વિશ્વના સૌથી અમીર એક ટકા લોકોની સંપત્તિમાં દસ વર્ષમાં ૪૨ ટ્રિલિયન ડોલરનો વધારો

વિશ્વમાં અમીરો વધુને વધુ ધનવાન થતાં જાય છે અને અન્ય લોકો આવક માટે વધુને વધુ વલખા મારતા થતા જાય છે તેમ એક વૈશ્વિક અહેવાલમાં જણાવાયું છે. વળી આ અહેવાલમાં એવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે અમીરોની સંપત્તિમાં વધારો થયો છે તેના પ્રમાણમાં તેમના પરના કરવેરામાં વધારો થયો નથી. આમ સમગ્ર વિશ્વમાં આર્થિક વર્ગો વચ્ચેની ખાઈ વર્ષો જતાં વધુને વધુ પહોળી થતી જાય છે. આ સમસ્યાનો ઉકેલ વિશ્વના જુદા જુદા દેશોની સરકારો લાવશે નહીં તો ભવિષ્યમાં આ ખાઈ વરવા પરિણામો લાવી શકે તેમ છે.

ઓક્સફેમે કહ્યું છે કે વિશ્વના સૌથી અમીર એક ટકા લોકોએ છેલ્લા દસ વર્ષમાં તેમની સંપત્તિમાં કુલ ૪૨ ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભલે વિશ્વના ધનિકો વધુ સમૃદ્ધ થઈ રહ્યા છે, પરંતુ તેમના પર ચૂકવવામાં આવતા ટેક્સ 'ઐતિહાસિક રીતે ઓછા’ છે. મતલબ કે છેલ્લા એક દાયકામાં આ અમીરો પર ટેક્સ પહેલા કરતા ઓછો રહ્યો છે.

બ્રાઝિલમા ંજી-૨૦ની નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક પહેલા જ ઓક્સફેમે આ અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલ મુજબ, જી-૨૦ દેશોમાં ટોચના ૧ ટકા ધનિકોની આવકનો હિસ્સો છેલ્લા ચાર દાયકામાં ૪૫ ટકા વધ્યો છે, જ્યારે તેમની આવક પરના ટોચના કર દરોમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.

ઓક્સફેમે કહ્યું છે કે અબજાેપતિઓની વધુ પડતી સંપત્તિ ઘટાડવા માટે ઓછામાં ઓછો ૮ ટકા વાર્ષિક નેટ વેલ્થ ટેક્સની જરૂર પડશે. વિશ્વના અબજાેપતિઓમાંથી લગભગ ચારમાંથી ચાર જી-૨૦ દેશોમાં રહે છે.

અહેવાલમાં જણાવાયુ છે કે છેલ્લા એક દાયકામાં ટોચના ૧ ટકા લોકોએ તેમની સંપત્તિમાં ૪૨ ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો છે, જે વૈશ્વિક વસ્તીના નીચેના ૫૦ ટકા કરતા ૩૪ ગણો વધુ છે. ઓક્સફેમે જણાવ્યું હતું કે, 'છેલ્લા એક દાયકામાં, ટોચના ૧ ટકાની સરેરાશ માથાદીઠ સંપત્તિમાં વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ ચાર લાખ ડોલર અથવા લગભગ રૂ. ૩.૩૫ કરોડનો વધારો થયો છે, જ્યારે નીચેના અડધા ભાગ માટે માત્ર ૩૩૫ ડોલર અથવા લગભગ રૂ. ૨૮,૦૬૬નો વધારો થયો છે.

જી-૨૦ની નાણા પ્રધાનોની બેઠકમાં અતિ સમૃદ્ધ લોકો પર કર વધારવા માટે વૈશ્વિક કરાર પર ચર્ચા થવાની સંભાવના છે. બ્રાઝિલના નાણા પ્રધાન ફર્નાન્ડો હદ્દાદે સમિટમાં અબજાેપતિઓ પરના વૈશ્વિક કરને એક મોટી સિદ્ધિ તરીકે ઓળખાવ્યો હતો. આ પ્રસ્તાવને દક્ષિણ આફ્રિકા, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોએ સમર્થન આપ્યું છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલના અસમાનતા નીતિના વડા મેક્સ લોસને કહ્યુંઃ 'અસમાનતા અશ્લિલ સ્તરે પહોંચી ગઈ છે અને સરકારો લોકો અને પૃથ્વીને તેની વિનાશક અસરોથી બચાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું, 'માનવતાના સૌથી ધનિક એક ટકા લોકો પોતપોતાના ખિસ્સા ભરતા રહે છે, જ્યારે બાકીના લોકો ટુકડા માટે તડપતા રહે છે.’

ભારતમાં વેલ્થ ટેક્સ ૨૦૧૫માં નાબૂદ કરવામાં આવ્યો હતો અને એક કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકો પર હાલના ૧૦ ટકાની ટોચ પર ૨ ટકા સરચાર્જ દ્વારા બદલવામાં આવ્યો હતો. ૨૦૧૫ સુધી, વ્યક્તિગત, હિન્દુ અવિભાજિત કુટુંબ અથવા કંપનીએ રૂ. ૩૦ લાખથી વધુની નેટવર્થ પર ૧ ટકા વેલ્થ ટેક્સ ચૂકવવો પડતો હતો.

આ સમસ્યાનો ઉકેલ કરવેરાના માળખામાં બદલાવ લાવવામાં રહેલો છે. વધારે સંપત્તિના પ્રમાણમાં કરવેરામાં વધારો કરીને તેનાથી થતી આવકને ઓછી આવક ધરાવતા વર્ગના આર્થિક ઉત્કર્ષ માટેની યોજનાઓમાં ખર્ચ કરવામાં આવે તો આ ખાઈ ઘટી શકે છે.માનવ સભ્યતાનો વિકાસ થયો પછી યુગો બાદ એવો સમય આવ્યો છે જેમાં માનવજાત ઓછામાં ઓછું સૈધ્ધાંતિક રીતે સમાનતાના માનવીય મુલ્યને સ્વીકાર કરતી થઈ છે. અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પણ વિશ્વના અનેક ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ સમાનતાના વિચારને પુરસ્કૃત કર્યો છે. વ્યાપાર વાણિજ્યના જુદા જુદા સિધ્ધાંતોમાં પણ વિવિધ આર્થિક વર્ગો વચ્ચેનું અંતર વધુને વધુ ઘટતુ જાય તેને અર્થતંત્રની સફળતાની પારાશીશી ગણવામાં આવી છે. પરંતુ આ બધા જ સૈધ્ધાંતિક આદર્શો ધરાતલ પર સાકાર થયા નથી. બલ્કે સમય વિતતો જાય છે તેમ તેમ આર્થિક અસમાનતા વધતી જાય છે. અમીર વધુને વધુ અમીર બનતો જાય છે. અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. આ પરિસ્થિતિ નિવારવાની જવાબદારી વિશ્વના દેશોની સરકારોની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution