શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વધ્યો


ભારતીય શેરમાર્કેટમાં તેજીનો વાવટો છેલ્લા કેટલાક સમયથી ફરકી રહ્યો છે. એક સમયની તેજીમાં વિદેશી રોકાણકાર ખરીદાર રહે છે તો તેમના તરફથી આવતી વેચવાલીના બીજા તબક્કામાં સ્થાનિક રોકાણકારો તક ઝડપીને મસમોટું રોકાણ કરી રહ્યાં છે. આમ તબક્કાવારની લેવાલી-વેચવાલીના જાેરે બજારને સપોર્ટ મળી રહે છે અને નવા રેકોર્ડ હાઈ સમયાંતરે બની રહ્યાં છે. તાજેતરના ડેટા અનુસાર હવે સ્થાનિક શેરબજારમાં વિદેશી રોકાણકારો કરતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નું વર્ચસ્વ વધી રહ્યું છે. જૂન ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર સ્થાનિક અને વિદેશી રોકાણકારો વચ્ચે શેરહોલ્ડિંગનો તફાવત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. તેનું કારણ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) શેરબજારમાં આક્રમક રીતે પૈસાનું રોકાણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો હાલમાં વેચવાલી કરી રહ્યા છે.બજારના નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમોમાં નાણાંના ઝડપી પ્રવાહને કારણે ડીઆઈઆઈ હોલ્ડિંગ વધી રહ્યું છે. તેમનું માનવું છે કે ટૂંક સમયમાં તેમની હોલ્ડિંગ વિદેશી રોકાણકારોની હોલ્ડિંગને વટાવી શકે છે.

પ્રાઇમઇન્ફોબેઝ પર ઉપલબ્ધ ડેટા અનુસાર એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં એફપીઆઈનો હિસ્સો માર્ચ ક્વાર્ટરના ૧૭.૭૨ ટકાથી ઘટીને જૂન ક્વાર્ટરમાં ૧૭.૩૮ ટકા પર આવી ગયો છે, જે ૧૨ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાગત રોકણકારનો હિસ્સો વધીને ૧૬.૨૩ ટકા થયો છે. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૯.૫૨ ટકા પર પહોંચ્યો છે, જે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલ-જૂન ૨૦૨૪માં આ આક્રમક ખરીદીને કારણે ડીઆઈઆઈનું હોલ્ડિંગ વિદેશી રોકાણકારોના હોલ્ડિંગ કરતાં માત્ર ૧.૧૫ ટકા ઓછું રહ્યું. અત્યાર સુધીનો સૌથી મોટો તફાવત માર્ચ ૨૦૧૫માં હતો જ્યારે ડીઆઈઆઈનું હોલ્ડિંગ એફપીઆઈ કરતાં ૧૦.૩ ટકા ઓછું હતું.

જૂન ક્વાર્ટરમાં એફપીઆઈ ૧૦૦ કરોડ ડોલરના શેર વેચ્યા હતા જ્યારે ડીઆઈઆઈએ ૧.૨૫ લાખ કરોડના શેર ખરીદ્યા હતા. શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વધ્યો છે. બીજી તરફ ખાનગી પ્રમોટર હોલ્ડિંગ ઘટીને ૪૦.૮૮ ટકા થઈ ગયું છે, જે લગભગ ૭ વર્ષમાં સૌથી ઓછું છે. રિટેલ અને હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારોના હિસ્સામાં થોડો વધારો થયો હતો. જૂન ક્વાર્ટરમાં તેમનો હિસ્સો ૯.૫૨ ટકાથી વધીને ૯.૬૨ ટકા થયો છે. નિફ્ટી ૫૦ વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં તેમાં ૭.૫૪ ટકાનો મજબૂત ઉછાળો નોંધાયો હતો જ્યારે માર્ચ ૨૦૨૪માં તે ૨.૭૪ ટકા વધ્યો હતો. નિફ્ટી સતત પાંચ ક્વાર્ટરથી તેજીના વમળમાં જ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution