મૌનની વાણી

નાયગ્રા ફોલ પાસે કેટલીક સ્ત્રીઓ વાતોએ વળગી, એનો અવાજ એટલો બધો આવતો હતો કે નાયગ્રા ફોલનો અવાજ સાંભળી શકાય એમ નહોતું. સ્ત્રીઓની વધુ પડતું બોલ બોલ કરવાની આદત પર આ સટાયર બહુ જાણીતું છે. એવું કહેવાય કે ચાર ચોટલા ભેગાં થાય એટલે ગામ આખાની પંચાત જામે. જાે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્‌સ પર નિરીક્ષણ કરશો તો જણાશે કે એમાં પુરુષ વર્ગ પણ જરાય ઓછો ઉતરે તેમ નથી. બસ, વધુ પડતું બોલવાની બાબતમાં સ્ત્રીઓ વધુ બદનામ છે એટલું જ. ઓછું બોલવા કે મૌન રહેવાની વાત કેટલાકને જલ્દી ગળે નથી ઉતરતી. એમાં પાછું આપણી આ બે સાવ વિરોધાભાસી કહેવાતો... “બોલે તેના બોર વેંચાય” અને “ન બોલવામાં નવ ગુણ” દરેકને પોતાના મિજાજ મુજબ ગમતું પકડી પોતાનો બચાવ કરી શકે એવી મોકળાશ આપે છે! આ કહેવત દ્વારા આપણાં વડવાઓ કહેવા માંગે છે કે કૈંક વેંચવું હોય તો બોલવું પડે અને જરૂર વગર બોલ બોલ કરી જાતની કિંમત ઓછી ન કરવી. પણ આજકાલ તો દરેકને ‘હું કંૈક છું’ બતાવવાની એટલી ચળ ઉપડી છે કે કોઈ વિષયનું જ્ઞાન હોય કે નહીં પણ પોતાની હાજરી નોંધાવવા ખાતર બોલવું તો પડે જ! આ પ્રસિધ્ધિની ભૂખે માણસને વિવેક ભાન ભુલાવ્યા છે.

‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ટ્રેપિસ્ટ મઠની મુલાકાત દરમ્યાન લખે છે કે આ જગ્યા ખૂબ સુંદર હતી અને મઠના મોટા ભાગના સાધુઓ મૌનવ્રતધારી હતાં. ગાંધીજીએ ત્યાંના ધર્મગુરૂને આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે “આપણે ર્નિબળ મનુષ્યો છીએ. આપણે શું બોલીએ છીએ તે ઘણીવાર આપણે જાણતા નથી હોતાં. આપણા અંતરના ઊંડાણમાંથી નીકળતા અત્યંત મંદ અવાજને જાે આપણે સાંભળવા માંગતા હોઈએ તો સતત બોલ્યા કરવાથી તે આપણે સાંભળી નહીં શકીએ.”

જાે કે ચુપ રહેવું અને મૌન રહેવું એમાં ફર્ક છે. આ મૌન એટલે શું? મોઢું બંધ રાખી કશું જ ન બોલવું એ મૌન નથી. મૌન એટલે તો આપણા બાહ્ય મનનો બબડાટ અને સતત ચાલતા વણજાેઇતા વિચારોના પ્રહારમાંથી મુક્તિ. મૌન રહેવું એટલે સંતુલનમાં, સ્થિર અને શાંત રહેવું. મૌન પણ વાચાળ હોવું જાેઈએ. અને આપણી વાણી મૌન હોવી જાેઈએ. મૌન રહેવું એટલે વાણીનો અનાદર નથી. અરે, એ બંને તો એકબીજાના પૂરક જ છે. વાણી અને મૌન એક રીતે તો સિક્કાની બે બાજુ જેવા જ છે. જેને મૌન રહેતા નથી આવડતું એની વાણી નર્યો વાણીવિલાસ બની જાય છે. અને જેને બોલતાં નથી આવડતું એનું મૌન જડતા બની રહી જાય છે. એટલે જ તો કહેવાય છે કે વાણી અને મૌનનું સંતુલન કેળવવું એ એક સાધના છે. ક્યારે, શું, કેમ, અને કેટલું બોલવું એ જે વ્યક્તિ સમજી જાય એના શબ્દોથી કયારેય કોઈ હાનિની શક્યતા નથી રહેતી. એ જ રીતે ક્યારે મૌન રહેવું એની સમજ જેમને હોય એનું મૌન ક્યારેય કોઈને ખૂંચતું નથી.

મૌન રહેવાના અનેક ફાયદા છે. સામેની વ્યક્તિને પહેલા બોલવા દ્યો. એમ કરતા આપણને એમને સાંભળવાની તક મળે છે. આપણે જેટલા મૌન એટલું સામેની વ્યક્તિ વધુ બોલશે. અને જેટલું વધુ બોલશે તેટલી તેની મનોવૃત્તિ પારખવાની આપણને તક મળશે. ક્યારેક વધુપડતું બોલી નાંખનાર વ્યક્તિના ઈરાદાઓ એમની વાતમાંથી છતાં થઇ જતા હોય છે!

જયારે વાદવિવાદ કે ઉશ્કેરાટભર્યો માહોલ હોય, શાંત રહેવાથી મૌન ધારણ કરવાથી વાત વધુ વણસતી અટકાવી શકાય છે. અંગત સંબંધોમાં કે કામના સ્થળો પર આવા સંજાેગોમાં આપણું મૌન એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ કરે છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં સતત સંભળાતા “મેં કર્યું..... મેં કર્યું....” ભર્યા હુંકારના ઘોંઘાટ વચ્ચે જયારે આપણે મૌન રહી આપણું કામ કરવામાં એકાગ્ર રહીશું ત્યારે આપણું કામ ખૂબ સારું થશે અને મનથી આનંદ અને સંતોષ પણ મળશે.

ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એકાંત ગુફાઓમાં મૌન સેવી ધ્યાનમાં બેસી આધ્યાત્મિક સાધના કરતાં. હિમાલય, ગિરનાર અને ગીરના જંગલોમાં આજે પણ સાધુઓ મૌન સાધના કરતા હોવાનું મનાય છે. મૌન રહેવાથી માણસ બહારની દુનિયાથી વિમુખ થતો જાય છે અને ધીમે ધીમે અંતર્મુખી બનવા લાગે છે. જાત સાથેનું અહીં સંધાન થાય છે, અને પછી પોતાની ભીતરનો મંદ અવાજ પણ સંભળાય છે. આ ભીતરના અવાજને ઓળખવા,ે સાંભળવો એટલે જ આપણી ભીતર રહેલા પરમતત્વ સાથે જાેડાવું. અને આ અનુભૂતિ એટલે જ પરમ આનંદની અનુભૂતિ.

જયારે મન અશાંત થાય ત્યારે થોડો સમય જાત સાથે રહી મૌનમાં વિતાવી લેવો. એક રીતે જાેઈએ તો મૌન રહી આપણે આપણા હૃદયમાં ભરાયેલ મેલને ધોઈ શુધ્ધ કરી આપણી ભીતર વસેલાં પરમતત્વ સાથે મૌન સંવાદ કરીએ છીએ!

મૌન રાગ રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓમાં ખૂબ જાેવા મળે છે.

મેં ઝબોળ્યું મારા હૃદયપાત્રને

મૌનના જળમાં,

’ને એ પ્રેમથી છલકાયું.

તારા મૌનના ગર્ભગૃહમાં બેસીને

મારે તારી વાણી સાંભળવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution