થરાદ : થરાદમાં રવિવારની મેઘલી રાતનો ફાયદો ઉઠાવીને ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી ૯૫૦૦૦ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને અંદાજીત અઢી લાખની મતાની ચોરી કરી જતા નગરમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવને પગલે થરાદ પોલીસ દોડતી થઇ હતી.
થરાદની અંબિકાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ સેવક ગત શનિવારે બાડમેર પોતાની પત્નીને મુકવા માટે ગયેલ હતા. આથી તેમનું ઘર બંધ હાલતમાં હતું. બીજી બાજુ વરસાદી મેઘલી રાતનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો. જેમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રહેલી તિજોરીનું તાળું તોડી તેમાં રહેલા ૯૫ હજાર રૂપિયા રોકડા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.આ બનાવની મહેશભાઈ બાડમેરથી આવતાં જાણ થઈ હતી. આથી તેમણે વધુ તપાસ કરી હતી. દરમ્યાન ઘરમાં તિજોરીમાં પડેલ સોના તથા ચાંદીના વિવિધ પ્રકારના દાગીના મળીને અંદાજીત ૨.૫૦ લાખની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા બાદ તસકરો પાછળના દરવાજેથી બહાર નિકળી ગયા હતા. આ બનાવ અંગે મહેશભાઈએ ફોન કરતા થરાદ પોલીસ દોડી આવી હતી. પોલીસે તેમની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.