સંત તુલસીદાસજી મહારાજ કહે છે -
‘તુલસી મીઠે બચન તે, સુખ ઉપજત ચહું ઓર,
બસીકરણ યહ મંત્ર હૈ, પરિહરુ બચન કઠોર.’
મીઠાં વચનોથી સર્વને સુખ થાય છે. મધુર વચન વશીકરણ મંત્ર છે. આ સરળ મંત્રનું વ્યવહારક્ષેત્રમાં અનુષ્ઠાન કરવાથી સર્વત્ર સુખ, સમૃદ્ધિ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તદવત્ કઠોર વચનોનું સેવન કરવાથી સર્વત્ર દુઃખ, દરિદ્રતા અને અપમાનની પ્રાપ્તિ થાય છે. અતઃ કઠોર વચનોનો પરિત્યાગ જ ઈષ્ટ છે.
ઉચિત સમયે થોડીક ક્ષણોનું મૌન પણ કેટલું લાભપ્રદ હોય છે તેનું દૃષ્ટાંત જાેઈએ.
ચનુમલ એક મહાનગરમાં દરિદ્રોની વસતીમાં નિવાસ કરતો હતો. બાલ્યાવસ્થામાં જ તેનાં માતા-પિતા અવસાન પામ્યાં હતાં. સઘળાંએ તેને દયા કરી ઉછેર્યો હતો. હવે તે બાળક મટી યુવાન બન્યો હતો. મજૂરી કરીને પોતાનો નિર્વાહ ઉત્તમ રીતે કરી લેતો હતો. તે સ્વભાવે પ્રેમાળ, સેવાભાવી, વિનમ્ર, સહનશીલ અને પ્રામાણિક હતો. આ કારણે તેને સઘળા ચાહતા હતા. મજૂરી કરીને તેણે થોડુંક ધન બચાવ્યું હતું. તેના દ્વારા તેણે નાનકડી દુકાન માંડી. પ્રામાણિકતાના કારણે તે થોડા સમયમાં જ મોટી બની ગઈ. આમ ચનુમલ મજૂરમાંથી નાનકડો વ્યાપારી બની ગયો. તેનો વ્યાપાર શેકેલા ચણા વેચવાનો હતો.
સુખી થયા પછી તેણે લગ્ન પણ કર્યાં હતાં અને તેને ત્રણ સંતાનો પણ હતાં. તે જે મહાનગરમાં નિવાસ કરતો હતો તેના એક વિભાગમાં પ્રત્યેક રવિવારે બજાર ભરાતું હતું. તે ત્યાં શેકેલા ચણાની થપ્પી મારીને બેસતો હતો. સારું વેચાણ થતું હતું.
એક રવિવારે તે ગાડામાં ચણાની ગૂણો ભરીને બજારમાં જઈ રહ્યો હતો. વચમાં બીજાં બજારો પણ આવતાં હતાં. તેમાં ઘણી ભીડ હતી. તે ગાડું ધીમેધીમે હાંકતો હતો અને કોઈ અથડાઈ ન પડે તે માટે મોટેથી સતત બોલ્યા કરતો હતો - ચાલજાે ભાઈ! દૂર રહેજાે, બાજુએ હટજાે.
એક સ્થળે ચાર માર્ગો ભેગા થતા હતા. ભીષણ ભીડ હતી. તે બૂમો પાડતો આગળ વધી રહ્યો હતો ત્યાં અચાનક એક બાળક દોડતો આવી ગાડાનાં પૈડા નીચે કચડાઇ ગયો અને તરત જ મરણ પામ્યો. ઘણા મનુષ્યો એકત્ર થઇ ગયાં. થોડીવારમાં જમાદાર આવી પહોંચ્યા અને ચનુમલને પકડીને થાણે લઈ ગયા. તેના પર અભિયોગ (કેસ) દાખલ કરવામાં આવ્યો. ન્યાયાલયે ન્યાય તોળવા ચોક્કસ તારીખની જાહેરાત કરી, ચનુમલને જામીન પર છોડવામાં આવ્યો.
ત્યાર પછીના ત્રીજા રવિવારે ચનુમલ બજારમાં ચણાની હાટડી માંડી બેઠો હતો. આવતીકાલે ન્યાયનો દિવસ હોવાથી તેનું મુખ ઉદાસ હતું. ત્યાં અચાનક એક પરિચિત સંન્યાસી આવી ચઢ્યા. આ સંન્યાસી ક્યારેક ચનુમલની દુકાને આવતા ત્યારે તે તેમને ચણાની ભિક્ષા આપતો.
સંન્યાસી વિરકત અને પ્રભાવશાળી હતા. ચનુમલ સંત પ્રત્યે આદર ધરાવતો હતો. ભિક્ષા લીધા પછી તેમણે તેના મુખ સામે જાેઈ કહ્યું, ‘ભાઈ, આજે તું ઉદાસ કેમ દેખાય છે?
તેની આંખોમાંથી ટપટપ આંસુ ઝરવા લાગ્યાં. થોડી ક્ષણો બાદ તે સ્વસ્થ બન્યો અને ગાડાના અકસ્માતની તથા આવતી કાલે તોળાનાર ન્યાયની તેણે વાત કરી. મહાત્માએ બે-ચાર પ્રશ્નો પૂછી ઉત્તરો મેળવી કહ્યું, ‘હું કહું તેમ તું કરીશ તો પરમાત્મા તને બચાવી લેશે.”
ચનુમલે તેમ કરવાનું વચન આપતાં મહાત્માએ કહ્યું, ‘આવતી કાલે જ્યારે તને વિરુદ્ધ પક્ષનો વકીલ પ્રશ્નો પૂછે ત્યારે મૌન પાળી હરિસ્મરણ કર્યા કરજે. એક પણ અક્ષર ઉચ્ચારીશ નહીં. પરમાત્મા તારું કલ્યાણ કરે, બચ્ચા!” કહી મહાત્માજી વિદાય થયા.
બીજે દિવસે ન્યાયાલયમાં કાર્યવાહી શરૂ થઈ. આરંભમાં જે સ્ત્રીનો બાળક ગાડા નીચે કચડાઈને મૃત્યુ પામ્યો હતો તેના મુખે અકસ્માતની ઘટના કેવી રીતે બની તે સાંભળી લેવામાં આવી. તે પછી તેના વકીલે ચનુમલને પ્રશ્નો પૂછવા માંડ્યા, પરંતુ તે મહાત્માજીની સલાહ મુજબ મૂક રહી નામસ્મરણ કરતો રહ્યો. વારંવાર પ્રશ્નો પૂછવા છતાં પણ ચનુમલ એકે અક્ષર ન બોલ્યો ત્યારે પેલી સ્ત્રીથી તેનું મૌન સહન ન થયું. તે ક્રોધે ભરાઈ ઊભી થઈ વચમાં જ બોલી પડી- જ્યારે તું બજારમાંથી ગાડું લઈને જતો હતો ત્યારે તો તારા મુખમાં લાંબી જીભ હતી અને તું કાન ફુટી જાય તેટલી મોટી બૂમો આઘા ખસો... આઘા ખસો... પાડતો હતો અને હવે અહીં કેમ મુંગો થઈ ગયો છે? બોલતો કેમ નથી?
ચનુમલના વકીલે આ મુદ્દાને તરત જ પકડી લીધો. તેણે ઊભા થઈને તેને પૂછ્યું, “જ્યારે ચનુમલ ભીડમાંથી પસાર થતી વેળાએ કાન ફૂટી જાય તેટલા મોટા સ્વરે ‘આઘા ખસો’ની બૂમો પાડતો હતો ત્યારે તમે તમારા પુત્રને પકડી કેમ ન લીધો? તેને દોડતો અટકાવ્યો કેમ નહીં?'
તે ઉત્તર ના આપી શકી.
ન્યાયાધીશે સંપૂર્ણ વૃત્તાંત સાંભળી ચનુમલને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો.
ચનુમલે માત્ર થોડી ક્ષણો પૂરતું મૌન પાળ્યું હતું તથાપિ તે ઉચિત સમયે હતું તેથી તેને શ્રેષ્ઠ લાભ થયો હતો અને વિપક્ષી બહેને માત્ર થોડીક ક્ષણો વાચાળતા બતાવી હતી તથાપિ તે અનુચિત સમયે હોવાથી તેને હાનિ ભોગવવી પડી હતી. ખરેખર, મૌન એક અત્યુપયોગી શસ્ત્ર છે. તેનામાં સંરક્ષણ કરવાનું અદભુત સામર્થ્ય છે. જે મૌન પાળે છે તેનાં ઘણાં દુઃખો ઓછાં થઈ જાય છે અને જે વાચાળતા સેવે છે તેનાં ઘણાં દુઃખો વધી જાય છે.