શાક્ત સંપ્રદાયનો શૈવ સંપ્રદાય સાથે ગાઢ સંબંધ રહ્યો છે. શિવની પત્ની પાર્વતી(ઉમા)ને જગતજનની કહેવામાં આવે છે જે શાક્ત સંપ્રદાયની અધિષ્ઠાત્રી દેવી દુર્ગાનો આવિર્ભાવ, પરાશક્તિ છે. માતા પાર્વતીને શક્તિ પણ કહેવામાં આવે છે. પાર્વતી જ સતી, દુર્ગા અને ભગવતી છે. શૈવ પંથની જેમ, શાક્ત સંપ્રદાયની પ્રાચીનતા પણ પ્રાગૈતિહાસિક યુગમાં જાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં માતા દેવીની પૂજા વ્યાપકપણે પ્રચલિત હતી. ખોદકામ દરમિયાન દેવી માતાની અસંખ્ય મૂર્તિઓ મળી આવી હતી. ઋગ્વેદના દસમા અધ્યાયમાં આવેલાં દેવી સૂક્તમાં વાણીની અધિષ્ઠાત્રી દેવીની શક્તિની પૂજા કરવામાં આવી છે. તેવી જ રીતે અનેક ઋચાઓમાં અદિતિને માતા તરીકે વર્ણવવામાં આવી છે. વળી ઋગ્વેદમાં દેવી સરસ્વતીનો ઉલ્લેખ સૌભાગ્ય પ્રદાન કરનાર તરીકે છે.
હિન્દુકુશ પર્વતોથી લઈને દક્ષિણ એશિયાના ટાપુઓ સુધી દેવીના વિવિધ સ્વરૂપોના મંદિરો અને શક્તિપીઠો સમગ્ર ભારતમાં જાેવા મળે છે.
મહાભારતના સમય સુધીમાં, શાક્ત સંપ્રદાયએ સમાજમાં મજબૂત આધાર મેળવી લીધો હતો. ભીષ્મપર્વમાં વર્ણન છે કે કૃષ્ણની સલાહ પર અર્જુને યુદ્ધ જીતવા માટે દેવી દુર્ગાની સ્તુતિ કરી હતી. અહીં એવું વર્ણન છે કે જે વ્યક્તિ સવારે શક્તિની પૂજા કરે છે તે યુદ્ધ જીતે છે અને દેવી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. વિરાટ પર્વમાં, યુધિષ્ઠિરે દેવીને વિંધ્યવાસિની,મહિષાસુરમર્દિની,યશોદાના ગર્ભમાંથી જન્મેલી,નારાયણની પ્રિય અને કૃષ્ણની બહેન કહીને તેમની સ્તુતિ કરી છે. એવું કહેવાય છે કે નંદગોપના કુળમાં યશોદાના ગર્ભમાંથી દેવીનો જન્મ થયો હતો.જ્યારે કંસે આ કન્યાને એક ખડક પર પટકી દીધી, ત્યારે તે આકાશમાંથી પસાર થઈને વિંધ્ય પર્વત પર સ્થાયી થઈ ગઈ. પુરાણોમાં પણ વિંધ્ય પર્વત પર દેવીનો વાસ હોવાના વર્ણન છે.
માર્કંડેય પુરાણમાં દેવીની સ્તુતિ કરીને તેમના મહિમાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દેવીને વિષ્ણુમાયા, બુદ્ધિ, નિંદ્રા, ભૂખ, છાયા, શક્તિ, તરસ, શાંતિ, લજ્જા, જાતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, સંતોષના રૂપમાં તમામ જીવોમાં વિદ્યમાન હોવાનું વર્ણન કરીને તેમની સ્તુતિ કરવામાં આવી છે.
આ શક્તિએ જ મહિષાસુરનો વધ કર્યો, જેના કારણે તે મહિષાસુરમર્દિની નામથી પ્રખ્યાત થયાં. અન્ય એક કથામાં કહેવાયું છે કે જ્યારે દેવતાઓ શુંભ અને નિશુંભ જેવા રાક્ષસોથી પીડાતા હતા ત્યારે તેઓ હિમાલય પર્વત પર ગયા હતા અને દેવીને વિનંતી કરતાં પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને દેવીએ સ્વયં પ્રગટ થઈને રાક્ષસોનો નાશ કર્યો. દેવી અંબિકા, કાલી, ચામુંડા, કૌશિકી વગેરે નામોથી પ્રખ્યાત થયાં.
ગુપ્તકાળમાં શાક્ત સંપ્રદાયનું નવું સ્વરૂપ દેખાય છે. નાચના-કુઠારમાં પાર્વતીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં દુર્ગા, ગંગા, યમુના વગેરેની મૂર્તિઓ મળી આવે છે. ગંગા અને યમુનાના ચિહ્નો ગુપ્તકાળના મંદિરોના દરવાજા પર જાેવા મળે છે.આ સમયગાળા દરમિયાન વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના સમન્વયથી નાથ સંપ્રદાય અને નવો શાક્ત સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. તેથી જ નાથ અને શાક્તોમાં કેટલીક શાખાઓ વૈષ્ણવ ધર્મ અને કેટલીક તાંત્રિક ધર્મને અનુસરે છે. ગુપ્તકાળ દરમિયાન, શાક્ત સંપ્રદાય ઉત્તર-પૂર્વ ભારત, કંબોડિયા, જાવા, બોર્નિયો અને મલાયા વગેરેમાં લોકપ્રિય હતો. ભારતમાં શાક્ત ધર્મ કાશ્મીર, દક્ષિણ ભારત, આસામ અને બંગાળમાં વધુ પ્રચલિત હતો. વૈષ્ણવ સંપ્રદાય પર શાક્ત સંપ્રદાયના પ્રભાવને કારણે વ્રજ ક્ષેત્રમાં શક્તિ ઉપાસના થવા લાગી. વ્રજ ક્ષેત્રમાં મહામાયા, મહાવિદ્યા, કરૌલી, સાંચોલી વગેરે જેવી પ્રસિદ્ધ શક્તિપીઠો આવેલી છે.
દેવી ઉપાસના પૂર્વ મધ્યકાળમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. દેવીના મોટાભાગના મંદિરો આ યુગમાં બંધાયેલા છે.મધ્ય પ્રદેશના જબલપુરમાં ભેડાઘાટ પાસે ચૌસઠ જાેગણી(યોગિની)નું મંદિર છે, જ્યાં નવમી-દસમી સદીમાં બનેલી, દુર્ગા અને સપ્તમાતૃકાની અનેકો મૂર્તિઓ છે. દેવીની મૂર્તિઓ અને તેમની પૂજા સંબંધિત લેખો ખજુરાહો, ઓરિસ્સા, રાજસ્થાન વગેરેના વિવિધ ભાગોમાં જાેવા મળે છે. પ્રારંભિક મધ્યયુગીન સાહિત્ય અને વિદેશી લેખકોએ દેવીના મંદિરો અને તેમની પૂજાનો ઉલ્લેખ કર્યો છે. કલ્હણનું વર્ણન દર્શાવે છે કે ગૌઙ નરેશના અનુયાયીઓ શારદા દેવીના દર્શન કરવા કાશ્મીર આવ્યા હતા. અબુલ ફઝલે પણ શારદા દેવીના મંદિરનું વર્ણન કર્યું છે.
પ્રારંભિક મધ્યયુગીન સમયગાળા સુધીમાં, શાક્ત ધર્મ સંપૂર્ણપણે તંત્રવાદથી પ્રભાવિત થયો અને શાક્ત-તાંત્રિક વિચારધારા સમાજમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. બૌદ્ધ ધર્મ, કાશ્મીર શૈવવાદ, વૈષ્ણવ, જૈન ધર્મ વગેરે તમામ ધર્મો શાક્ત-તાંત્રિક વિચારધારાથી પ્રભાવિત થયા અને તંત્ર-મંત્રોમાં લોકોની શ્રદ્ધા પ્રબળ બની.
જૈન ધર્મના સચિવા દેવીની પૂજા શાક્ત પરંપરા મુજબ થવા લાગી અને કેટલાક જૈન આચાર્યોએ ચોસઠ યોગિનીઓને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો દાવો કર્યો. તંત્રવાદના વધતા પ્રભાવને પરિણામે સમાજમાં અનેક અંધશ્રદ્ધાઓ પ્રબળ બની. પરંતુ હિંદુ સામાજિક અને સાંસ્કૃતિક વિચારધારાને તંત્રવાદથી કેટલાક લાભો પણ મળ્યા. મહિલાઓની સ્થિતિ સુધારવામાં અને જાતિ વ્યવસ્થાની માન્યતાને શિથિલ કરવામાં તાંત્રિક વિચારધારાનો ફાળો હતો.