પાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગપંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગપાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિપ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જાેડાણ હોવાથી નાગપાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતરની ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળની નાની દેરી જાેવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગોનું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે, એક તરફ મહાદેવના કંઠ પર તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષશૈયા! રામાયણમાં રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં કૃષ્ણના ભાઈ બલરામને શેષનાગના જ અવતાર કહ્યા છે.
નાગપાંચમ ભારત અને નેપાળ સિવાય અન્ય દેશો જ્યાં હિંદુ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ છે ત્યાં પણ ઉજવાય છે. ગુજરાતમાં મુખ્યત્વે આ દિવસે ઘરે ઘરમાં પૂર્વાભિમુખ દીવાલ પર અથવા પાણિયારે કંકુ કે છાણથી નાગદેવતાની આકૃતિ બનાવાય છે. તેમને રુની દીવેટનો હાર ચડે જેને નાગલા કહેવાય. ત્યારબાદ ઘરના સૌ સદસ્યો કંકુ ચોખાથી વધાવીને નાગદેવતાની પૂજા અને આરતી કરે છે. તેમને પ્રસાદમાં ઠંડુ મીઠું દૂધ તેમજ બાજરાના લોટમાં ઘીગોળ નાખી બનાવેલી કુલેર ધરાવાય છે. નાગપાંચમે ચૂલો સળગાવાતો નથી. ગૃહિણીઓ ઠંડુ ખાઈને વ્રત કરે છે. નાગપાંચમની પૂજા અને વ્રતનો વિશેષ મહિમા છે. તેના ફળરૂપે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. પરિવારને અનિષ્ટ તત્વો, જીવજંતુઓ વગેરેથી રક્ષણ મળી રહે એ માટે નાગદેવતાને પૂજવામાં આવે છે. આ ઉપરાંત ખાસ નાગપાંચમે કરેલી શિવપૂજા અને શિવ અભિષેક ાી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. નાગપાંચમ નિમિતે લોકો શિવમંદિર કે ખેતરપાળ મંદિરે અચૂક દર્શન કરે છે. જાે નાગમંદિરની વાત કરીએ તો ગુજરાતમાં ચોકડી ગામે ચરમાલિયા નાગ, ડીસા મધ્યે શેષનાગ, આબુ ખાતે અર્બુદા નાગ, પ્રભાસ મુકામે શેષનારાયણ, દાહોદમાં ગોગા નારાયણ તો કચ્છમાં થાન જાગીરે વાસુકી નાગ અને ભુજિયા ડુંગરે ભુજંગદેવ નાગ તીર્થો જાણીતા છે.
નાગપૂજન અને નાગપંચમીનો સંબંધ મહાભારતકાળ સાથે જાેડાયેલો છે. નાગપંચમી ઉજવવાની શરૂઆત એ સમય દરમિયાન થઈ છે. એ સમયની મહિમા થકી આજે આપણે શ્રીમદ ભાગવત કથા અને મહાભારત જાણી શક્યા છીએ એમ કહી શકાય. કારણ કે પુરાણોની કથા અનુસાર એક દિવસ રાજા પરીક્ષિત કે જેઓ અર્જુનપુત્ર અભિમન્યુના પુત્ર હતા, તેઓ જંગલમાં ગયા. લાંબા સમયના ભ્રમણનો થાક અને તરસ સંતોષવા માટે તેઓ શમીક ઋષિના આશ્રમ પહોંચ્યા. ધ્યાનસ્થ બેઠેલા ઋષિ પાસે તેમણે મદદ માંગી. પરંતુ ઋષિએ કોઈ પ્રતિક્રિયા ન આપી ત્યારે તેમને ઢોંગી માની આવેશવશ પરીક્ષિત એ તેમના ગળે મૃત સાપ પહેરાવી દીધો. એ જાેઈ ઋષિ પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે સાત દિવસ બાદ તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતને પશ્ચાતાપ થતાં તેઓ અન્ન જળનો ત્યાગ કરી ગંગા તટ પર તપ કરવા બેઠા. ત્યાં શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી અને સાતમે દિવસે તક્ષક નાગ કરડે એ પહેલા જ મોક્ષ પામ્યા. આ ઘટનાની જ્યારે પરીક્ષિતના પુત્ર જનમેજયને જાણ થઈ ત્યારે પિતાની મૃત્યુનો બદલો લેવા તેણે સમસ્ત નાગ વંશનો વિનાશ કરવા સર્પ સત્ર નામે યજ્ઞ આરંભ્યો. આ યજ્ઞના પ્રભાવથી સૌ સાપોના હ્રદયમાં પીડા ઉત્પન્ન થઈ. પરિણામે બધા સાપો એક એક કરીને યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. હવે તક્ષક નાગની વારી હતી. રક્ષણ માટે તે ઇન્દ્ર પાસે ચાલ્યો ગયો.
વાસુકિ નાગે ચિંતીત થઈ પોતાની બહેન જરત્કારુને વિનંતી કરી. જરત્કારુ અને ઋષિ જરત્કારુનો પુત્ર આસ્તિક મુનિ ખૂબ જ તેજસ્વી અને જ્ઞાની હતો. તેમનાથી પ્રભાવિત થઇને રાજાએ જે ઈચ્છા હોય તે માંગવા કહ્યું.બીજી બીજુ તક્ષક નાગનું આહ્વાન કરવામાં આવ્યું. તે યજ્ઞમાં પડવાનો હતો એટલામાં આસ્તિક મુનિએ યજ્ઞ રોકવાની ઈચ્છા માંગી. જનમેજયે પોતાનું વચન પાળ્યું. આસ્તિક મુનિએ નાગવંશની રક્ષા કરી. શ્રાવણ વદ પાંચમની એ ઘટના વખતે નાગ દેવતા એ આશિર્વાદ આપ્યા કે જે લોકો આ તિથિએ નાગની પૂજા કરશે તેમને ક્યારેય પણ સાપ ના કરડવાનો ભય નહીં રહે. એ ઘટના બાદ વેદ વ્યાસના શિષ્ય વૈશંપાયન વ્યાસે જનમેજયને મહાભારતની કથા કહી હતી. જે પછી એની ભ્રાંતિ દુર થઈ.
આમ નાગપાંચમની એ ઘટના આપણી સનાતન સંસ્કૃતિની એક અભૂતપૂર્વ ઘટના છે. જેની મહિમા નાગ પૂજાની પરંપરા સાથે આજ પર્યંત કાયમ છે.