દિવ્હી-
કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ રજૂ કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે દેશમાં ઈલેક્ટ્રિક ટ્રેકટરો ઉતારવા જઈ રહી છે. આની જાહેરાત પોતે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ કરી છે. આજે નીતિન ગડકરીએ ‘Go Electric’ અભિયાનના પ્રારંભ સમયે કહ્યું હતું કે સરકાર આગામી 15 દિવસમાં દેશમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરશે. આ સિવાય તેમણે સરકારના તમામ મંત્રાલયો અને વિભાગના અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ફરજિયાત કરવાની પણ વાત કરી હતી.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એમ પણ સૂચન કર્યું હતું કે સરકારે ઘરોમાં એલપીજી ખરીદવા માટે ટેકો આપવાને બદલે ઈલેક્ટ્રિક રસોઈ સાધનો ખરીદવા સબસિડી આપવી જોઈએ. ગડકરીએ સૂચન કર્યું હતું કે તમામ સરકારી અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. ઈલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે વાત કરીએ તો આ ટ્રેક્ટર સાથે સંકળાયેલ ટેકનિકલ સુવિધાઓ વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આજે નીતિન ગડકરીએ કહ્યું છે કે આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર ‘ગો ઈલેક્ટ્રિક’ અભિયાનના આરંભ સમયે રજૂ કરવામાં આવશે. આ ટ્રેક્ટર બેટરીથી ચાલશે અને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક ટ્રેક્ટર હશે.