સુરત-
ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઇ ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થઇ છે. મંગળવારે દિવસભર ઉકાઇ ડેમમાં 36 હજાર ક્યુસેકથી લઇ 53 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા સપાટી 341 ફૂટને પાર થઇ ગઇ છે. એક જ દિવસમાં ડેમની સપાટીમાં 0.70 ફૂટનો વધારો થયો છે. મોડીરાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 341.20 ફૂટ નોંધાઇ છે. હાલની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી 1.20 ફૂટ ઉપર છે. જો કે, આગામી દિવસમાં ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા ન હોવાથી ડિસ્ચાર્જ 1100 ક્યુસેક યથાવત રાખવામાં આવ્યો છે. વિતેલા 24 કલાકમાં 21 રેઇન ગેજસ્ટેશનમાં કુલ 117 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમની સપાટી 213.190 મીટર જ્યારે ડિસ્ચાર્જ 20723 ક્યુસેક છે. હાલમાં ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી 4 ફૂટ અને હથનુર ડેમ માત્ર 1 મીટર જ દૂર છે. હવે ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી સત્તાધીશોએ ડેમ સંપૂર્ણ ભરવા કવાયત હાથ ધરી છે.