વડોદરા, તા.૧૨
નિર્દોષ સંતાનોને ગુમાવનાર વાલીઓના માનસપટ પરથી હજુ પણ હોડી દુર્ઘટનાના કાળાઓછાયા દૂર થયા નથી. બનાવના ૨૬ દિવસ બાદ પણ ચાર આરોપીઓ હજુ ફરાર છે, જ્યારે કોર્પોરેશન તંત્ર કે શાળા સંચાલકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થઈ તે મુદ્દે હવે વાલીઓનોપ્રકોપ ફાટી નીકળ્યો છે. હોડીકાંડમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા વાલીઓ પૈકીના ૧૧ વર્ષની પુત્રી રોશનીને ગુમાવનાર ગરીબ દંપતીની હાલત તો પડતા પર પાટું જેવી થઈ છે અને પત્નીએ તો અન્નજળનો લગભગ ત્યાગ કરી દેતા તેની તબિયત લથડી રહી છે. પોતાની આવી સ્થિતિ બદલ દંપતીએ - તંત્રએ અમારી રોશની છીનવીને અમારું જીવન અંધાકારમય બનાવી દીધું છે, તેવા આક્રોશ સાથે એવી પણ લાચારી વ્યક્ત કરી હતી.
લેકઝોનના હોડીકાંડમાં સનરાઈઝ સ્કુલના ૧૨ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા સહિત ૧૪ના કરુણ મોત નીપજ્યા છે અને વાલીઓની વારંવાર રજુઆતો કરવા છતાં આ બનાવમાં હજુ સુધી કોર્પોરેશન તંત્ર કે શાળા સંચાલકો સામે કોઈ ગુનો નોંધાયો નથી. છેલ્લા ૨૬ દિવસથી હોડીકાંડની મંથરગતિએ ચાલતી તપાસ અને તંત્રની બિનઅસરકારક કાર્યવાહીને જાેઈ રહેલા વાલીઓનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો છે અને કોર્પોરેશન તંત્ર અને શાળા સંચાલકો સામે કેમ પગલા નથી લેવાતા ? તે પ્રશ્ન તેઓને સતત અકળાવી રહ્યો છે. સંતાનો ગુમાવવાની વેદના અને હવે ન્યાયની પ્રતિક્ષા વચ્ચે અટવાયેલા વાલીઓની હાલત ખરેખર દયનીય બની છે. આ વાલીઓ પૈકી પોતાની ૧૧ વર્ષની પુત્રી રોશની શિંદેને ગુમાવનાર પિતા પંકજ અને માતા તરલાબેનની વેદના કોઈને પણ હચમચાવી મૂકે તેવી છે.
આક્રોશ અને અશ્રુ સાથે તરલાબેન શિંદેએ જણાવ્યું હતું કે ‘ આટલા બધા દિવસ થઈ ગયા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. હું કેવી રીતે કંઈ ખાવુ ? મે ૧૧ વર્ષની દીકરીને ગુમાવી છે..જમવા બેસીએ તો દીકરીનો ચહેરો સામે આવે છે અને રાત્રે ઊંઘ પણ નથી આવતી, અમારુ તો ભવિષ્ય પાણીમાં જતું રહ્યું છે. મેં મારી છોકરી વિશે શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. બધી સત્તા તેમના હાથમાં છે અને એ લોકો ધારે તો એક મિનિટમાં બધું કરી શકે, પરંતુ એ લોકોને કશું કરવું નથી. તેમના માટે કોઈના જીવ વહાલા નથી એટલે એ લોકો કોઈ એક્શન લેતા નથી. જે લોકોનું ગયું છે તેમની પર શું વિતી રહી છે તેની તેઓને કશું ખબર નથી. આ બનાવમાં સ્કુલવાળા સાથે કોર્પોરેશનવાળા પણ જવાબદાર છે અને તેઓની સામે પણ કાર્યવાહી કરી બધાને જેલમાં મોકલો. રજું પણ સ્કુલ તો ચાલું જ છે, હોડીકાંડનો ભોગ બનેલા ૧૨ વિદ્યાર્થીઓ શું સ્કૂલના નહોંતા? શું અમારું કશું જ ગયું નથી? તો પછી શું સ્કૂલ હજુ કેમ ચાલું છે? બધા જવાબદારો લોકોને જેલમાં નાખો, તેમના પર ગુજરશે એટલે તેમને અમારા દર્દની ખબર પડશે. સરકારના હાથમાં બધું જ છે, તો કેમ એક્શન લેતા નથી? તેમને કશી પડી નથી, તેઓ બધા રાજનીતિ કરે છે. અમે અમારાં બાળકો ગુમાવ્યાં છે, એમાં તેમનું કશું ગયું નથી, એ લોકો રાજનીતિ કરે છે..અમારા હાથ તેમની આગળ ટુંકા પડી ગયા છે, ગરીબના હાથ ટુંકા જ હોય છે.’
રોશનીના પિતા પંકજ શિંદેએ જણાવ્યું હતું કે પુત્રીના વિયોગમાં મારી પત્ની દિવસભર સતત વિચારોમાં મગ્ન રહે છે અને આંસુ સારે છે તેમજ તેણે ખાવાપીવાનું પણ છોડી દીધું છે. હું અને પરિવારજનો તેને સમજાવીને તો ક્યારેક દબાણ કરીને ખવડાવીયે છે. જાેકે તે પુરતો ખોરાક લેતી ન હોઈ તેની તબિયત સતત લથડી રહી છે અને તેને શક્તિ માટે બોટલ ચઢાવવા પડી રહ્યા છે. આવી ઘટનામાં ગરીબ માણસોનો જ મરો થાય છે, હોડીકાંડમાં કોર્પોરેશનવાળા તેમજ સ્કૂલવાળા પણ જવાબદાર છે અને તમામની સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ જેથી અમારા જેવા ગરીબ લોકોને ન્યાય મળશે’