મુંબઇમાં કોરોના બેકાબૂ થતાં લાઇફલાઇન ગણાતી આ સેવા થઇ શકે છે બંધ

મુંબઇ-

રાજ્યમાં કોરોના વાઇરસ ફરી એક વાર બેકાબૂ બની રહ્યો છે ત્યારે મુંબઇની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઇ છે. આવી પરિસ્થિતિમાં મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સામાન્ય નાગરિકો માટે ફરી એક વાર બંધ થઇ શકે છે, એવા એંધાણ રાજ્યના પ્રધાને આપ્યા હતા.

આ મુદ્દે રાજ્યના પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે, રાજ્ય સહિત મુંબઇમાં કોરોના વકરી રહ્યો હોવાથી દરદીની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. મુંબઇમાં કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વધુ ગંભીર હોવા છતાં લોકલ ટ્રેનમાં ભીડ થઇ રહી છે. તેથી શહેરમાં કોરોના પર કાબૂ મેળવવા માટે પહેલાની જેમ અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકો માટે મર્યાદિત સેવાઓ દોડાવવામાં આવે અને સામાન્ય લોકો માટે લોકલનો પ્રવાસ બંધ કરવામાં આવે, એવો વિચાર સરકાર કરી રહી છે.

મુંબઇમાં દરરોજ કોરોનાની સંખ્યામાં વિક્રમી વધારો થઇ રહ્યો હોવાથી દરદી બમણા થવાનો સમયગાળો ૩૫ દિવસ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આ ઉપરાંત દરદીનો રિકવરી રેટ પણ ઘટીને ૮૦ ટકા સુધી પહોંચ્યો હોવાથી સ્થિતિ ચિંતાજનક છે. દરમિયાન વિજય વડેટ્ટીવારે લોકલ બંધ કરવા અથવા નવા કડક પ્રતિબંધો લાગુ કરવા અંગેનું નિવેદન આપ્યું હોવાથી નોકરિયાત વર્ગનો લોકલ ટ્રેનમાં પ્રવાસ બંધ થાય એવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution