ખાંડીવાવના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

મહુધા : મહુધા તાલુકાના ખાંડીવાવનો કઠલાલ તાલુકામાં સમાવેશ કરવા ગામમાં ઠેર-ઠેર તાલુકા પંચાયતની ચૂંટણી બહિષ્કારના બેનરો મારી ગ્રામજનોએ રજૂઆત કરી છે. મહુધા તાલુકાનાં ખાંડીવાવ ગામમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કપડવંજમાં મતદારોના વોટ નીકળે છે, જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં મહુધામાં વોટ નીકળે છે. વળી, ગ્રામજનોનો સરકારી કચેરી સિવાયનો તમામ વ્યવહાર કઠલાલ ખાતે કરવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ ઘરવખરીનો સામાન સહિતની ખરીદારી ગ્રામજનો કઠલાલથી કરે છે. કઠલાલ ફક્ત ત્રણ કિમીના અંતરે આવેલું છે. સરકારી કચેરીના કામકાજ માટે જ ૧૩ કિમી દૂર મહુધા ખાતે ગ્રામજનોને જવાની ફરજ પડે છે, જેનાં પગલે છેલ્લાં ઘણાં વર્ષથી ખાંડીવાવના ગ્રામજનો દ્વારા ગામનો કઠલાલમાં સમાવેશ કરવા સરકારના વિવિધ વિભાગોમાં લેખીત તેમજ મૌખીક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં ખાંડીવાવના મતદારોનો કઠલાલ અને મહુધાના પદાધિકારીઓ દ્વારા મત માટે ફાયદો ઊઠાવતાં હોવાથી આખરે ગ્રામજનોએ ગામમાં ઠેર ઠેર બેનર મારી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે, અમારાં ગામનો વિકાસ કરો, અમારાં ગામને પ્રગતિના પંથે આગળ જવા દો. તેમજ જાે સરકાર દ્વારા ગ્રામજનોની માગણીનો સ્વીકાર કરવામાં નહિ આવે તો મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. સાથે સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution