વડોદરા, તા.૨
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૧ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે ગરુડેશ્વર ખાતે વિઅર ડેમના ઉપરથી પાણી વહી રહ્યું હોવાથી ગરુડેશ્વર, ઈન્દ્રવર્ણા તેમજ આસપાસના ગામોમાં ભારે તારાજીનાં દૃશ્યો સર્જાયાં છે. ગરુડેશ્વર ખાતે આવેલ પ.પૂ. વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની સમાધિ મંદિરની કંપાઉન્ડ વોલ ધરાશાયી થતાં ગ્રામજનોએ સમાધિ મંદિરને બચાવવા માટે દિવસ-રાત મેટલ-રબાલ નદીમાં નાખી પ્રયાસો હાથ ધર્યા છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સમાધિ મંદિરની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અને વરસાદ બાદ વિઅર ડેમથી નર્મદા ઘાટ સુધી પ્રોટેકશન દીવાલ બનાવવા માટે માગ કરી છે. ભગવાન દત્તાત્રેયના અવતાર ગણાતા પ.પૂ. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના દેશ-વિદેશમાં લાખો ભક્તો છે. ગત વખતે કેવડિયા ડેમ ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તીર્થક્ષેત્ર ગરુડેશ્વર ખાતે દર્શનાર્થે આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી ૧૧ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતંુ, જેના પગલે નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે સમાધિ મંદિરને નુકસાન થયું હતું અને દક્ષિણ તરફની દીવાલ પાણીમાં ગરકાવ થતાં ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ગરુડેશ્વર ઘાટ પાસે આવેલ નર્મદેશ્વર મહાદેવનું મંદિર નર્મદામાં ગરકાવ થયા બાદ અવધૂત કુટિર, સંતકુટિર અને ભક્ત નિવાસ નીચેની માટીનું ધોવાણ થતાં ભારે ક્ષતિ પહોંચી છે. સંતકુટિર પણ નર્મદામાં સ્વાહા થઈ ગઈ છે. નદીમાં પૂરના ધસમસતા પાણીના કારણે સમાધિ મંદિરના પાયાની માટીનું ધોવાણ થવા લાગ્યું છે. ગ્રામજનોએ આ અંગેની જાણ સંબંધિત અધિકારીઓને કરી સમાધિ મંદિર બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તંત્ર દ્વારા ૧૦ થી ૧૨ ડમ્પર મેટલ-રબલ મોકલતાં ગ્રામજનો અને વ્યવસ્થાક મંડળના સભ્યોએ જાતે જ કામગીરી શરૂ કરી સમાધિ મંદિરના કંપાઉન્ડ વોલની પાસે નદીમાં મેટલ-રબલો નાખીને પૂરના પાણીને રોકી સમાધિ મંદિરને થતા નુકસાનને અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જાે કે, રાહત કામગીરીમાં ગરુડેશ્વર ગામના યુવાનો, અબાલવૃદ્ધો, મહિલાઓ પણ જાેડાઈ હતી.
ગરુડેશ્વર દત્ત સંસ્થાના ટ્રસ્ટી ચંદ્રકાન્ત ગવારીકર, નીતિન દેશપાંડે, દિનેશ શિંદે અને ઉમેશ ખોતે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને કહ્યું હતું કે, ગરુડેશ્વર દત્ત મંદિરનો ઓવારાનો ભાગ તેમજ આસપાસનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોનું શ્રદ્ધાસમાન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીજીનું સમાધિ મંદિરની એક બાજુની દીવાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે સમાધિ મંદિરની આસપાસ સંરક્ષણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ ચોમાસા બાદ પ્રોટેકશન દીવાલ બનાવવા માટે માગ કરી છે.