મનગમતી કન્યાએ ખબર અંતર પૂછ્યા પછી ટીનએજર કાયમ બીમાર રહેવા માંડ્યો

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે એક દિવસમાં માનવમનની અંદર લગભગ ૬૦,૦૦૦ જેટલા વિચારો આવતા હોય છે. વિચારો પ્રત્યેની સજાગતાનો અભ્યાસ કરનાર વ્યક્તિ ખૂબ સરળતાથી પોતાના વિચારો પ્રત્યે જાગ્રત થઈ શકે છે. ત્યારબાદ વિચારોની યોગ્યતાની ચકાસણી કરીને જરૂરી વિચારોને પોતાની અંદર પ્રવેશ આપવાનો ર્નિણય લઈને વ્યક્તિ ઇચ્છિત ભાવનાઓ અને પરિણામો ઉત્પન્ન કરી શકે છે. આમ વ્યક્તિ પોતાના સંપૂર્ણ જીવનનું નિયંત્રણ કરીને સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિની દિશાઓમાં અગ્રેસર થવાની અસીમ સંભાવનાઓ ધરાવે છે. પરંતુ, મોટાભાગના લોકો પોતાની અંદર ચાલતા આ વિચારો પ્રત્યે બેહોશ હોય છે જેથી તેઓ વિચારોની યોગ્યતા ચકાસવાનો અવસર ચૂકી જાય છે. જેથી બિનજરૂરી વિચારો મન ઉપર હાવી થવામાં સફળ થાય છે અને વ્યક્તિ પોતાની ભાવનાઓ અને પરિણામોને નિયંત્રણ કરવામાં નિષ્ફળ નીવડે છે.


અગીયારમાં ધોરણમાં ભણતા રવિને (નામ બદલેલ છે) તેના માતા-પિતા મારી પાસે લાવ્યા ત્યારે તે શારીરિક રીતે ખૂબ ર્નિબળ હતો. છેલ્લા બે વર્ષથી રવિને લઈને તેના માતા-પિતા ખૂબ પરેશાન હતા. કોઈક અજ્ઞાત બીમારી રવિના શરીરમાં ઘર કરી ગઈ હતી. શરૂઆતમાં એક-બે વખત તેને તાવ આવ્યો હતો અને અઠવાડિયામાં તે મટી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેને શરીરમાં અશક્તિનો અનુભવ થતો હતો. તેમના ફેમિલી ડૉક્ટરને બતાવતા તેઓએ વિટામીનની ઉણપને લગતી સારવાર કરી હતી જેની કોઈ સકારાત્મક અસર રવિના શરીરમાં દેખાતી ન હતી. દિવસે દિવસે રવિની શારીરિક અશક્તિ અને દુઃખાવાઓને લગતી ફરિયાદો વધતી જતી હતી. જેથી તેના માતા-પિતાએ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરીને મેડિકલ ટેસ્ટ કરાવ્યા જેના પરિણામોમાં પણ રવિની બીમારીનું કોઈ કારણ પકડાતું ન હતું. બે – ત્રણ વખત તો પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ હતી કે જેના કારણે તેને દવાખાનામાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેમ કોઈ ડૂબતો માણસ તણખલાનો પણ સહારો લેવાનો પ્રયત્ન કરે તે રીતે રવિના માતા-પિતા પોતાના એકના એક દીકરાની અજ્ઞાત બીમારીને દૂર કરવા માટે સાઇકિયાટ્રિસ્ટથી લઈને મંદિર-મસ્જીદ, દોરા-ધાગા અને તંત્ર-મંત્ર વિજ્ઞાનનો પણ સહારો લઈ ચૂક્યા હતા. પરંતુ દરેક જગ્યાએથી તેઓને હતાશા પ્રાપ્ત થઈ હતી.


આટલું સમજતા જ મને ખ્યાલ આવી ગયેલો કે રવિની અજ્ઞાત બીમારીનું કારણ ક્યાંક તેના મનની અંદર છુપાયેલું છે. તેને શોધવા માટે જ્યારે તેનું સાયકો એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે મને જાણવા મળ્યું કે રવિ બાળપણથી જ ઓછાબોલો અને શરમાળ સ્વભાવનો હતો. તેને હંમેશા પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં તકલીફ થતી હતી. પોતાની અપેક્ષા – ઈચ્છાઓની અભિવ્યક્તિ નહિ કરી શકવાના કારણે તેને બાહ્ય સમાજ સાથે સંબંધો વિકસિત કરવામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો. સોશિયલ એંક્ઝાયટીના કારણે તેના કોઈ ખાસ મિત્રો પણ ન હતા. તેનું જીવન આંતરિક અને એકાકી બની ચૂક્યું હતું જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં ઇન્ટરોવર્ટ પર્સનાલિટી કહી શકાય.


એક ઉંમર સુધી રવિ પોતાના ઉપરોક્ત વ્યક્તિત્વના કારણે ઉત્પન્ન થતી અસરોને સમજી શકતો ન હતો. પરંતુ ટીનએજ અવસ્થામાં આવતાની સાથે જ તેની અંદર નૈસર્ગિક રીતે અનેક વિજાતીય આકર્ષણ અને અપેક્ષાઓનું સર્જન થયું હતું. જેને વ્યક્ત કરવા માટે તેનું પોતાનું જ વ્યક્તિત્વ બાધારૂપ બની રહ્યું છે તેવો રવિને ખ્યાલ આવ્યો. એક તરફ રવિ પોતાની નૈસર્ગિક અપેક્ષા – ઈચ્છાઓ અને વિજાતીય આકર્ષણને રોકી શકતો ન હતો અને બીજી તરફ તેના બાળપણથી ઉત્પન્ન થયેલા વ્યક્તિત્વમાં બદલાવ લાવવો તેના માટે સંભવ ન હતો.


ઉપરોક્ત મનોસ્થિતિ જ્યારે ચરમસીમાએ હતી ત્યારે રવિના જીવનમાં એક એવી ઘટના બની જેના કારણે તેના મનની અંદર અકલ્પનીય આનંદનો અનુભવ થયો. રવિ પોતાની ક્લાસમેટ છોકરી પ્રત્યે ખૂબ આકર્ષણનો અનુભવ કરતો હતો.પરંતુ તેની એટલી હિંમત ન હતી કે તે તેની સાથે વાતચીત કરી શકે. આવામાં એક દિવસ તેને અચાનક તાવ આવ્યો જેના કારણે તે ત્રણ-ચાર દિવસ સુધી સ્કૂલમાં ન જઈ શક્યો. ત્યારબાદ જ્યારે તે સ્કૂલમાં ગયો ત્યારે પેલી છોકરીએ સામેથી તેની સાથે વાતચીત કરી અને તેની તબિયત વિષે પૂછ્યું. એટલું જ નહીં તેણે પોતાની નોટબુક પણ રવિને આપી કે જેથી તે પોતાનું પેન્ડિંગ વર્ક પૂરું કરી શકે. કોઈ રણમાં ભટકતા તરસ્યા વ્યક્તિને પાણી મળવાથી જે અનુભવ થાય તેવા જ આનંદનો અનુભવ રવિ આ ઘટના બાદ કરી રહ્યો હતો. બે – ત્રણ દિવસની બીમારી જાણે કે તેના માટે આશીર્વાદ બની ગઈ હતી. અજ્ઞાત રીતે રવિએ બીમારીને પોતાની ભાવનાઓ તૃપ્ત કરવાનું સાધન બનાવી દીધું હતું અને આ વાત સૂક્ષ્મ રીતે તેના અચેતન મનમાં પ્રવેશ કરી ગઈ હતી. જેના કારણે તેના પોતાના અને ડૉક્ટરોના પ્રયત્નો બાદ પણ તેની બીમારી અને દુઃખાવાઓ દૂર નહોતા થઈ રહ્યા.


હિપ્નોથેરાપી અને ફેમિલી કાઉન્સેલિંગના સેશન દરમ્યાન રવિ તેમજ તેના માતા-પિતાને સમજાવવામાં આવ્યા કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જેમ શરીરને ભોજનની જરૂર પડે છે તેવી જ રીતે મનને પણ સમાજ સાથે જાેડાઈને માન – સન્માન, પ્રતિષ્ઠા, સહાનુભૂતિ, પ્રેમ, આનંદ મેળવવાની ભૂખ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને સાત્વિક ભોજન નથી મળતું ત્યારે તે સડેલું અને સ્વાસ્થ્યને હાનિકારક હોય એવું ભોજન ખાવા માટે પણ તૈયાર થઈ છે. તેવી જ રીતે મન પાસે પણ જ્યારે પોતાની ભૂખ સંતોષવા માટેના સાત્વિક રસ્તાઓ નથી હોતા ત્યારે તે પોતાને હાનિકારક હોય તેવા રસ્તાઓને પણ પસંદ કરીને પોતાની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિનું અંતરમન આનંદ આપતા દરેક રસ્તાઓને જીવનના ભોગે પણ પકડી રાખે છે. ચાહે તે કોઈ દારૂ, સીગરેટ, ચરસ હોય કે વ્યક્તિ હોય કે પછી બીમારી હોય. ત્યારબાદ રવિને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાના અને મનની ભૂખને સંતોષવાના સાત્વિક રસ્તાઓની ટ્રેનિંગ આપવામાં આવી જેનાથી તેના વ્યક્તિત્વમાં બદલાવ આવ્યો અને તેની દરેક શારીરિક તકલીફો દૂર થતી ગઈ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution