દિલ્હી-
વિકાસશીલ દેશોને કોવિડ-19 વાઇરસની વેક્સિન ખરીદવા અને વહેંચવા, ટેસ્ટ્સ અને સારવાર માટે વિશ્ર્વ બૅન્કે 12 અબજ ડૉલર આપવાની જાહેરાત કરી હતી. આ મદદ દ્વારા વિશ્ર્વ બૅન્ક એક અબજ લોકોને મદદ કરવાની અપેક્ષા સેવે છે. વિશ્ર્વ બૅન્કે જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો કોવિડ-19નો સામનો કરી શકે એ માટે વિશ્ર્વ બૅન્ક જૂથના 160 અબજ ડૉલરના પેકેજનો આ 12 અબજ ડૉલર એક હિસ્સો છે. અમારા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ કાર્યક્રમો ૧૧૧ દેશોમાં ચાલી રહ્યા છે.
બૅન્કના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે કોવિડની ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે અમે ફાસ્ટ-ટ્રેક કાર્યક્રમોને વિસ્તારી રહ્યા છીએ જેથી વિકાસશીલ દેશોને સમાન રીતે વેક્સિન મળી રહે. આ રોગચાળાને ખાળવાનો મુખ્ય માર્ગ સુરક્ષિત અને અસરકારક વેક્સિન મેળવવી અને એની મજબૂત ડિલિવરી સિસ્ટમ છે.
વિશ્ર્વ બૅન્કે જાહેર કરેલા નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અમારી ખાનગી ક્ષેત્રની શાખા ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન ૪ અબજ ડૉલરના ગ્લોબલ હેલ્થ પ્લેટફોર્મ મારફત વેક્સિનના ઉત્પાદનમાં રોકાણ કરી રહ્યા છે.
આ ફંડનો ઉપયોગ ગરીબ દેશોને કોવિડ-૧૯ વાઇરસના ટેસ્ટ અને સારવાર, વેક્સિનેશન માટેની સપ્લાય ચેઇનને ટેકો આપવા અને અન્ય સાધનો માટે કરવામાં આવશે.