાત સમજી જતી.


એ સંતાનને કોણ સમજાવે કે તારા અભ્યાસને એણે પોતાનો અભ્યાસ ગણી મેહનત કરી,જાે આવડતું હોય તો ઠીક અને ના આવડતુ હોય તો શીખ્યું અને તને શીખવ્યું,તારી સ્કુલ માટે ગરમ નાસ્તો બનાવવાથી લઈ,સવાર પડતા તને ઉઠાડવાથી લઈને એકટીવાની ચાવી લઈને તને સ્કુલે પહોચાડવાનો સમય પણ તેણે જ સાચવ્યો હોય છે.તને ક્યારેક ઘરે આવવામાં મોડું થયું હોય તો સૌથી વધારે ટેન્શન એને જ થયું હોય છે. તેમજ સ્કુલમાં કોઈ ફંક્શન હોય તો એ બધાની જવાબદારી પણ માએ જ નિભાવી હોય છે. અને જાે એને જ ખબર ના પડતી હોત તો તું આવડો મોટો થયો જ ના હોત..એટલે જ કહેવાનું કે મધર્સ-ડે એ એક દિવસ પુરતો ના હોય.માનો મહિમા તો આખી જિંદગી ગવાવો જાેઈએ..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution