તંત્રીલેખ |
છેલ્લાં ઘણા સમયથી કેન્દ્ર સરકાર પર વિપક્ષો દ્વારા ઈડીનો દુરૂપયોગ કરાતો હોવાના આક્ષેપો થઈ રહ્યાં હતાં. એક પછી એક વિપક્ષી નેતાઓના ઘર પર ઈડીના દરોડા પડવાના કારણે ભારે ઉહાપોહ મચી ગયો હતો. પરંતુ હવે એમ લાગે છે કે ઈડી આ રીતે સખ્તાઈથી કામ નહીં કરી શકે. ઈડી હવે પીએમએએલ હેઠળ આરોપીઓની સીધી ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે ધરપકડ કરવાની તેની સત્તામાં ઘટાડો કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફરિયાદની નોંધ લીધા પછી ધરપકડ કરી શકે નહીં. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જાે ઈડી પીએમએએલ હેઠળ ધરપકડ કરવા માંગે છે, તો તેણે વિશેષ કોર્ટનો સંપર્ક કરવો પડશે અને તેને જણાવવું પડશે કે તે આરોપીને કસ્ટડીમાં લેવા માંગે છે. એટલે કે ધરપકડ કરતા પહેલા ઈડીએ કોર્ટની મંજૂરી લેવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુનાની સંજ્ઞાન લીધા પછી, ઈડી અને તેના અધિકારીઓ કલમ ૧૯ હેઠળ આરોપીઓની ધરપકડ કરવા માટે સત્તાનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. પીએમએએલની કલમ ૧૯ ઈડીના અધિકારીઓને તેના કબજામાં રહેલી સામગ્રી અને તે વ્યક્તિ દોષિત હોવાની માન્યતાના આધારે વ્યક્તિની ધરપકડ કરવાની મંજૂરી આપે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં સુધી ઈડી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ આરોપીની ધરપકડ કરી શકાતી નથી. આવા કેસમાં ધરપકડ માટે કાર્યવાહી કરવી જાેઈએ. કોર્ટે કહ્યું કે સ્પેશિયલ કોર્ટે પહેલા સમન્સ જારી કરવું જાેઈએ અને જાે આરોપી તે સમન્સનો યોગ્ય રીતે જવાબ આપે છે તો ‘અટકાયત’ યોગ્ય માની શકાય નહીં. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભયાનની ખંડપીઠે સ્પષ્ટપણે કહ્યું કે, જાે ઈડી કોઈ આરોપીની કસ્ટડી ઈચ્છે છે તો તેણે વિશેષ કોર્ટમાં અરજી કરવી પડશે. જાે કોર્ટને લાગે કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે તો પરવાનગી આપવામાં આવશે.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, જાે કે, જ્યારે ઈડી એ જ ગુનાના સંદર્ભમાં વધુ તપાસ કરવા ઈચ્છે છે, ત્યારે તે એવી વ્યક્તિની ધરપકડ કરી શકે છે જે પહેલાથી દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિશેષ અદાલતો એવા કેસમાં પણ હાજર રહેવામાંથી મુક્તિ આપી શકે છે જ્યાં આરોપી પૂરતું કારણ આપે. બેન્ચે કહ્યું, જાે આરોપી હાજર ન થાય તો વિશેષ અદાલત સીઆરપીસીની કલમ ૭૦ મુજબ વોરંટ જારી કરી શકે છે. વિશેષ અદાલતે પહેલા જામીનપાત્ર વોરંટ જારી કરવાનું રહેશે. જાે જામીનપાત્ર વોરંટનો અમલ કરવો શક્ય ન હોય તો બિનજામીનપાત્ર વોરંટનો આશરો લઈ શકાય છે.
તાજેતરમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા એવી રણનીતિ અપનાવવામાં આવી છે કે અન્ય પક્ષોના કદાવર નેતાઓને યેનકેન પ્રકારેણ ભાજપમાં લઈ લેવા, જેથી વિપક્ષો નબળા પડી જાય. ભાજપે આ રણનીતિનો આક્રમક રીતે અમલ કરવાનું શરૂ કર્યુ, અને સામ,દામ,દંડ, ભેદ એ તમામ નીતિ અપનાવી વિપક્ષી નેતાઓને પોતાના પક્ષમાં લેવા માંડ્યા છે. વિપક્ષોનો એવો આક્ષેપ છે કે જે નેતાઓ શરણે આવતા નથી તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે જેથી એક દબાણ ઉભું થાય. આ બાબતે વિપક્ષોએ કોર્ટનો આશરો પણ લીધો છે. સુપ્રિમ કોર્ટનો તાજેતરનો આ ચુકાદો ઈડીની સ્વતંત્રતા પર કાપ મુકે છે. તેના કારણે જાે ઈડીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થતો હશે તો તેના પર પણ લગામ આવશે.