શેરી

શેરમાં ન સચવાતા દૂધીમાને એનો દીકરો ગામડે મૂકી ગયો હતો. ઘણા વર્ષો પછી એ ગામડે આવ્યા હતાં. એણે ઘર આગળ પડતી શેરીમાં ડોકિયું કર્યું. ઘરડી આંખોએ ઘણી મહેનત કરી જાેઈ પણ કશું દેખાયું નહીં. જેનાથી શેરી ગુંજતી એ અવાજાે જેવા કે, જીતલાના, જગાના, ભાવલાના, રમલીના. એવા કંઈ કેટલાય છોકરાઉંના અવાજાે એને કાને અથડાતા હોય એવું લાગ્યું. શેરી તરફ એણે કાન માંડ્યાં પણ કશો અવાજ સંભળાયો નહીં. હાંફ સિવાય. મન માનવા તૈયાર નો’તું થાતું. પોતાની જાતને કહ્યું, “જાે..સાંભળ! પકડ.. પકડ...એમ બૂમો પડે છે.’’

પોતાની અંદર બેઠેલી દૂધી બોલી, “ત્યાં વળી કેવું કોઈ? એ અવાજ તો બીજે ત્યાંકથી આવે છે.!!”

“તું સરખું જાે તો ખરા! શેરીમાં છોકરાઉં રમે છે ત્યાંથી જ અવાજ આવે છે.”

અંદરની દૂધી ફરી બોલી, “શેરી તો ખાલીખમ પડી છે. તું જ જાતે શેરીમાં જઈને જાેયાવ ને! એટલે તને શાંતિ થઈ જાય.’’ બહારની અને પોતાની અંદર બેઠેલી દૂધી દ્વંદ્વયુધ્ધે ચડી.

અંદર બેઠેલી દૂધીને પરાજિત કરવા દૂધીમા લાકડીનો ટેકો લઈને શેરીમાં દાખલ થયા. પોતાની ક્ષિણ થયેલી નજરે શેરી આખીમાં હવાતિયાં માર્યા પણ શેરી તો ખાલીખમ! પોતાની જેમ હાંફી રહી હતી. ડગુમગુ પગે લાકડીના સહારે એ શેરીમાં આગળ વધ્યા. કાદવ ભરેલા ખાડામાં પગ પડતાં એ પડતા પડતા માંડ બચ્યા. જાતને સંભાળી થોડાક આગળ વધી જ્યાં છોકરાઉં ગીલીદંડા રમતાં હતાં તે જગ્યાએ આવીને ઊભા પણ એ જગ્યાએ તો કાદવ-કીચડે સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. બાકીના વધ્યાં-ઘટ્યાં ભાગમાં ચોમાસી ઘાસ ઉગી નીકળ્યું હતું. શેરી સાવ ઉજ્જડ બની ગઈ હતી. કોઈ એની સંભાળ લેતું નહોતું.

જે છોકરાઉંની બૂમો એને સંભળાતી હતી એ તો કોઈ નવા સ્થળેથી જ આવતી હતી. એ જાેઈને દૂધીમા નિરાશ થઈ ગયા, ને આક્રંદ કરતા બોલ્યા, “તું બુઢી થઈ ગઈ છે મારી જેમ, હવે તને કોઈ ન સંઘરે. બસ હવે પડી રે મારી જેમ એકલી.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution