પાક્કી ગુજરાતણ નીલમ પંચાલનો સિતારો આજકાલ બુલંદ છે

‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ બોલીવુડમાં પણ કંઈક એમ જ છે. ગુજરાતી કલાકારોએ હિન્દી સિનેમામાં ગુજરાતની છબી કંઈક આગવી જ રાખી છે. ગુજરાતીઓ વસતા ભલે દુનિયાના કોઈ ખૂણામાં હોય પરંતુ દિલ તો ગુજરાતમાં જ ધબકતું હોય છે.

બોલીવુડમાં અનેક એવા ગુજરાતી કલાકારો છે જેમણે ઉમદા અભિનયથી નામના મેળવી છે અને ઘણાએ તો નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. હવે તો ગુજરાતી ફિલ્મ જગતે પણ ખાસ્સુ કાઠું કાઢ્યું છે. ગુજરાતી ફિલ્મોમાં પણ કલાકારોએ હવે પ્રેક્ષકોના દિલમાં પણ પોતાની આગવી છાપ ઊભી કરી છે. ગુજરાતી ફિલ્મોમાં જુદા જુદા ઘણા વિષયોની રજુઆત થતી રહી છે. તેમાં પણ નારીલક્ષી ફિલ્મો ઘણી કલાત્મક રીતે રજુ થઈ છે. જેમાં હેલ્લારો, કચ્છ એક્સપ્રેસ, ૨૧મુ ટિફિન વગેરેનો સમાવેશ થાય છે.

“વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ... મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ.....” રુંવાડા ઉભા કરી દે તેવું કચ્છની પૃષ્ઠભૂમિ આધારિત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું આ કચ્છના રણમાં શૂટ થયેલું ગીત આજે પણ લોકો ગણગણે છે. જેમાં ગામની સખીઓ ગામના પાદરે પાણી ભરવા જતાં ઢોલના તાલે ગરબે ઝૂમે છે એનું ખૂબ જ સુંદર દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે. તેમાં દરેક કલાકારનો અભિનય પ્રશંસનીય છે. આમાં આપણા ગુજરાતના અમદાવાદની દીકરીનો અભિનય ઉડીને આંખે વળગે છે તે છે નીલમ પંચાલ. આ અભિનેત્રી મુંબઈમાં રહીને પણ ગુજરાતની સંસ્કૃતિને વિસરવા દીધી નથી. કહેવાય છે કે ‘પાક્કી ગુજરાતી’ અભિનેત્રી છે. પ્રખ્યાત ચેનલ ડીડી ગિરનારની એક માત્ર ગુજરાતી ટીવી સીરીયલ 'એક ડાળના પંખી’માં પણ તેણે અભિનય કર્યો છે પરંતુ 'હેલ્લારો’ ફિલ્મથી જાણિતી બની ગઈ છે. તેણે માત્ર ફિલ્મો નહીં, ગુજરાતી નાટકોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. ‘હેલ્લારો’ ફિલ્મની ભવ્ય સફળતા બાદ નીલમ પંચાલ પોતાની કારકિર્દીમાં દિવસ અને દિવસે નવી ઊંચાઈના શિખરો સર કરી રહી છે.

ગુજરાતી ફિલ્મ જગતની દેશી ગર્લ નીલમ પંચાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. હાલમાં મુંબઈમાં રહેવા છતાં મુંબઈની સંસ્કૃતિને પોતાનામાં પ્રવેશવા દીધી નથી.

નીલમની ફિલ્મી કરિયરની વાત કરીએ તો, નીલમે ‘હેલ્લારો’ ફિલ્મ માટે ૬૬મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ જીત્યો હતો. ‘હેલ્લારા’ે પછી ૨૦૨૧માં આવેલ ‘૨૧મું ટિફિન’ ફિલ્મ જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પસંદગી પામી હતી, તેમાં પણ તેણે અભિનયના અજવાળા પાથર્યા હતા. ત્યારબાદ નીલમે ગુજરાતનું સૌંદર્ય દર્શાવતાં ગીરમાં એક ગુજરાતી ગીત ‘હાલો ને મારા ગામડે’માં એક ગામડાની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. રાષ્ટ્રપિતા ગાંધીજી કહેતા કે ભારતનો આત્મા તેના ગામડાઓમાં વસે છે. પરંતુ આજની યુવા પેઢી ગામડાઓથી દૂર થતી જાય છે. ત્યારે યુવાનો ફરી ગામડાની માટીની સુગંધ તરફ વળે તે માટે આ ગીતની રચના થઈ હતી.

નીલમે પોતાનો અભ્યાસ અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં કર્યો હતો. નીલમે ૨૦૦૭ની ગુજરાતી ફિલ્મ ‘સ્નેહના સગપણ’થી સિનેમા ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. એ પહેલા ટીવી સીરીયલ એક ડાળના પંખી, પરણ્યા એટલે પતી ગયા, પતિ-પત્ની અને વાવાઝોડું વગેરેમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોનું મન જીત્યું હતું.

તેમણે મરાઠી ટેલિવિઝનમાં પણ ગુજરાતી મહિલાનું પાત્ર ભજવી પ્રેક્ષકો દ્વારા ઘણી પ્રશંસા મેળવી હતી. ૨૦૧૭માં ‘કાબીલ’ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં નીલમે આખરે પ્રવેશ કર્યો.

હાલ ૨૦૨૪ ની ગુજરાતી સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ “નાસુર’માં હિતુ કનોડિયા સાથે નીલમ પંચાલ લીડ રોલમાં જાેવા મળી હતી. અગાઉ નીલમની હિતુ કનોડિયા સાથે 'વશ’ ફિલ્મ પણ સફળ રહી હતી.

નીલમ પંચાલ બહુ ફૂડી નથી, પરંતુ ગુજરાતી ભોજન પ્રત્યે પ્રેમ એટલો જ દર્શાવે છે. તે કહે છે કે અમદાવાદમાં જમવાની જે મોજ પડે છે તેવી મુંબઈમાં નથી જ પડતી. ગુજરાતની દેશી ગર્લ નીલમને દેશી ફૂડ વધુ પ્રિય છે. જેમાં ગુજરાતી ભીંડાનું લસણમાં વઘારેલું શાક અને ઠંડીની ઋતુમાં વટાણા બટેટાનું રસાવાળું શાક, રોટલો અને છાશની તો નીલમ દીવાની છે. નીલમ પોતાની મા અને સાસુને સાક્ષાત અન્નપૂર્ણા માને છે. નીલમના પતિ મિહિર રાજડા અને દીકરી નીહિરા સાથે નવી નવી જગ્યાને એક્સપ્લોર કરવાનું નીલમને ખૂબ જ ગમે છે.

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, હાલમાં નીલમ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. કોઈપણ જાતના ફિલ્ટર વગર અને કોઈપણ જાતના પ્લાન વગર લાઈવ વિડિયોની રીલ બનાવીને ઘણા ગુજરાતી પ્રેક્ષકોનું મન જીતી રહી છે.

અને હા, બીજી એક વાત, જે નીલમનો ખૂબ જ પ્રિય એવો ટોપિક એટલે ‘નીલમ અને તેનો ભગો’... ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક ઘરમાં તો ક્યારેક બીજે ક્યાંક... ભગો તો થાય જ... ‘ભગો અને નીલમને જાણે ૧૨મો ચંદ્રમા ન હોય’ એવું જ લાગે..અને એ પોતે પણ એવું જ કહે છે. નીલમ એની સાથે થતા એ જ ભગાને સોશિયલ મીડિયા પર એટલું જ સહજતાથી વર્ણવે છે કે તમારું મન આનંદિત થઈ જ જાય ...

આખરે છે તો ગુજરાતી જ ને...!!!!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution