દિલ્હી-
રોગપ્રતિકારક શક્તિ વધારવા આ એલોપેથી વેક્સિન ઉપરાંત અન્ય પ્રાકૃતિક અને દેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ વધ્યો છે. આંકડા દર્શાવે છે કે મહામારીમાં આયુર્વેદિક ઉત્પાદનોની માગ ઘણી વધી છે. એક અગ્રણી આયુર્વેદ કંપનીનો તો એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં બિઝનેસ 50% વધી ગયો છે. કંપનીઓ અને બજારનું વિશ્લેષણ કરતી સંસ્થા કંતારના જણાવ્યાનુસાર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ ચ્યવનપ્રાશ, મધ, હર્બલ ટી જેવી પ્રોડક્ટ્સવાળા સેગ્મેન્ટમાં વાર્ષિક ધોરણે શહેરી વિસ્તારોમાં 38% વૃદ્ધિ નોંધાઇ. આયુર્વેદ પર ભરોસો વધવાનું બીજું કારણ સરકારનું સમર્થન પણ રહ્યું. કેન્દ્રે આયુર્વેદ સહિત અન્ય વિભાગોવાળા આયુષ મંત્રાલયનું બજેટ 7 વર્ષમાં 5 ગણા જેટલું કરી દીધું છે. આયુર્વેદિક ઇન્ડસ્ટ્રી અંદાજે 30 હજાર કરોડ રૂ.ની થઇ ચૂકી છે. 2020-21માં દેશની નિકાસ ઘટીને -7.1% સુધી પહોંચી ગઇ હતી. આ દરમિયાન આયુર્વેદની નિકાસ 13% વધી. તેના મોટા આયાતકારોમાં અમેરિકા, યુએઇ અને રશિયા સામેલ છે. 2014-15થી 2017-18 દરમિયાન પણ આયુર્વેદિક પ્રોડક્ટ્સની નિકાસ વધી હતી. બીજી તરફ યૂગોવ-મિન્ટ-સીપીઆર મિલેનિયલ્સના સરવે મુજબ ઓછું ભણેલા અને યુવાનોમાં એલોપથીની સરખામણીમાં આયુર્વેદ પર ભરોસો વધ્યો છે. સરવેમાં 203 શહેરના 10,285 લોકોને આવરી લેવાયા.