દુબઈના અવનવા આકારના મકાનો મુગ્ધ કરે તેવા હતા

દુબઈમાં બીજે દિવસે હોટલના રૂમના પડદા ખોલ્યા ત્યાં મીઠો તડકો આવતો હતો. બિલમાં સમાવેશ હતો તે બ્રેકફાસ્ટ માટે ગયાં. હોટેલના સ્વિમિંગ પુલમાં તર્યા. ૧૧-૩૦ આસપાસ શુક અને મ્યુઝીયમ જાેવા નીકળ્યા. રસ્તે શેખ જાહેદ રોડ પરથી ટેક્સી પસાર થઈ. મકાનોના આવા અવનવા આકાર હોય તે માન્યામાં ન આવે. ખોખાં એક પર એક ગોઠવ્યાં હોય તેવા, ઓવલ આકારના, મિનારા આકારના, ટાયર આકારનું એક વિશાળ મ્યુરલ, હોલ ઓફ ફ્યુચરની બહાર માનવ આંખની સાવ અલગ દેખાવની રૂપેરી પ્રતિકૃતિ, ‘મ્યુઝીયમ ઓફ ફ્યુચર’ની બહાર આંખ આકારનું રૂપેરી શિલ્પ અને એવા આકારો ઉપરાંત સાચે જ ગગનચુંબી ઇમારતો. ટેક્સીમાંથી ડોકું બહાર કાઢી ઊંચે જાેઈએ તો પણ ટોચ ન દેખાય એટલાં ઊંચાં મકાનો. ત્રીસ માળ તો સામાન્ય હતા. કેટલાંક તેથી પણ ઊંચાં હતાં. ૬૦થી ૭૦ માળનાં.

બધા જ રસ્તાઓ ફોર લેન જેવા અને ટ્રાફિક ખૂબ વ્યવસ્થિત કેમ કે અહીં દંડ ખૂબ મોટો હોય છે. રસ્તો ક્રોસ કરવા પણ માણસની ગ્રીન લાઈટ થાય તે પહેલાં ક્રોસ કરો તો દંડ થાય. કારો પણ અત્યંત વૈભવી. લીમોઝીન, મસ્તાંગ અને ન આવડે એવાં નામની. મોટી અને ભવ્ય.

ટેક્સી ઊભી તેની નજીક બેંક ઓફ બરોડાનું મોટું ટાવર હતું. સામે જ દુબઈ મ્યુઝિયમ જાેયું. બહારથી ખાખી પથ્થરનું, આગળ તોપ મૂકેલું અને આપણી ડેલીઓનાં બારણાંઓને વાર્નીશ કર્યો હોય તેવો ગેટ. અંદર દુબઈ ફોર્ટનું મોડેલ, તેલ શોધાયું એ પહેલાંનું લોકજીવન બતાવતાં પૂતળાં, આફ્રિકા અને હિંદના વેપારથી લેવાતી ચીજાે વગેરે જાેયાં. સામાન્ય કક્ષાનું. છોડી દો તો ચાલે. બહાર નીકળી નજીકની દુકાનો જાેઈ. ઘણી સિંધીઓ કે ગુજરાતીઓની હતી.

આ મ્યુઝિયમ અને એક તરફ શુક જતો રસ્તો હતો. પાછળ જ નાની શેરીમાં શિવ અને કૃષ્ણનાં હિંદુ મંદિરો છે તે જાેવા ગલીમાં ગયા તો પ્રસાદ, ચૂંદડીઓ, ફોટા અને પુજાની દુકાનો જાેઈ જાણે ભૂલેશ્વર, રાણીનો હજીરો કે દિલ્હી કાલી મંદિર પાસેની ગલીમાં હોઈએ તેવું લાગ્યું. બહાર ઘંટ હતો તે વગાડી શિવ મંદિરના તુલસી ક્યારાને નમન કરી સંતોષ માન્યો. મંદિરો બારથી પાંચ બંધ રહે છે.

આ બજાર વિસ્તાર હતો. બજારને અરેબિકમાં શુક કહે છે.

પહેલાં હમણાં જ ખુલી હોય તેવી દુકાનો સાથેની કલોથ શુકમાં પ્રવેશ્યાં. કાપડની અને ફેન્સી વસ્તુઓ વેચતી લાઈનબંધ દુકાનો અને મોટા,ખાસ જાતનો વાર્નીશ કરેલા થાંભલા, અંદર ઊંચે લગાવેલાં ફાનસોવાળી શેરી. અહીં પણ દુકાનની બહાર ઊભી ‘આવો સાહેબ.. આવો મેમ .. આ લઈ જાઓ..’ વગેરે કહેતા એમના માણસો ફરતા હતાં.

શાંતિલાલ, ધ્યાનચંદ, એવાં ગુજરાતી નામોની પણ ઘણી દુકાનો હતી. બહારથી તેમના શો પીસો, દેશ વિદેશનાં કાપડ જેમ કે ઇજિપ્ત કોટન, ઈરાનની કાર્પેટ, એ તરફનું રેશમી કાપડ અને ભારતીય દુપટ્ટા કે બાંધણી વગેરે જાેયાં.

ત્યાંથી નજીકની જેટી પરથી બોટ પકડી દરિયાની ખાડી ઓળંગી સામે કાંઠે અબ્રા વિસ્તારમાં ગયાં. ત્યાં સ્પાઈસ શુકમાં દાખલ થયાં. ત્યાં તો જાતજાતનાં કેસર, સાંભળ્યું ન હોય તેવી પચીસ ત્રીસ જાતની ખજૂર, બરણી ખોલતા જ બહાર સુગંધ આવે તેવી મોટી એલચી, ચામાં મેળવવા સૂકવેલી ફૂલ પાંદડીઓ, વાગે કે હાડકામાં દુઃખે ત્યારે પીસીને લગાવવાની ચોકલેટી ગોટી અને એવું બધી મગજ કામ ન કરે તેવી ચીજાે જાેઈ. એક દુકાનમાંથી અરેબિક ટી અને ઈરાનની મોટી એલચી, થોડું ડ્રાય ફ્રૂટ વગેરે લીધું. ત્યાં મને તજ લવીંગની લાકડીઓ, બે ચાર જાતની સોપારીઓ ને આસપાસનાં દેશોના મસાલા જાેવાની મઝા આવી.

બપોરના આશરે ત્રણ આસપાસ આવ્યા ગોલ્ડ શુકમાં. આશરે એકાદ કિમી લાંબી શેરી, બેય બાજુ ઝળહળતા પ્રકાશવાળા શો કેઇસોમાં એકદમ મોંઘાં અને વજનદાર સોનાનાં ઘરેણાં, મુગટ, સોનાનાં વસ્ત્રો, સોનાની જાળીવાળું ટોપ, સોનાનાં ચિત્તો, ગરુડ વગેરે જાેયું. સાચા હીરાની વીંટીઓ, નેકલેસ, ચેઈનો, બેંગલ્સ જાેઈ. ત્યાં હિતેશ, વજુભાઈ, રાજકોટ ગોલ્ડ, ધકાન વગેરે નામો વાળી દુકાનો હતી.

ત્યાં વિદેશી કપલ્સ પણ હાથમાં હાથ લઈ ફરતાં હતાં. બધે ગુજરાતીઓની દુકાનો જાેઈ હું રાજકોટની સોની બજારમાં હોઉં એવું લાગ્યું.

ગેટ પાસે ટોઇલેટ જવા ૪ દિરહામ ચાર્જ, એ પણ સિક્કા નાખવાના. “ ૯૫ રૂપિયા કાંઈ પાયખાને જવાના અપાય?” મેં ધીમેથી કહ્યું. દુકાનવાળો હસ્યો. તે ગુજરાતી હતો!

ફરી બોટમાં બેસી સામે કૃઝ એટલે ઇવનિંગ રાઈડની લક્ઝરી શીપની ટીકીટ લેવા ગયાં. તે દેરા વિસ્તાર હતો. ત્યાં બેસવાનું સારું હતું. ત્યાં છત્રીઓમાં એમને એમ પણ દરિયો જાેતાં બેસી શકાય છે.

ત્યાંથી ઉપડતી શીપની બે જર્ની સાંજની હતી. શીપ એસી હતી. અંદર ટીવી પણ મોટા સ્ક્રીન પર ચાલતું હતું. શ્રીમતી અંદર બેઠી પણ મેં ઘણોખરો સમય ડેક પર વિતાવ્યો. ફરફરતા પવનમાં ફાસ્ટ શીપ સાથે દુબઈની સ્કાયલાઇન અને અમુક અંતર મધદરિયે લઈ જાય તે અનુભવ માણવાની મઝા આવી. દરિયામાં સૂર્યાસ્ત જાેયો, ધનિકોના પણ ધનિકોની વિલાઓવાળો ટાપુ જાેયો, અંધારું થતાં બહારથી છૈંદ્ગ દુબઈ આઇનું અતિ વિશાળ ચકડોળ જાેયું. વૈભવી બહુમાળી મકાનો અને પેલેસ જેવી હોટલો બેય કાંઠે જાેતાં ૮ વાગ્યે બીજા ડેક પર મરીના બીચ લાંગર્યા. ત્યાં રિવરફ્રન્ટ જેવો વોક વે, લાંબી બજાર અને ફરવાના રસ્તે અર્ધો કલાક ફરી ટેક્સી કરી હોટેલ પહોંચી ગયાં. ટેક્સીનું પેમેન્ટ ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરી કર્યું. રસ્તે રાત્રીના દુબઈની જાહોજલાલી અને ટ્રાફિક જાેયાં.

બીજે દિવસે પામ બીચ, ઝુમેરા, દુબઈ ફ્રેમ વગેરે જાેવાનું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution