વડોદરા
વડોદરા શહેરમાં રોજબરોજ બનતા વાહનચોરીના બનાવોને પગલે વાહનચોરોને ઝડપી પાડવા માટે પોલીસ તંત્રે કવાયત હાથ ધરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગની કામગીરી રાખવામાં આવી હતી. તેવા સમયે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે ચોરીની એક્ટિવા લઈને ફરતા એક શખ્સને અનગઢ ગામની પંચાયત ઓફિસ ખાતેથી ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડયો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના નંદેસરી હરિસિદ્ધિ મંદિર સામે આવેલ વૈભવનગરમાં રહેતો રાજુ ઉર્ફે દૂધી પ્રતાપભાઈ રાઠોડ નામના યુવાને શહેરના કારેલીબાગ પોલીસ મથકના હદ વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરી હતી. તે બાદ તે ચોરીની એક્ટિવા લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ફરતો હતો. બીજી તરફ કારેલીબાગ પોલીસ મથકે એક્ટિવા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજુ ઉર્ફે દૂધી રાઠોડ ચોરીની એક્ટિવા લઈને અનગઢ ગામમાં ફરી રહ્યો છે જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અનગઢ ગામેથી ચોરીની એક્ટિવા સાથે રાજુ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો હતો.