જામનગર, ચોમાસા દરમિયાન હવામાન વિભાગ ભલે વરસાદની આગાહી કરતો હોય, પણ આજેય એવાં ગામો છે, જ્યાં પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલું આમરા ગામ એમાંનું એક છે. અહીં ગામના કૂવામાં રોટલો પધરાવી વર્ષ કેવું રહેશે એની આગાહી કરવામાં આવે છે. આ વર્ષે રોટલો ઈશાન દિશા તરફ જતાં વર્ષ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા ૧૫૦ વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ-નગારા સાથે જાેડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજની વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે.