ન્યુયોર્ક-
બદનામ આતંકવાદી ઓસામા બિન લાદેનના નિકટવર્તી આતંકવાદી આદિલ અબ્દુલ બારીને અમેરિકાની જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. એ વધુ પડતો મેદસ્વી હોવાથી એને કોરોના થવાનો ભય હતો માટે જેલ સત્તાવાળાઓએ એને મુક્ત કર્યો હતો એવા અહેવાલ હતા.
યૂરોપમાં લાદેનના પ્રવક્તા તરીકે પંકાયેલો બારી ન્યૂ જર્સીની જેલમાં હતો. ત્યાંથી છૂટીને એ ઇંગ્લેંડ રવાના થયો હતો. એક અહેવાલ પ્રમાણે એ ઇંગ્લેંડ પહોંચી ગયો હતો. એના પર પૂર્વ આફ્રિકામાં અમેરિકી રાજદૂતાવાસ પર બોમ્બ વિસ્ફોટ કરવાનો આક્ષેપ હતો. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ૯-૧૧ના હુમલો થયો એ પહેલાં આ સૌથી મોટો હુમલો હતો.
અમેરિકાના એક સિનિયર જજે જણાવ્યા મુજબ બારી વધુ પડતો મેદસ્વી હોવાથી એને કોરોના થવાની પૂરી શક્યતા હતી. એટલે એને ન્યૂ જર્સીની જેલમાંથી મુક્ત કરીને પાછો બ્રિટન મોકલી દેવામાં આવ્યો હતો. મિસરમાં જન્મેલા બારીએ ૧૯૯૧માં બ્રિટનમાં પોલિટિકલ રેફ્યુજી તરીકે રહેવા દેવાની અરજી કરી હતી. પોતાના રાજકીય સંપર્કોના જાેરે એને 1993માં બ્રિટનમાં રહેવાની પરવાનગી મળી ગઇ હતી.
1998માં અલ કાયદાની સંખ્યાબંધ બોમ્બ ભરેલી બે ટ્રકો તાંઝાનિયા અને કેન્યામાં અમેરિકી રાજદૂતાવાસ પર ધસી ગઇ હતી. આ બોમ્બ વિસ્ફોટમાં 224 વ્યક્તિનાં મરણ થયાં હતાં. અલ કાયદાના યૂરોપના પ્રવક્તા તરીકે આદિલ અબ્દુલ બારીએ પત્રકારોને કહ્યું હતું કે અમેરિકી રાજદૂતાવાસ પર અલ કાયદાએ હુમલા કરાવ્યા હતા. આદિલને છ બાળકો છે જેમાં એક આઇએસઆઇઓસનો આતંકવાદી છે.