‘મહારાજ’ના જદુનાથજી મહારાજ જયદીપની કહાની પણ સ્ટ્રગલથી ભરપૂર

લેખકઃ ખ્યાતિ શાહ | 

વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથજી મહારાજ આજકાલ ઘણા ચર્ચામાં છે. ઓટીટી પર રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ મહારાજમાં જદુનાથજી મહારાજનું પાત્ર ઘણું દિલચસ્પ છે. પછી ભલેને આમિર ખાનના પુત્રને લોન્ચ કરવા ફિલ્મ બનાવી હોય, પરંતુ મુખ્ય ભૂમિકા તો મહારાજની જ છે. મહારાજની ભૂમિકા ભજવનાર એક્ટર જયદીપ અહલાવતનો એક સમય એવો પણ હતો કે, જ્યારે તેમની પાસે બિલકુલ કામ નહોતું, પરંતુ આજે એમની પાસે બે વર્ષ સુધી નવી ફિલ્મ માટે તારીખ નથી.

જયદીપ અહલાવતનો જન્મ હરિયાણાના રોહતકના મહેમ નામના ગામમાં થયો હતો. રોહતકની જાટ કોલેજમાં સ્નાતક થયા પછી ૨૦૦૫માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએ કર્યું. ૨૦૦૮માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. જેમાં તેમની સાથે રાજકુમાર રાવ, વિજય વર્મા અને સની હિન્દુજા જેવા અભિનેતા હતા.

નાની ઉંમરે થિયેટર કર્યુ હોવા છતાં જયદીપને ભારતીય આર્મી ઓફિસર બનવાની ઈચ્છા હતી. પરંતુ આર્મીની પરીક્ષા પાસ કરવામાં અસફળ થતાં તેમણે એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું. શરૂઆતમાં પંજાબ અને હરિયાણામાં સ્ટેજ શો કર્યા. અભિનયમાં સ્નાતક થયા પછી અભિનયની દુનિયામાં કોઈપણ ગોડફાધર વિના જ પ્રવેશ કર્યો. જેના માટે તેઓ ફિલ્મ નગરી મુંબઈ ગયા અને બોલિવૂડમાં કરિઅર શરૂ કર્યું હતું.

૨૦૧૦માં નકારાત્મક પાત્રના રૂપમાં પ્રિયદર્શનની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’થી કરિઅરની શરૂઆત થઇ. ત્યારબાદ ૨૦૧૨માં અનુરાગ કશ્યપની ‘ગેંગ ઓફ વાસેપુર’ ફિલ્મથી જયદીપના જીવનમાં નવો વળાંક આવ્યો. એમ કહેવાય કે, ‘ગેંગ ઓફ વાસેપુર’ ફિલ્મથી જ જયદીપને એક નવી ઓળખ મળી. આમ જયદીપે એક પછી એક ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા અને લોકપ્રિયતા મળતી ગઈ.

જીવનમાં સંઘર્ષ વિના કશું જ મળતું નથી. જયદીપને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની લોકપ્રિયતા મેળવવા ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ૧૫ વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહેલા જયદીપના જીવનની સફર યુવા વર્ગને ઘણી પ્રભાવિત કરે એવી છે. જયદીપને રઈશ અને રાઝીના અભિનયથી ઘણી ઓળખ મળી. ૨૦૨૦માં ફિલ્મ ફેર ઓટીટી એવોર્ડ જીતી ‘પાતાળ લોક’માં પોલીસ અધિકારીના અભિનય બદલ ઘણી પ્રશંસા મળી. ૨૦૨૨માં એન એકશન હીરો ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ફિલ્મ ફેર પુરસ્કાર માટે તેમને નામાંકન પણ મળ્યું હતું.

જયદીપના જીવનમાં એવો પણ સમય હતો જેમાં તેઓ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા કોઈ પણ રૂપિયા લીધા વગર કામ કર્યું હતું. આજે એ જ જયદીપ અહલાવત એક ફિલ્મના રૂ.૨૦ કરોડ ફી લે છે. પાતાળ લોકની પહેલી સિઝન કરતા બીજી સીઝનમાં જયદીપ અહલાવતને ૫૦ ગણું વધારે વેતન મળ્યું હતું. જે તેમના માટે એક મોટી સફળતા હતી. છતાં તેમના સંઘર્ષ ભરી સફળતાથી જયદીપ સંતુષ્ટ નથી. પણ હા, તેઓ સુકૂન જરૂર મહેસૂસ કરે છે. તેમને એ વાતનો સંતોષ છે કે લોકો હવે તેમને અભિનેતા તરીકે જાેવા માગે છે. હજી પણ તેઓ એમ જ માને છે કે, આ તો હજી શરૂઆત છે, આગળ ઘણું મેળવવાનું બાકી છે.

સ્ટ્રગલિંગના દિવસો યાદ કરતા જયદીપ કહેતા કે, ઓડિશન પર ઓડિશન આપતો જ રહ્યો, પરંતુ એના પરથી શીખવા પણ એટલું જ મળતું હતું. બીજા અભિનેતા પાસે કામ છે, એવું સાંભળતા પોતાની પાસે કામ નથી તેનો અફસોસ પણ એટલો જ થતો. હવે, એવો સમય આવી ગયો છે કે, કામથી વીસેક દિવસ આરામ લઈ ક્યાંક ફરવા જતા રહેવાની ઈચ્છા થાય છે.

૨૦૨૪માં આવેલ વિવાદાસ્પદ ફિલ્મ મહારાજની વાત કરીએ તો જયદીપ અહલાવતને હવેલીના રાજાની ભૂમિકા ભજવવા માટે માત્ર પાંચ મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડવું પડ્યું હતું. મહારાજ ફિલ્મના બે તરફથી રિવ્યૂસ આવી રહ્યા છે. પરંતુ મહારાજની ભૂમિકા ભજવનાર જયદીપને ઘણા પોઝિટિવ રિવ્યૂ જ મળ્યા હતા. મહારાજ ફિલ્મ જેટલી વિવાદાસ્પદ રહી છે એટલી જ જયદીપને તેના અભિનય બદલ ખ્યાતિ મળી છે. જયદીપ અહલાવતનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાને અભિનેતા બનાવનાર રાઇટર્સ છે જેથી તેમને પણ તેટલું જ મહત્વ આપવું જાેઈએ.

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, નેપોટિઝમ પર પોતાના મંતવ્ય રજૂ કરતા જયદીપે કહ્યું છે કે, નેપોટિઝમથી કારકિર્દીને કોઈ અસર થતી નથી. પોતાની આવડત અને અભિનયથી તમે સફળ કારકિર્દી બનાવી જ શકો છો. રણવીર કપૂર અને વરુણ ધવન સ્ટાર કીડ છે એટલે સારા એક્ટર છે એમ નથી. જાે એ જાતે જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોત તો પણ સારા એક્ટર જ હોત. હું બીજાે રણબીર કપૂર નથી, હું પહેલો જયદીપ અહલાવત જ છું.

  

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution