દક્ષિણ ગુજરાતની સુગરમિલો પર ખાનગીકરણની લટકતી તલવાર

સુરત, રાજ્યનો ખાંડ ઉદ્યોગ હાલ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જેનું મુખ્ય કારણ દિન-પ્રતિદિન શેરડીનું ઘટતું જતું વાવેતર, ખેડૂતોને ન મળતા પોષણક્ષમ ભાવ, મજૂરોની સમસ્યા અને સુગરમિલો પર વધતું જતું વ્યાજદરનું ભારણ છે. આ વિકટ પ્રશ્નોને કારણે અનેક સુગરમિલોની હાલત કફોડી બની છે. જેને પગલે હાલમાં જ માંડવી સુગરમિલનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે, ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા આગામી ૧૪મી ડિસેમ્બરે ગણદેવી સુગર ફેક્ટરી ખાતે મળનારી રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની ર્વાષિક સભામાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો શેરડીનું વાવેતર કરી પોતાનું જીવન-ગુજરાન ચલાવે છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે સુગર મિલો કાર્યરત છે. આ સુગરમિલો ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવ આપે છે. પરંતું છેલ્લાં ઘણા સમયથી મોંઘવારીને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને સુગરમિલો પોષણક્ષમ ભાવો ન આપી શકતા ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે. બીજી તરફ, સુગરમિલોના કાર્યક્ષેત્રમાં ઘટતા જતા શેરડીના વાવેતર અને મજૂરોની સમસ્યાને પગલે દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ પણ વિકટ પરિસ્થિતિમાં છે. કોઈ પણ સુગર મિલને ચલાવવી હશે તો દરેક સુગર મિલો પાસે પૂરતો શેરડીનો પોતાનો પુરવઠો હોવો આવશ્યક છે. આથી, કઈ રીતે ખેડૂતો વધુને વધુ શેરડીના વ્યવસાય સાથે સંકળાયેલા રહે અને કઈ રીતે ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવો આપી શકાય એ બાબતે હવે ચિંતન અને આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે. આથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયક દ્વારા ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ના પ્રમુખ ઈશ્વરસિંહ ટી. પટેલને ચર્ચા-વિચારણા કરવા લેખિતમાં રજૂઆત કરાઈ છે. સાથે જ જણાવાયું છે કે, દક્ષિણ ગુજરાતની સુગર મિલો સાથે ૪.૫૦ લાખ ખેડૂત કુટુંબો સંકળાયેલા છે. આ સુગર મિલો આશરે ૪ હજાર કરોડનું ર્વાષિક ટર્નઓવર ધરાવે છે. પરંતુ આજે પણ મજુરોનો મોટો પ્રશ્ન દરેક સુગર મિલોને સતાવી રહ્યો છે. મજૂરોની સમસ્યાને કારણે સમયસર પિલાણ સિઝન શરૂ થઈ શકતી નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મજૂરોની સમસ્યા છે. આ ઉપરાંત બિનમંજૂરીની શેરડીનો મોટો પ્રશ્ન છે. બીજી તરફ વધતા વ્યાજદરને કારણે સુગરમિલો પર વ્યાજ નું ભારણ પડે છે. જે વેઠી શકાય એમ નથી. ત્યારે મજૂરોની સમસ્યા અને બિનમંજૂરીની શેરડીના પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. હાલમાં જ માંડવી સુગરનું ખાનગીકરણ થયું છે, જેને પગલે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ત્યારે માંડવી સુગર પણ સહકારી ધોરણે ફરી કાર્યરત થાય એ દિશામાં આગળ વધવું જોઈએ. તેમજ આગામી તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ, ગણદેવી સુગર ફેકટરીના પટાંગણમાં રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની ર્વાષિક સભા યોજાનાર છે ત્યારે આ સભામાં માંડવી સુગરના ખાનગીકરણ બાબતે સંઘ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે. તેમજ બિન મંજૂરીની શેરડીનો પ્રશ્ન અને મજૂરોની સમસ્યા બાબતે ચોક્કસ નીતિ ઘડવામાં આવે તો શેરડીનો પુરવઠો અને મજુર બંને ની સમસ્યાનો નિકાલ આવી શકે એમ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution