અમદાવાદ-
'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. આ મામલે અમદાવાદના સાઇબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે એક મહિલાએ ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ માલ ન મળતાં પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું જણાવ્યું છે. મહિલાએ ફેસબુક ઉપર એક જાહેરાત જાેઈ હતી, જેમાં સસ્તા ભાવે ડ્રાયફ્રૂટ આપવાની જાહેરાત હતી. જેથી મહિલાએ ઓર્ડર બુક કરાવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ એડવાન્સ પેમેન્ટ મેળવી લઈ ૧૨ હજાર રૂપિયા પડાવી લીધા હતા. મહિલાએ જ્યારે આ શખ્સને સસ્તા ભાવે કેવી રીતે ડ્રાયફ્રૂટ આપો છો તે બાબતે પૂછતા શખ્સે જણાવ્યું હતું કે, પોતે મુન્દ્રા પોર્ટ પર કામ કરે છે અને ત્યાંના અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. આથી તેને સસ્તામાં માલ મળી જાય છે.
તાજેતરમાં જુલાઈ માસમાં તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમની પાસે કોઇ કામધંધો ન હોવાથી તેમને કાજુ બદામનો ધંધો કરવો હતો. જેથી તેઓએ તેમના ફેસબુકમાં માર્કેટ પ્લેસમાં જાેતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઈડી ઉપર સર્ચ કરતા તેમાં ડ્રાયફ્રૂટની જાહેરાત મૂકવામાં આવી હતી. આ જાહેર ખબરમાં ડ્રાયફ્રૂટનો ભાવ બજાર ભાવ કરતા સસ્તો હોવાથી તેઓએ પૂછપરછ કરી હતી. બાદમાં સામેવાળા વ્યક્તિએ ફેસબુક મેસેન્જરમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી. સામેની વ્યક્તિએ ગુજરાતીમાં વાત કરીને પોતે મુન્દ્રા પોર્ટ ઉપરથી રાજુભાઈ બોલતા હોવાનું જણાવ્યું હતું.
નમ્રતાબેને જ્યારે પૂછ્યું કે તેઓ ડ્રાયફ્રૂટ આટલા સસ્તા ભાવે કેવી રીતે આપે છે ત્યારે રાજુભાઈ નામના શખ્સે જણાવ્યું હતું કે, પોર્ટ પર કસ્ટમના સાહેબ જાેડે તેની સાંઠગાંઠ હોય છે. આ કારણે આ બધી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. બાદમાં આ શખ્સે નમ્રતાબેનના વોટ્સએપ નંબર ઉપર ડ્રાયફ્રૂટના ફોટા મોકલ્યા હતા. જેથી નમ્રતાબેન વિશ્વાસ આવી ગયા હતા અને ડિલિવરી અને પેમેન્ટ બાબતે ઇન્કવાયરી કરી હતી.
નમ્રતાબેને ૫૦ કિલો કાજુ અને ૧૦ કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ રાજુ નામના શખ્શે ૩૦,૦૦૦ રૂપિયા આપ્યો હતો. ઓર્ડરની કિંમતની અડધી રકમ હાલ અને અડધી કિંમત ઓર્ડર મળી ગયા બાદ આપવાનું કહ્યું હતું. આ રકમ ઓનલાઇન ચૂકવી દેવાનું જણાવ્યું હતું. આ રીતે રાજુ નામના શખ્સે પહેલા છ હજાર રૂપિયા મેળવી લીધા હતા. બાદમાં થોડા દિવસ બાદ નમ્રતાબેનના ફોન ઉપર મેસેજ આવ્યો હતો કે ડ્રાઈવર દીપક સામાનની ગાડી લઈને નીકળી ગયો છે. બીજા દિવસે અમદાવાદ પહોંચશે. આ તમામ બાબતોને લઈને નમ્રતાબેન ઓનલાઇન ૧૨,૮૫૦ રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદમાં માલ ન મળતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે.