વોશિગ્ટંન-
કોરોના સંકટથી લડી રહેલી સમગ્ર દુનિયા જ્યાં વેક્સીનની રાહ જાેઇ રહ્યાં છે. ત્યારે અમેરિકા, બ્રિટન, કેનેડા અને રશિયા વચ્ચે એક અલગ રમત શરૂ થઈ ગઈ છે. અમેરિકા, યુકે અને કેનેડાએ આરોપ લગાવ્યો છે કે, રશિયા તેમની કોરોના વેક્સીન સંશોધન વિશેની માહિતી ચોરી કરે છે.
ત્રણેય દેશોનો દાવો છે કે, સરકાર સમર્થિત રશિયન હેકરો કોરોના વેક્સીનના સંશોધન સાથે સંકળાયેલી તબીબી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પર સાયબર એટેક કરીને સંશોધન ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યુ હતું કે APT29 નામના હેકિંગ ગ્રુપે તેમના સંશોધનથી સંબંધિત માહિતી ચોરી કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જાેકે, રશિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અમેરિકા, બ્રિટન અને કેનેડાએ આક્ષેપ કર્યો છે કે, કોઝી બિયર રશિયાની ગુપ્તચર એજન્સીઓ અને સરકારના ઇશારે કામ કરે છે. બ્રિટનના નેશનલ સાયબર સિક્યુરીટી સેન્ટર (એનસીએસસી)ના ડિરેક્ટર પોલ ચિસેસ્ટરે કહ્યુ કે, અમે કોરોના મહામારી સામે લડવા માટે મહત્વપૂર્ણ કાર્યો કરનારાઓ સામે આવા સાયબર હુમલાની નિંદા કરીએ છીએ. સાયબર સુરક્ષા સંશોધનકારોના જણાવ્યા અનુસાર,APT29 હેકિંગ ટૂલનો ઉપયોગ ગત વર્ષે અમેરિકા, જાપાન, ચીન અને આફ્રિકાના ગ્રાહકો સામે પણ કરવામાં આવ્યો હતો.
બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબએ કહ્યુ છે કે, કોરોના મહામારી સામે લડતી સંસ્થાઓ પર રશિયાની ગુપ્તચર એજન્સીઓનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને સ્વીકારવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, બ્રિટન અને અમેરિકાએ મે મહિનામાં કહ્યુ હતું કે, હેકરોના નેટવર્કથી કોરોના સામે લડવાનો પ્રયાસ કરી રહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ રશિયા તેમાં સામેલ હોવાનું કહેવાતું નથી. હવે અમેરિકા, બ્રિટન તેમ જ કેનેડા પણ કહે છે કે રશિયા હેકર્સ દ્વારા વેક્સીન પ્રોગ્રામની મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે.