ત્યારે ગામધણીને ઘરે પારણું બંધાણું! 

સન ૧૮૧૪-૧૮૧૫નું વર્ષ છે; અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની શેત્રુંજી નદીને કાંઠે વસેલું ગામ છે – જુના સાવર. શ્રાવણનો પવિત્ર મહિનો છે, ઝરમર ઝરમર મેઘવર્ષા વરસી રહી છે, સવારનો ૧૦ વાગ્યાનો સુમાર છે... ત્યાં જ ગામને પાદર મધુર હલકે, તાલ-મંજીરા સાથે, પ્રભુ ભક્તિના કીર્તનોનો ગુંજારવ થયો. માથે મુંડન અને નાની શિખા, ભગવાં વસ્ત્રો અને કપાળ પર તિલક-ચાંદલો... સૌમ્ય વેશધારી, ગાય જેવા ગરીબ, પ્રભુ ભક્તિમાં રમમાણ અને બ્રહ્મચર્યના ઓજસથી શોભતાં મુખારવિંદ સાથે ભગવાન સ્વામિનારાયણના પવિત્ર પરમહંસોએ ગામમાં પ્રવેશ કર્યો. દૃઢ નિષ્કામધર્મ પાળનારા અને નગદ-નાણાંને હાથ સુધ્ધાં ન અડાડનારા આ સંતોને વળી શો સ્વાર્થ હોય? સંતોએ તો ભગવાનનું ભજન કરી-કરાવીને લોકોને સન્માર્ગે વાળવા અને ગામમાંથી જે થોડી-ઘણી ભીક્ષા મળે તેનાથી પેટનો ખાડો પૂરવા જ આ ગામની સીમ પાવન કરી હતી.

પરંતુ કોણ જાણે કેમ? વ્યસન છોડાવી, કુરિવાજાે બંધ કરાવી, નિયમો પળાવીને સૌને મોક્ષ ચીંધનારા આ સંતો પ્રત્યે ગામધણી ઉગા ખુમાણને વિના કારણ જ વેર હતું. ગામધણીને જેવા ખબર મળ્યા કે ગામમાં ‘સ્વામિનારાયણના સંતો’ આવ્યા છે, કે તરત તેણે પોતાના સાગરીતોને મોકલ્યા. ભીક્ષા માંગતાં કે સભા ભરીને સદુપદેશ દેતાં સંતો પાછળ શસ્ત્રધારી સિપાહીઓ ફરી વળ્યા! સંતોને માર મારીને અપમાન કરીને ગામની બહાર ધકેલી મૂક્યા... સંતને તો અપમાન કેવાં? ને માર કેવા? એક પણ શબ્દ બોલ્યા વગર બધું જ સહન કરીને સંતો ગામ બહાર, એક કૂવા કાંઠે, પીપળાના ઝાડ નીચે બેઠા. કોઈક સંતનું હાડકું ભાંગ્યું હતું, તો કો’કની પીંડી સોજી ગઈ હતી. કો’કને લોહી નીકળતું હતું, તો કોઈકનાં ધોતિયાં ફાટી ગયાં હતાં. સંતોના આવા હવાલ જાેઈને ગામને પાદરથી પસાર થતા લોકો અને કૂવા કાંઠે પાણી ભરતી પણિહારીઓ અંદરો-અંદર વાત કરવા લાગ્યાં, ‘ભગવાનના આવા પવિત્ર સંતોને દુઃખ દેનારને ભગવાન સુખી કેવી રીતે કરે? ગામધણી ઉગા ખુમાણને ઘરે દીકરો નથી, તે એના આવા કુકર્મોનું જ પરિણામ છે...’

ગ્રામજનો દ્વારા સંતોના કાને ગામધણીનું આ દુઃખ પહોંચી ગયું. પરંતુ પોતાને દુઃખ દેનારને પણ સુખી કરવા માટે આ સંતોએ ભેગા મળીને ભાંગેલા હાડકાં કે લોહી નીતરતા દેહ સાથે ‘સ્વામિનારાયણ’ નામની ધૂન બોલાવી – એ જ શુભાશયથી કે ગામ ધણીને શેર માટીની ખોટ પૂરી થાય, ઉગા ખુમાણ ને ઘરે દીકરાનું પારણું બંધાય!!! ગામ લોકો તો સજળ નેત્રે પરોપકારી પરમહંસોનું આ દિવ્ય ચરિત્ર જાેઈ જ રહ્યા...

તે દિવસે તો સંતો ત્યાંથી નીકળી ગયા, પરંતુ ગ્રામજનોને વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખરેખર એક વર્ષ પછી વાંઝિયા ઉગા ખુમાણને ઘરે દીકરાનો જન્મ થયો! સો ગુણે સંપન્ન અને સત્સંગનો રસિયો આ જ દીકરો જ્યારે ૪-૫ વર્ષે સ્વામિનારાયણના સંતોને પોતાના દરબારમાં તેડી લાવ્યો, ત્યારે ઉગા ખુમાણને જાણ થઈ કે ‘મેં જેઓને માર મારીને કાઢી મુકેલા એવા સંતોની પ્રાર્થનાથી જ આજે હું સુખી છું!’ તેના પશ્ચાતાપનો પાર ન રહ્યો. તેણે તો અશ્રુધારાથી જ તે મહાન સંતોનાં ચરણ પખાળ્યાં. વ્યસનો, કુટેવો, દુર્ગુણોનો ત્યાગ કરી હવે ગામધણી પણ પ્રભુ ભક્તિના માર્ગે પડ્યા...

અપકારના બદલામાં ઉપકાર દેનારા, હિંસાના બદલામાં આશીર્વાદ દેનારા, મારના બદલામાં પ્રસાદ દેનારા એ મહાન સંત હતા – ‘જૂનાગઢના જાેગી’ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી!

મિત્રો, આ પ્રસંગમાં એક સાચા સાધુની સાધુતાના દર્શન અવશ્ય થાય છે પરંતુ સનાતન ધર્મના એક ગુણવિશેષ માટેની એક અનોખી દિશા પણ પ્રાપ્ત થાય છે! અહિંસા એ સનાતન સંસ્કૃતિનો પાયાનો ગુણ છે. સહસ્ત્રાબ્દીઓથી ભારતવાસીઓ અહિંસાનું પાલન કરતા આવ્યા છે. પરંતુ ‘અહિંસા’ શબ્દ સાંભળતાં જ આપણા મનમાં કોઈને સ્થૂળ રીતે ન મારવું (તમાચો, લાકડી, ચપ્પુ, તલવાર કે બંદૂકથી ન મારવું) એવું ચિત્ર ઉપસી આવે. પરંતુ માત્ર સ્થૂળ રીતે જ નહીં, પરંતુ કોઈનું ભૂંડું થાય, કોઈને નુકસાન થાય, કોઈને દુઃખ પહોંચે – તેવો મનમાં વિચાર પણ ન કરવો તે અહિંસાની પરાકાષ્ઠા છે! ઘણીવાર આપણને ઘરમાં કે ઑફિસમાં કોઈક પજવે, હેરાન કરે ત્યારે પ્રતિકારરૂપે આપણે કોઈને માર તો ન મારીએ, પરંતુ જે-તે વ્યક્તિને જેમ-તેમ તો અવશ્ય બોલી દઈએ; અથવા તેને દુઃખ પહોંચાડવાના વિચારો તો મનમાં જન્મી જ જાય. પરંતુ ઉપરોક્ત પ્રસંગમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું વર્તન આપણને શીખવે છે – ‘કોઈની સામે બોલીને, અપમાન કરીને કે મન દ્વારા પણ તેનું ભૂંડું વિચારીને ‘સૂક્ષ્મ હિંસા’ પણ ન કરવી...’

તેથી જ પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સ્વરચિત આચારસંહિતા-શાસ્ત્ર ‘સત્સંગદીક્ષા’માં લખે છે ઃ

कस्याऽपि ताडनं नैव करणीयं कदाचन।

अपशब्दाऽपमानादि-सूक्ष्महिंसाऽपि नैव च॥३८॥

અર્થાત્‌ ‘કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. (સ.દી.૩૮)’ તો ચાલો, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોના જીવનમાંથી અને મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષની લેખિનીમાંથી મળેલો ઉપદેશ ગ્રહણ કરી આપણા જીવનમાં ‘સૂક્ષ્મ અહિંસા’ના આ ‘પ્રમુખ દર્શન’ને અપનાવીએ, સાચા સનાતની બનીએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution