વોશિગ્ટંન-
અમેરિકાએ ઉઇગર મુસ્લિમો પરના કહેવાતા અત્યાચારના મુદ્દે ચીનના શિનજિયાંગ ખાતેના અર્ધલશ્કરી દળ અને એના કમાન્ડર પર પ્રતિબંદ લાદ્યો હતો. અમેરિકી વિદેશ ખાતાએ અને નાણાં ખાતાએ વિવિધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. હોંગકોંગમાં કોરોનાના કારણે ચૂંટણી લંબાવવાના પગલાની ટ્રમ્પ વહીવટી તંત્રે ટીકા કરી હતી. આ પ્રતિબંધોનો અર્થ એવો પણ થાય છે કે અમેરિકામાં આ અર્ધલશ્કરી દળોની જે સંપત્તિ હોય એને અમેરિકા જપ્ત કરી શકે.
જાે કે હાલ કોરાનાના કારણે ખુદ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નવેંબરને બદલે મોડી યોજવાની હાકલ કરી હતી. પરંતુ ચીને હોંગકોંગમાં થનારી સૂચિત ચૂંટણી લંબાવવાની પેરવી કરી એની ટ્રમ્પે ટીકા કરી હતી.
અમેરિકાના પ્રતિબંધનો અર્થ એ પણ થાય છે કે ચીનના અર્ધલશ્કરી દળો સાથે કોઇ વ્યાપાર-વાણિજ્ય ન થઇ શકે. અમેરિકાએ શિનજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ પર પ્રતિબંધો લાદ્યા હતા. આ અર્ધલશ્કરી દળો ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર ગુજારી રહ્યુ છે એવું ટ્રમ્પ વહીવટી તંત્ર કહે છે અને પોતે ઉઇગર મુસ્લિમોના માનવ અધિકારોના રક્ષણ માટે આ પ્રતિબંધ મૂકી રહ્યુ હોવાનો દાવો કર્યો હતો.
આ અર્ધલશ્કરી દળ ચીનના સામ્યવાદી પક્ષને સીધો અહેવાલ આપે છે અને શિનજિયાંગમાં મોટી મોટી વિકાસ યોજનાઓનો અમલ કરે છે. અમેરિકી નાણાં પ્રધાન સ્ટીવન મ્નુચિને કહ્યુ કે શિનજિયાંગ સહિત દુનિયાભરમાં થઇ રહેલા માનવ અધિકારોના ભંગ કરનારા લોકો સામે પગલાં લેવા અમેરિકા કટિબદ્ધ છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યુ હતું કે ચીની અર્ધલશ્કરી દળના બે કમાન્ડર પેંગ જિયારુઇ અને ભૂતપૂર્વ કોમિસર સુન જિનલોંગને અમેરિકા વીઝા નહીં આપે. આ બંને અધિકારીઓ અમેરિકાની મુલાકાત નહીં લઇ શકે.