રાજકોટ-
રાજકોટનાં થોરાળા વિસ્તારમાં ખોખડદળ નદીનાં કાંઠે બે દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સલિમ અજમેરીની હત્યા બીજા કોઇએ નહિં પરંતુ તેનાં સગા સાળાઓ સહિત સાત શખ્સોએ કરી હોવાનું ખુલ્યું હતું. જેને આધારે પોલીસે આરોપીઓને દબોચી તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસે વિજય ઉર્ફે વિજલો પ્રભાત સોલંકી, સાજન પ્રભાત સોલંકી, અનિલ ઉર્ફે બચુ પ્રભાત સોલંકી, સંજય ઉમેશ રાઠોડ, કેવલ ભરત કાવીઠીયા, અશ્વિન ઉર્ફે અનિ સુરેશ સોલંકી અને દિનેશ ઉર્ફે કાળીયો કિશન સોલંકીને સંકંજામાં લઇ લીધા છે.
આ તમામ શખ્સો પર આરોપ છે ખોખડદળ નદીનાં કાંઠે આવેલા સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા પોતાનાં બનેવીની કરપિણ હત્યા કરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, ગત ૧૦ ફેબ્રુઆરીનાં બપોરે ૨ વાગ્યાનાં અરસામાં થોરાળા વિસ્તારમાં આવેલા ખોખડદળ નદીનાં કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા સલીમ દાઉદભાઇ અજમેરીની તેનાં જ ઘરમાં છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જેને લઇને થોરાળા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને દબોચી લેવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા.
જેમાં મૃતકની પત્ની મીરા અજમેરીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેને ૮ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતા સાથે બોલતી નહોતી. જાેકે તેનાં ભાઇની દિકરીની સગાઇ હોવાથી તે સગાઇમાં ગઇ હતી. ઘરે પરત ફરતા સલિમ સાથે ઝઘડો થયો હતો તેને તેનાં પિયરમાં ફોન કરતા તેનાં ભાઇ સહિતનાં સાત જેટલા શખ્સો ઘરે આવ્યા હતા અને સલિમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી મૃતકનાં ત્રણ સાળા સહિત સાત શખ્સોને દબોચી લીધા હતા.