અમદાવાદ-
પત્નીની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચેલા વ્યક્તિને જીવનનો સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેની પત્ની કોર્ટમાં બીજા પતિ સાથે હાજર થઈ.
આ વ્યક્તિ વધારે ચિંતિત એટલા માટે હતો કારણ કે, તેણે હજુ ૩ મહિના પહેલા જ એટલે કે ૩ જુલાઈએ ૨૦ વર્ષની યુવતી સાથે શાહપુરમાં આવેલી રજિસ્ટ્રારની ઓફિસમાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેને અત્યારસુધી એમ જ હતું કે, તેની પત્નીનો પરિવાર લગ્નની વિરુદ્ધમાં છે અને તેને સાથે રહેવા દેવા માગતો નથી.
એક મહિના સુધી રાહ જાેયા બાદ, તેણે શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતાની પત્નીને તેના પરિવારથી મુક્ત કરાવવા માટેની વિનંતી કરી હતી. જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તો તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી અને તેની પત્નીને 'ગેરકાયદેસર રીતે કેદ'માં રાખી હોવાનો આરોપ લગાવ્યો હતો.
મહિલા ગુરુવારે કોર્ટમાં હાજર થઈ હતી. જ્યાં પૂછપરછ દરમિયાન તેણે ન્યાયાધીશોને જણાવ્યું હતું, કે તેના અને પિટિશનરના લગ્નનું રજિસ્ટ્રેશન શાહપુર ખાતે કરાવ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા અન્ય યુવકના કોન્ટેક્ટમાં આવતાં તે તેના પ્રેમમાં પડી હતી. તેણે મુસ્લિમ ધર્મ અપનાવી લીધો અને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા કારણ કે તે મુસ્લિમ છે. હવે, તે પિટિશનર સાથે રહેવા માટે તૈયાર નહોતી, જાે કે, તે કાયદાકીય દ્રષ્ટિથી તેનો પતિ હતો.
યુવતીએ કોર્ટમાં તેમ પણ કહ્ય્šં હતું કે, તેણે ગ્રેજ્યુએશનના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાના પહેલા પતિ સાથેના મેરેજ રજિસ્ટ્રેશનના પરિણામો અંગે સમજે છે.
ન્યાયાધીશોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, પહેલા પતિ પાસેથી કાયદેસર રીતે છૂટાછેડા લીધા વગર તેના નવા સંબંધને કાયદાકીય માન્યતા મળશે નહીં. હાઈકોર્ટે તે પણ નોંધ્યું હતું કે, આ કેસમાં અસલી પીડિત તો યુવતીના પિતા હતા. કારણ કે તેઓ દીકરીના બંને લગ્નથી અજાણ હતા. ન્યાયાધીશોએ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, તેણે જ કાયદાકીય રીતે સમસ્યાઆનો અંત લાવવો પડશે, જે તેણે પોતે ઉભી કરી છે.