સેન્સેક્સે 50000નો આંક વટાવ્યો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ને પગલે તેજી

મુંબઈ-

સેન્સેક્સ ૨૦૨૧માં ૫૦,૦૦૦નો આંક વટાવી ગયો છે. જોકે આવી ધારણા એક સમયે એક આંતરરાષ્ટ્રીય બૅન્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાઇરસે જ્યારે જગ આખાને ઘમરોળી નાખ્યું અને ગઈ ૨૪મી માર્ચે આ ઇન્ડેક્સ ૨૫,૬૩૯ની બાવન સપ્તાહની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો હતો ત્યારે લોકોએ ૫૦,૦૦૦ની કલ્પના પણ છોડી દીધી હતી. જોકે વર્તમાન વલણને જોતાં કોઈ પણ ઘડીએ અને સંભવતઃ ૨૧ જાન્યુઆરીએ જ એ સપાટી આવી જશે.

સતત ઊંચા જઈ રહેલા વૅલ્યુએશનને પગલે કન્સોલિડેશનની સંભાવના વધી ગઈ ત્યારે ગયા શુક્રવારે એટલે કે ૧૫મીએ અને પછી સોમવારે ૧૮મીએ બજાર ઘટ્યું હતું અને સોમવારે દિવસના અંતે સેન્સેક્સ ૪૮,૫૬૪ સુધી ગયો હતો. પછીથી બે સત્રોમાં બધો ઘટાડો ધોવાઈ ગયો છે. હાલ રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, ટીસીએસ વગેરે જેવા ખમતીધર સ્ટૉક્સમાં નવા પૈસા આવી રહ્યા છે અને આગામી દિવસોમાં સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ ચાલુ રહેવાની સંભાવના છે. બજારમાં કોઈ મોટું પરિબળ ભલે ન હોય, વિવિધ કંપનીઓનાં સારાં પરિણામોને લીધે એમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી નીકળી હોવાથી આ સીમાચિહ્ન ગુરુવારે જ આંક વટાવી ચુક્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution