સ્કૂલવેન-રિક્ષામાં જતાં ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર અનફિટ!

શહેરમાં મોટનાથ તળાવ લેકઝોન હોડી દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થીઓ સહિત ૧૪ના મોત થયાં હતા. જે બાદ હવે, રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં ૩૩ નિર્દોષો જીવતા ભુંજાઈ ગયા હતા. ત્યારે હવે, સમગ્ર તંત્રની બેદરકારી પર માછલા ધોવાતાં નાગરિકોના સલામતિના મુદ્દે તંત્ર સફાળુ બેઠું થયું છે. હાલમાં ચાલતું ઉનાળુ વેકેશન પુરુ થતા જ આગામી દિવસોમાં સ્કુલો ફરી શરૂ થશે. તેની સાથે જ વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરીને શાળામાં લઈ જતી સ્કુલવાન અને રિક્ષાઓની જાેખમી સવારી ફરી જાહેરમાર્ગ પર પોલીસ, આરટીઓ અને વહીવટી તંત્રની નજર સામે બેરોકટોક પસાર થશે. જાેકે તાજેતરમા સર્જાયેલી હોનારતો બાદ જાગેલું તંત્ર હવે નાગરિકોની સલામતિના મુદ્દે જવાબદારીમાંથી છટકવા માટે અત્યારથી છટકબારી શોધી રહ્યું છે. તેના કારણે જ વડોદરા શહેર પોલીસે સ્કુલવાન અને રિક્ષાચાલકો સાથે મિટીંગ કરી વિદ્યાર્થીઓની સલામતિ માટે વીમાથી માંડીને ટેક્સ, પરમીટ, પીયુસી અને વાહનના ફીટનેસ સર્ટીફિકેટ સહિતના વિવિધ નિયમોનુ પાલન કરવા સુચના આપી છે. સ્કુલ વાન અને રિક્ષાચાલકો માટે પોલીસ, આરટીઓ અને વહીવટી તંત્રના તમામ નિયમોનું પાલન કરવાનું ફરજિયાત છે પરંતું અત્યાર સુધી તમામ તંત્ર દ્વારા આ નિયમોનું કેમ કડકાઈથી પાલન કરાવવામાં નથી આવ્યું ? તે સૌથી મોટો પ્રશ્ન છે. સ્કુલ શરૂ થવાના ગણતરીનો દિવસો અગાઉ પોલીસે વાન અને રિક્ષાચાલકોને સુચનાઓ તો આપી પરંતું તેનું પાલન કરવા માટે અત્યારથી જ વિવિધ તંત્ર દ્વારા એકબીજાને ખો આપવાનું શરૂ થયું છે. જેને પગલે વિદ્યાર્થીઓની સલામતિનો મુદ્દો ફરી હાંસિયામાં ધકેલાઈ ગયો છે.


અમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં લઇને આવતી વેન અને રિક્ષાના ડોક્યુમેન્ટ લેવા સૂચના આપી છે

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વાન અને રીક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ ચકાસવા માટે આદેશ કરાયો છે. જેમા અમારી પણ જવાબદારી નક્કી કરાઇ હતી. જેથી અમે રાજ્ય સરકારને લેખીતમાં અમારી રજૂઆત કરી છે. જાેકે, ફિટનેસ સટિર્ફિકેટ આપવાની જવાબદારી સંલગ્ન વિભાગની બને છે. વાન અને રીક્ષામાં વાલીઓ દ્વારા જે બાળકોને મોકલવામાં આવે છે તેમની અંગત વ્યવસ્થા છે. જે ખાનગી છે. જેના પર શાળાનો કોઈ કંટ્રોલ નથી. પરંતુ શહેરની ગણતરીની શાળાઓ જે સ્કૂલ બસ સેવા આપે છે. તેમની બસો તમામ નિયમોનું પાલન કરવામાં આવે તેવી જવાબદારી સ્કૂલની બને છે. પરંતુ ખાનગી વાન અને રીક્ષાની જવાબદારી શાળાની બનતી નથી તેમ છતાં શાળા સંચાલકોને તેમની સ્કૂલના બાળકોને વાન કે રીક્ષામાં આવતા હોય તેના જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરી ફાઈલ બનાવવા સૂચના આપવામાં આવી છે.

- આર. સી. પટેલ. પ્રમુખ શાળા સંચાલક મંડળ, વડોદરા


વાલીએ વેન અને રિક્ષાના જરૂરી દસ્તાવેજાેની માગણી કરવી

સ્કૂલ વાન અને રીક્ષાને લગતી ડ્રાઈવ સમયાંતરે આરટીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. તમામ સ્કૂલ વાન અને રીક્ષા પર આરટીઓની રહેમ નજર હોય છે. જેથી તેમને કોઈ મુશ્કેલી આવતી નથી. જયારે વાલીઓ નિયમોનું પાલન કરવા ઈચ્છે તો પણ તે પોતાના બાળકને જીવતા બૉમ્બ સમાન વાહનોમાં મુકવા માટે મજબુર છે. ત્યારે હવે, વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. તમારું બાળક જે વાન કે રીક્ષામાં જાય છે તે ખાનગી પાસિંગની ન હોવી જાેઈએ, તે ટેક્સી પાસિંગની જ હોવી જાેઈએ, ડ્રાઈવરનું લાઇસન્સ, તેનું આધાર કાર્ડ, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ બધું જ વાલીઓએ ચકાસવું જાેઈએ. - મુકુંદ પટેલ, સભ્ય, પેરેન્ટ એસોસિએશન, વડોદરા


શિક્ષણ વિભાગની કોઈ જ જવાબદારી બનતી નથી

વાહનોને લગતી બાબતો મારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. જાેકે, થોડા દિવસ પહેલા સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો હતો જે શાળાઓને મોકલી આપવામાં આવ્યો છે. તે સિવાય વધારાના કોઈ પણ આદેશ આપવા કે ર્નિણય લેવો મારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. જે પણ જવાબદારી છે તે આરટીઓ વિભાગની છે. તેઓ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે. અમારા વિભાગને તે કાર્યવાહી સાથે કોઇ નિસબત નથી.

- આર. આર. વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરા


ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલવેન અને રિક્ષાચાલકોને સમજણ આપવામાં આવી હતી

ક્ષમતા કરતા વઘારે બાળકો બેસાડનાર સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસે બોલાવીને સમજણ આપાવામાં આવી હતી કે, સ્કૂલવાન કે સ્કૂલ રિક્ષા ચાલકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલા મર્યાદા કરતા વધુ બાળકો વાહનમાં ન બેસાડવા, સ્કૂલોમાં બાળકોને લાવવા લઇ જવામાં પરિવહનના માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, સ્કૂલવર્ધી માટે વપરાતી ઓટોરિક્ષા કે વેનમાં જાે રજિસ્ટ્રેશન થયા બાદ સીએનજીકે એલપીજી કિટ ફિટ કરવામાં આવેલ હોય તો તે નિયમોનુસાર અલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફિટ થયેલી છે કે કેમ? તેમજ સ્કૂલ વેનનંુ આરટીઓમાં ટેક્સી પાસિંગ કરાવવા, સ્કૂલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા લઇ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્સ, પરમિટ, પીયીસુ, ફિટનેસ સર્ટિ. હોવા જોઇએ. તેમજ સ્કૂવેન કે રિક્ષા ચાલક પાસે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, સ્કૂલના બાળકોને ભાડેથી લઇ જવા દરેક વાહનની આગળ પાછળ સ્કૂલ, રિક્ષા, સ્કૂલ વેન અવશ્ય લખવું જાેઇએ. તેમજ દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી, અગ્નિશમક સાધનો, સ્કૂલ વેન કે રિક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં, તેમજ બાળકોની સલામતી માટે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોને જરૂરી વિગતવાર સૂચના આપવામાં આવી હતી.


ટેક્સી પાસિંગ-ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી

સ્કૂલ વેન માટે ટેક્સી પાસિંગ ફરજિયાત હોય છે. ઉપરાંત ફિટનેસ સર્ટિફિકેટ માટે સીએનજી સિલિન્ડર ટેસ્ટ, ફાયર એસ્ટીગ્યુશર, સ્કૂલ વેનનો વીમો લેવો જરૂરી છે. કોમર્શિયલ વાહન જાે ૮ વર્ષથી જૂનું હોય તો દર વર્ષે અને ન હોય તો દર બે વર્ષે ફિટનેસ સર્સિટિકેટ લેવાનું હોય છે. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડશે તો વાહન જપ્ત કરાશે.

- જિગર પટેલ, આરટીઓ


વાલીઓએ પણ દસ્તાવેજાે ચકાસવા જાેઇએ

ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વેન કે રિક્ષામાં પરિવહન કરતા બાળકોના વાલીઓને અપીલ કરી હતી કે, પણ પોતાના બાળકોની સલામતીના ભાગરૂપે શાળાએ લાવવા લઇ જવા ટ્રાન્સ્પોર્ટ વર્ગમાં નોંધાયેલા વેલિડ પરમિટ થર્ડપાર્ટી તથા બાળકોનો વેલિડ વીમો, વેલિડ પીયુસ, વેલિડ ફિટનેસ સર્ટિફિકેટ હોય અને કાયદેસર રીતે સ્કૂલ વેન કે રિક્ષાચાલક પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે કે નહીં તેની ચકાસણી કરવી જાેઇએ.


સ્કૂલના આચાર્યો સાથે પણ બેઠક કરી સમજણ અપાશે

ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા, તે જ રીતે શહેરની તમામ સ્કૂલના સત્તાધીશો, પ્રિન્સિપાલની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્કૂલના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે અને તેમને બાળકોની સલામતી માટે શું પગલા લેવા જાેઇએ તેની સમજણ આપવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution