ગાંધીનગર-
બંગાળની ખાડીમાં નોર્થ ઇસ્ટ દીશામાં આંદામાન નજીક સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને આંધ્ર પ્રદેશના દરિયા કાંઠે પહોંચી ગયું છે . આજે મધરાત સુધીમાં એ દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમને કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, કેરળ, તામિલનાડુ, કનર્ટિકા સહિતના રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ તેની અસર આગામી ત્રણેક દિવસ સુધી ચાલુ રહેશે.
બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે આવતીકાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તોફાની પવન અને ગાજવીજ સાથે કાલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, તાપી,ડાંગ અને બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. ગત તારીખ 5 ઓક્ટોબરથી નૈઋત્યનુ ચોમાસુ પૂરું થઈ ગયું છે. તેવી સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનથી મોન્સુન વિડ્રોલ પ્રક્રિયા શરૂ થયા બાદ વલ્લભવિદ્યાનગર,પોરબંદર સહિતના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું પૂરું થયું છે તેવી ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે.