તંત્રીલેખ |
એક તરફ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, અને અંતરિક્ષમાં ચંદ્ર પર યાન મોકલે છે, તો બીજી તરફ દેશના ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અતિશય કંગાળ છે. તાજેતરમાં થયેલા એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ અનુસાર ૧૪-૧૮ વય જૂથના ૪૨% ગ્રામીણ બાળકો અંગ્રેજીમાં સરળ વાક્યો વાંચી શકતા નથી.
પ્રથમ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે ૧૪-૧૮ વય જૂથના અડધાથી વધુ વિદ્યાર્થીઓને ભાગાકાર કરતાં પણ આવડતું નથી.
આ સર્વે ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો, જે ૧૪-૧૮ વર્ષની વય જૂથના કુલ ૩૪,૭૪૫ યુવાનોન્ આવરી લેતો હતો. દરેક મોટા રાજ્યમાં એક ગ્રામીણ જિલ્લાનો સર્વે કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બે ગ્રામીણ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. પ્રથમ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે આ વય જૂથના લગભગ ૨૫ ટકા લોકો હજુ પણ તેમની પ્રાદેશિક ભાષામાં ધોરણ-૨ સ્તરનું લખાણ અસ્ખલિત રીતે વાંચી શકતા નથી. અડધાથી વધુ ભાગાકાર કરી શકતાં નથી. આ કૌશલ્ય સામાન્ય રીતે ધોરણ ૩ અને ૪માં અપેક્ષિત છે.
આ યુવાનો પૈકી ૫૩.૭ ટકા એટલે કે અડધાથી વધુ લોકો અંગ્રેજીમાં વાક્યો વાંચી શકે છે. જેઓ અંગ્રેજીમાં વાક્યો વાંચી શકે છે, તેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો તેનો અર્થ કહી શકે છે,તેમ અહેવાલમાં જણાવાયું છે.
નીતિઓ ઘડતી વખતે સરકાર દ્વારા આ રિપોર્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વે અનુસાર ૭૬ ટકા સ્ત્રીઓ તેમની પ્રાદેશિક ભાષામાં ધોરણ-૨ સ્તરનું લખાણ વાંચી શકે છે જ્યારે પુરૂષોમાં આ ટકાવારી ૭૦.૯ ટકા છે. તેનાથી વિપરીત, પુરુષો અંકગણિત અને અંગ્રેજી વાંચનમાં તેમના મહિલા સમકક્ષો કરતાં વધુ સારું કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સર્વેક્ષણમાં સામેલ વિદ્યાર્થીઓમાંથી લગભગ ૪૫ ટકા બાળક રાત્રે સૂવા અને સવારે જાગવાના સમયના આધારે કેટલા કલાક સૂઈ ગયું તેની ગણતરી કરી શકે છે.
સ્કેલ વડે ઑબ્જેક્ટને માપવાના અન્ય રોજિંદા કાર્યમાં, સર્વેક્ષણ કરાયેલા ૮૫ ટકા લોકો ઑબ્જેક્ટની લંબાઈની યોગ્ય રીતે ગણતરી કરી શકે છે. પરંતુ જ્યારે ઑબ્જેક્ટ ખસેડવામાં આવે છે અને રુલર પર અન્ય જગ્યાએ મૂકવામાં આવે છે, ત્યારે ૪૦ ટકાથી ઓછા લોકો સાચો જવાબ આપી શકે છે. સર્વેક્ષણ કરાયેલ યુવાનોમાંથી બે તૃતીયાંશ (૬૫.૧ ટકા) ર્ંઇજી સોલ્યુશનના પેકેટ પર સૂચનાઓ વાંચવામાં સક્ષમ હતા, અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ મુજબ, પાયાના આંકડાનું નીચું સ્તર રોજિંદા ગણતરીઓનો સામનો કરવામાં યુવાનોની ક્ષમતાને અસર કરે છે, જ્યાં તેમને માપન કરવાની અથવા વ્યવહારિક ગણતરીઓનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. ૧૪-૧૮ ની વસ્તીના નોંધપાત્ર ભાગ માટે પાયાના સાક્ષરતા વિકસાવવાની જરૂર છે. માત્ર શાળામાં હાજરી રહેવાથી સાક્ષરતા આવી જતી નથી. આ રાષ્ટ્રવ્યાપી નાગરિક આગેવાની હેઠળનું ઘરગથ્થુ સર્વેક્ષણ છે જે ગ્રામીણ ભારતમાં બાળકોના શાળાકીય શિક્ષણ અને શિક્ષણની સ્થિતિનો સ્નેપશોટ પૂરો પાડે છે.
હજી પણ ભારતની મોટાભાગની વસતી ગામડાઓમાં વસે છે. એમાં પણ આદિવાસી વિસ્તારો નોંધપાત્ર સંખ્યામાં છે. આદિવાસીઓમાં શિક્ષણનો વિકાસ ઓછો હોવાનું એક કારણ સ્થળાંતર પણ છે. આ વર્ગ મજુરીકામ માટે શહેરોમાં આવે છે ત્યારે પરિવારને સાથે રાખે છે. તેમના બાળકો પણ તેમની સાથે હોવાથી તે શિક્ષણ મેળવી શકતાં નથી. આ પરિવારો ખેતીની સિઝનમાં પોતાના વતનમાં પરત ફરે છે અને તે પછી પાછા શહેરોમાં સ્થળાંતરિત થાય છે. આમ સ્થાયીપણાંના અભાવના કારણે તેમના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. બીજી બાજુ ગ્રામિણ વિસ્તારોમાં શાળાઓની સ્થિતિ ઘણી કંગાળ છે, અને શિક્ષણનું સ્તર પણ ઘણું નીચું છે.