આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોવ અને છતાં ચટપટું ખાવાનું મન હોય તો તમે બટાકાનું આ ફરસાણ ટ્રાય કરી શકો છો. હા, બટાકાવડા અને તેની સાથે તીખી ચટણી. આ તમારું પેટ પણ ભરશે અને ઘરે બનાવેલા હોવાથી હેલ્થને માટે પણ કોઈ ટેન્શન રહેશે નહીં. તમે ઘરે જ સરળ રીતે ફરાળી બટાકાવડા ટ્રાય કરી શકો છો. તો જાણી લો રેસિપી અને કરી લો તૈયારી.
સામગ્રી
:
12 નંગ બાફેલા બટાકા
,4 વાટકી રાજગરાનો લોટ ,4 લીલાં મરચાં વાટેલા ,10 નંગ કાજુ ,7 નંગ કિશમિશ ,સવા ટીસ્પૂન લાલ મરચું ,ફરાળી મીઠું સ્વાદ અનુસાર ,તેલ જરૂર મુજબ ,કોથમીર
રીત :
સૌ પહેલાં શેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડું મીઠું નાંખીને ખીરું બનાવી લો. બટાકાને બાફીને બાજુ પર મુકી રાખો. હવે બટાકાને છોલીને સારી રીતે મસળી લો. તેમાં બધી સામગ્રી મિક્સ કરીને નાના-નાના ગોળા બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લૂઆને ડીપ કરી લો. એક ગેસ પર તેલ ગરમ મૂકો. તેમાં આ તમામ બટાકાવડાને ધીમા તાપે તળી લો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં તથા લીલી ચટણી સાથે સર્વ કરો.