છોટાઉદેપુર-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ગોદધ ગામ પાસે સ્ટીલ ના ડબ્બામાં પૈસા મૂકી એકના ડબલ કરી આપવાનો લોલિપોપ આપી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી તે દરમિયાન પેટ્રોલીંગ માટે નીકળેલી પોલીસ આવી જતા તાંત્રિક બનીને આવેલ બાપુ તેમજ છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામનાં શંકરભાઈ નામના આ બંને ગઠિયાઓ રૂપિયા સાડા પાંચ લાખ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે મુંબઇ થી આવેલો આ ટીમનો સાથી અબ્દુલ શેખ ઝડપાઇ ગયો અને મુંબઈથી ડ્રાઈવર તરીકે લઈને આવેલ પ્રકાશ માણેને પણ પોલીસ મથકે લાવી સમગ્ર છેતરપિંડીનાં બનાવની તપાસ બોડેલી પોલીસે ભોગ બનનાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામના જયદીપસિંહ મનુભાઈ પરમાર ની ફરિયાદ નોંધી ફરાર થઈ ગયેલા બે ગઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
એક ના ડબલ કરવાની લાલચમા સાડા પાંચ લાખ ની છેતરપિંડી કરવાના બનાવ માં બોડેલીનાં ચલામલી પાસેના ગોડધ ગામની સીમમાં મંદિર માં બાપુ બનીને આવેલા ગઠિયા દ્વારા ચાલતી તાંત્રિક વિધિ દરમિયાન ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આમ તો છોટાઉદેપુર જીલ્લામાં એક ના ડબલ, ત્રિપલ કરવાની લોભ લાલચ આપી છેતરપિંડી આચરવાના બનાવો અગાઉ પણ બનવા પામ્યા છે પરંતુ આ વખતે અમદાવાદ જીલ્લામાંથી બોડેલી નજીક આવી તાંત્રિક વિધિ કરવાના બનાવમાં રૂપિયા સાડા પાંચ લાખ નું ફુલેકું ફેરવી ગઠિયાઓ ફરાર થઈ ગયા નો બનાવ બનતા પંથક માં ચકચાર મચી જવા પામી છે