વાર્તા મોબત ખપે ટી સેન્ટરની

   તાજેતરમાં ચુંટણીઓ પૂરી થઈ. એમાં રાહુલ ગાંધીની 'મહોબ્બત કી દુકાન’ ખૂબ ચર્ચામાં રહી. સત્તા પક્ષને એ દુકાન આંખમાં કણાની માફક ખૂંચી તો વિપક્ષને એ ખૂબ વહાલી લાગી. એ દુકાન ખૂબ ચર્ચામાં રહી. આજે હું એક ચાની દુકાનની વાત કરવાનો છું જેની સાથે મહોબ્બત જાેડાયેલી છે.અને એ છે સૌરાષ્ટ્રના એક નાના નગરમાં આવેલું 'મોબત ખપે ટી સેન્ટર’.

  સાળંગપુરથી અમરેલી જતાં રસ્તામાં આવ્યું ઢસા. મેઘાણીસાહેબની લોકકથાઓમાં અથવા તો ધ્રુવ ભટ્ટની કોઈ નવલકથામાં અથવા ધર્મેન્દ્ર ત્રિવેદી ધ.ત્રી.ના લેખમાં, કોઈક જગ્યાએ ઢસા જંક્શનનો ઉલ્લેખ યાદ આવ્યો. વિવિધ દિશામાં લઈ જતા એકથી વધુ રેલપથ અહીં મળે છે એટલે આ રેલમથક જંક્શન ગણાય છે.

  નવલકથા કે વાર્તા વાંચીએ અને ક્યારેક એના કેન્દ્રમાં રહેલા સાવ અજાણ્યા ગામમાં, સાવ અચાનક, પહેલીવાર જવાનું થાય તો એ જગ્યા બૌ જાણિતી લાગે, લાંબી ઓળખાણવાળી જગ્યા હોય એવું લાગે. આ મારી અનુભુતિ છ.ે એની સાથે સંમત થવું ફરજિયાત નથી.

  ઢસાના વ્યસ્ત બસ સ્ટેન્ડ ચાર રસ્તે એક ચાની કીટલી છે જે 'બાપુ’ની કીટલી તરીકે જાણીતી છે.મારા વેવાઇ નીતિનભાઇનો આગ્રહ હતો કે બાપુની ચા તો અહીથી પસાર થતી વખતે પીવી જ પડે.

   રગડા જેવી,લગભગ આખા દૂધની ચા બાપુ પીવડાવે. અને કાચ કે પ્લાસ્ટિકના કપમાં નહીં, કિટલીમાંથી સીધી રકાબીમાં ચા પીરસાય. આ પણ નવું લાગ્યું. પ્રદેશે પ્રદેશે ધંધાની રસમો જુદી હોય એટલે એકવિધતા ટળે અને વિવિધતા લાગે. જાે કે બાપુ કાચના ગ્લાસ રાખે છે એટલે સુધરેલા ગ્રાહક માંગે તો ગ્લાસમાં ચા આપે. બાકી એક રકાબી ચા એટલે એક અર્ધી કે કટિંગ ચા એવો હિસાબ. અને ગરીબ હોય કે તવંગર,બધાને એકસરખી ગુણવત્તા વાળી ચા પીરસવાનો એમનો નિયમ.

   ચા પીતા પીતા બાપુની કીટલીના નામ પર નજર પડી. લખ્યું હતું ‘મોબત ખપે ટી સ્ટોલ’.નામ વાંચીને કુતૂહલ ના થાય તો નવાઇ થાય એવું નામ લાગ્યું..

  મોબત એટલે મહોબ્બતનો ગામડાની જીભે ચઢી જાય એવો સહેલો અપભ્રંશ. ખપે શબ્દનો ઉપયોગ સિંધિમાં અને વ્યવહારમાં થતો સાંભળ્યો છે.એનો અર્થ થાય ચાલે કે ચાલશે.

   કુતૂહલવશ ચા વિક્રેતા બાપુને પૂછી જ લીધું કે આવું વિચિત્ર નામ કેમ?

  એમનું કહેવું હતું કે એમના ગુરૂ પિરબાબાનું આ બોધસૂત્ર હતું. તેઓ આ જ ઉપદેશ આપતા.. મોબત ખપે..

   અને મનમાં એક હિન્દી ફિલ્મના ગીતના શબ્દો ગુંજી ઉઠયા,'પ્યાર બાંટતે ચલો’. એનો અર્થ થાય કે ધૃણા,અણગમો છોડો બસ પ્રેમ,સ્નેહ વહેંચતા રહો.

  આ બે સાવ સામાન્ય લગતા શબ્દો ધરાવતું ગુરુસૂત્ર ખૂબ ઊંચી વાત કરે છે. પ્રેમ,લાગણીઓ, સ્નેહ, અપનાપન વહેંચતા રહો. જિંદગી જીવવા જેવી બનશે,લાગશે. કદાચ વિશ્વશાંતિનો આ સૌથી સચોટ ઉપાય છે.. મોબત ખપે..

   વિનોબાજીનું આવું જ એક બોધસૂત્ર યાદ આવી ગયું. કવાંટ પાસે આદિવાસી સેવાને સમર્પિત સ્વ.હરિવલ્લભ પરીખ'ભાઈ’ પાસેથી સ્વ.હસમુખલાલ છીતાલાલ પારેખે એક સેકન્ડ હેન્ડ જીપ ખરીદી હતી. એના પર પહેલીવાર વિનોબા સૂત્ર 'જય જગત’ લખેલું વાંચ્યું ત્યારે બચપણમાં આવું જ કુતૂહલ થયું હતું કે જય જગત એટલે શું?

   આજે ભારત-પાકિસ્તાન,ઈરાન-ઇઝરાયેલ, ભારત- ચીન,રશિયા-યુક્રેન,જગતભરમાં જે હિંસા, આતંક, હુંસાતુંસી, મારધાડની જે કટોકટી છે એના મૂળમાં હું શ્રેષ્ઠ, હું બધાથી મોટો, મારો જ જયજયકાર થવો જાેઇએ તે ભાવના છે. તેનો ઉકેલ આ બે સૂત્રો..'મોબત ખપે’ અને ' જય જગત’ પાસે છે, એમને અનુસરવામાં છે, એવું શીદ લાગતું હશે..

    સાચું જ તો છે...નફરત જેને ખપે એ ક્યારેય નિરાંતે ના જીવી શકે અને મોબત જેને ખપે એ મોજથી જીવે.

   લાગે છે કે ટી શર્ટ બનાવનારી કંપનીઓનું ધ્યાન આ સૂત્ર પર પડ્યું નથી..બાકી મોબત ખપે અથવા ર્હઙ્મઅ ર્ઙ્મદૃી ॅિીદૃટ્ઠૈઙ્મજના લખાણવાળા ટી શર્ટ બજારમાં મૂકે તો ઢગલો વેચાય. આ સૂત્રનું એક વ્યાપક અભિયાન છેડવા જેવું ખરું....

   મને તો આમે ય બાળપણથી આજે બુઢાપા સુધી મોબત જ ખપી છે. એટલે તો ૬૫ વર્ષે કહી શકું છું કે 'અભી તો મૈં જવાન હું’. તમને મોબત ખપે છે? જરૂર થી કહેજાે...

   અને ક્યારેક ઢસોથી સોંસરવા નીકળો તો મોબત ખપેની ચા જરૂર પીજાે..તમને એનો ચા જરૂર ખપશે...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution