પારસીઓના સંઘર્ષની કથાઃ શ્રીજી ઈરાનશાહનો ગરબો

  સાહિત્યમાં કાવ્ય વડે કથા રજૂ કરતાં અનેક પદ્યો જાેવા મળે છે. રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોમાં તો યુગોનું વર્ણન કરાયું છે. આવા ઐતિહાસિક બનાવોનું વર્ણન કરતાં કાવ્યોને 'પવાડો’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી તથા મરાઠી સાહિત્યમાં આવાં અનેક કાવ્યો રચાયાં છે.

     અહીં એક એવાં જ પવાડો પ્રકારના કાવ્યની વાત કરવાની છે કે જેમાં પારસીઓના ભારત આગમન સમયના સમગ્ર ઈતિહાસનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આપણાં ગુજરાતી સાહિત્યના જાણીતા સમર્થ સર્જક અરદેશરજી ખબરદારે ઈ.સ.૧૯૪રમાં લખેલાં આ પ્રકારના કાવ્યમાં પારસી સમાજે પોતાનું વતન છોડયું એ પછી ગુજરાતમાં ઠરીઠામ થયા એ સમયના ઈતિહાસનું કાવ્યાત્મક શૈલીમાં સુંદર વર્ણન કર્યુ છે.

     'શ્રીજી ઈરાનશાહનો ગરબો’ એ શિર્ષક હેઠળ લખાયેલું આ પવાડો પ્રકારનું કાવ્ય કુલ એકાણું પદ ધરાવે છે. ઈરાનશાહના પવિત્ર અગ્નિને ગુજરાતના ઉદવાડામાં સ્થિર કર્યા એ પ્રસંગને ર૦૦ વર્ષ ઈ.સ.૧૯૪રમાં થયાં એ સમયે ઉદવાડામાં મોટો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ પ્રસંગે અરદેશરજી ખબરદારે આ પવાડો કાવ્યની રચના કરી હતી. જેમાં પારસી સમાજે પોતાનું વતન ઈરાન છોડયું અને ગુજરાતમાં સ્થિર થયા એ સમય સુધી કેટકેટલી મુશ્કેલીઓ સહન કરવી પડી, કયાં કેવો આવકાર મળ્યો, ઈરાનથી લાવેલા પવિત્ર અગ્નિને પ્રજ્જવલિત રાખવા કેવા પ્રયાસો કરવા પડયા તે તમામનું વર્ણન કરવામાં આવ્યું છે.

     કાવ્યની વાત માંડીએ એ પહેલા પારસીઓના ભારત આગમનની ટુંકી વાત કરીએ.ભારત અને ખાસ કરીને ગુજરાતી પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી સવાઈ ગુજરાતી બની ગયેલી પારસી પ્રજા ભારતમાં જ્યાં જ્યાં સ્થાયી થઈ ત્યાં ત્યાં પોતાના આરાધ્ય અગ્નિદેવના મંદિર પારસી અગિયારીની સ્થાપના કરી છે. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસથી વાજ આવીને આજથી આશરે ૧૩પ૩ વર્ષ અગાઉ આ ભોળી, સાલસ અને નિખાલસ પ્રજાએ ગુજરાતની વાટ પકડી. ભારતમાં સૌ પ્રથમ દીવ બંદરે ઈ.સ. ૭૬૬માં ઉતર્યા હોવાનું મનાય છે આ પછી પોર્ટુગીઝોની પરેશાનીની કંટાળી ગુજરાતમાં સંજાણ બંદરે ઈ.સ. ૭૮પમાં આવ્યા અને એ પછી ગુજરાતમાં ઠરીઠામ થયા.

          પારસીઓ ઈરાનથી પોતાની સાથે પોતાના આરાધ્ય દેવ અગ્નિદેવ લઈને આવ્યા હતા અને તેની સ્થાપના ગુજરાતમાં ઉદવાડામાં કરી જેને આતશ બહેરામ કહેવામાં આવે છે તેને તેઓ 'ઈરાનના રાજા’ તરીકે પણ ઓળખે છે.

ઉદવાડામાં બનાવાયેલું પ્રવર્તમાન અગ્નિમંદિર ઈ.સ. ૧૭૪રમાં મુંબઈના દિનશા દોરભજી મિસ્ત્રીએ નિર્માણ કર્યુ છે. વિશાળ એવા આ મંદિરમાં દસ્તુરજી કોઆજી મિર્ઝા હોલ અને નાનું સંગ્રહાલય પણ છે.

     'શ્રીજી ઈરાનશાહનો ગરબો’ એ શિર્ષકથી લખાયેલાં આ કાવ્યનો આરંભ અરદેશરજીએ 'જુગ જુગ તપો રે ઈરાનશાહ ,જુગ જુગમાં તમારું જ તેજ ઝળો સદા એજ’ એ પંકિતથી કર્યો છે. કાવ્યની આરંભની છ પંકિતઓમાં પારસીઓના પવિત્ર અગ્નિ ઈરાનશાહ અર્થાત ઈરાનના રાજાની પ્રશસ્તિ કરવામાં આવી છે. અને એ અગ્નિની નિશ્રામાં જ આ સમાજનું શ્રેય છે એ પ્રકારનો ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સમગ્ર કાવ્ય પવિત્ર અગ્નિ યાને ઈરાનશાહને સંબોધીને જ લખવામાં આવ્યું છે.

                      છોડયું વહાલામાં વહાલું વતન અમે,

                      છોડયું બહેરત સમું તે ઈરાન, તજ્યાં ખાનપાનઃ

     ઈચ્છા હો દાદારની

  એક અહુરામઝદાની સગાઈ જે,

                        કેમ છોડીએ તે છોડી ધર્મ, ડૂબે સૌ મર્મઃ

                        ઈચ્છા હો દાદારની

  પ્રાણથીય પ્યારો છે ધર્મ એ,

                        એને માટે આપીએ પ્રાણ, બીજું શું પ્રમાણઃ

     ઈચ્છા હો દાદારની

        તેમણે ઈરાન છોડયા બાદ કયાં સ્થિર થયા, કેવી મુશ્કેલી સહન કરી તેનું પણ વર્ણન કરાયું છે. પ્રાણથીય પ્યારો ધર્મ સંકટમાં આવતાં તેના માટે જાન ન્યોછાવર કરવાની તમન્ના દિલમાં રાખી ભારે હદયે વતન ઈરાન છોડયું, તેનાં ખાનપાન છોડયાં. પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો તેમ જ ઈરાનશાહના પવિત્ર અગ્નિને સાથે રાખ્યો.

 કાવ્યમાં વર્ણન કરાયા મુજબ ઈરાન છોડી સૌ પ્રથમ તેઓ કોહિસ્તાનમાં વસે છે, જ્યાં અનેક પ્રકારના દુઃખ સહન કરતાં ત્યાં ઠરીઠામ થઈ નહીં શકાય એવું જણાતાં હોરમઝદનામના શહેરમાં વસે છે. ત્યાં પણ થોડાં વર્ષ રહ્યા પછી એ જ દુઃખનો સામનો કરવાનો આવતાં એ ભૂમિને પણ સલામ કરી આગળ વધે છે અને હિંદની ભૂમિ યાદ આવતાં ત્યાં જવાનું પસંદ કરે છે તેની વાત આ કાવ્યમાં કંઈક આ રીતે કરવામાં આવી છે.

   અમે યાદ કીધી હિંદ ભૂમિને,

  અમ ઈરાનની વહાલી બહેન, ત્યાં ઠેરવ્યાં નેન ઃ

       ઈચ્છા હો દાદારની

         ઈરાનથી મધદરિયે વહાણમાં સવાર થઈ હિંદની વાટ પકડી શરુ થયેલી સફર દીવના કાંઠે થોભે છે અને દીવમાં આશરો મેળવે છે. ત્યાં પણ પોર્ટુગીઝોના ત્રાસથી દીવ છોડવાનું મુનાસીબ માન્યું અને ફરી નવા આશરાની શોધમાં દરિયાઈ સફરનો આરંભ થયો.

    તેમના કાફલાને મધદરિયે ભયાનક તોફાનનો સામનો કરવો પડયો, વહાણો હાલકડોલક થવા લાગ્યા, શઢ પીંખાઈ ગયા. આમ છતાં જેની રક્ષા માટે વતન, ઘરબાર છોડયાં છે; એ પવિત્ર અગ્નિ જ તેમને આ મુસીબતમાંથી બહાર લાવશે એવી અપાર શ્રદ્ધાના બળે તોફાન શાંત થવાની પ્રાર્થના સાથે હિંમત હાર્યા વગર સૌએ પ્રવાસ જાળવી રાખ્યો.

સુખરુપ કાંઠે પહોંચી પવિત્ર અગ્નિને સલામત રાખવાની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ દરિયામાંનું તોફાન શાંત થઈ ગયું અને તેમની સફર હિંદના ગુજરાતના સંજાણ બંદરે આવીને થંભે છે. એ સમયે સંજાણમાં જાદીરાણાનું શાસન હતું. પારસીઓએ સંજાણમાં આશરો મેળવવા રાણાની મદદ માંગી અને દૂધમાં સાકરની જમે ભળી જવાની ખાતરી આપી આશરો મેળવ્યો એ વાત ઈતિહાસમાં જાણિતી છે.

મુસ્લિમ રાજા અહમદ બાદશાહે સંજાણ પણ ચડાઈ કરી એ સમયે સંજાણના રાજવીએ જરથોસ્તીઓની મદદ માંગતા સુખદુઃખમાં સાથે રહેવાના આપેલા આપેલા વચનનું પાલન કરતાં પારસી સમાજના ચૌદસો યોદ્ધાઓ રાણાની મદદ માટે તૈયાર થયા. પરંતુ બાદશાહના વિરાટ સૈન્ય સામે રાણાનું તથા પારસીઓનું લશ્કર લાંબો સમય ટકી શક્યું નહીં અને યુદ્ધમાં રાણાની હાર થતાં અન્યોની સાથે પારસીઓને પણ સંજાણ છોડી નાસવાનો વખત આવ્યો. કાવ્યમાં કહેવામાં આવ્યું છે એ મુજબ પોતાના પવિત્ર અગ્નિને સાથે લઈ સંજાણ છોડયા પછી સતત બાર વર્ષ આ સમાજ ભટકતો રહ્યો અને અગ્નિની સુરક્ષા માટે એક પર્વતની ગુફામાં અગ્નિને સ્થાપિત કરી તેની પૂજા અર્ચના કરતો હતો. અહીં એ નોંધવા જેવી વાત એ છે કે આ સમાજે પોતે ગમે તેટલાં કષ્ટ સહન કરીને પણ પવિત્ર અગ્નિની સુરક્ષા પોતાના જાનથી પણ વધારે કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution